દહીં કે છાશ? ચોમાસામાં કયો વિકલ્પ વધારે યોગ્ય
ચોમાસામાં સિઝનલ બીમારીઓથી બચવા માટે છાશ વધુ સારો વિકલ્પ છે
દહીં કે છાશ?
દહીં કે છાશ?
ઉનાળામાં દહીં અને છાશ જેવા પીણાની માંગ વધી જાય છે. આ બંને ગરમીમાં ઠંડક આપે છે અને પાચનમાં મદદ કરે છે. પરંતુ, ચોમાસાની શરૂઆત થતાં જ વારંવાર પ્રશ્ન ઉદ્ભવે છે કે, હવે બન્નેમાંથી ક્યો વિકલ્પ વધુ સારો છે? આયુર્વેદ હોય કે વિજ્ઞાન, બંનેએ સ્વાસ્થ્ય માટે દહીંને અત્યંત ફાયદાકારક માન્યું છે. પરંતુ, ચોમાસાની ઋતુમાં જ્યારે હવામાન વારંવાર બદલાય છે, ત્યારે પેટ સંબંધિત સમસ્યાઓ વધુ સતાવતી હોય છે.

આવા સમયે દહીં કરતાં છાશ વધુ સારો વિકલ્પ સાબિત થાય છે. દહીંની ઠંડી તાસીર કફને વધારી શકે છે, જ્યારે છાશ હળવી હોવાથી પાચનતંત્ર પર બોજ નાખતી નથી અને શરીરને હાઈડ્રેટેડ રાખે છે. અમેરિકન નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, દહીં દૂધને કુદરતી બેક્ટેરિયાની મદદથી આથો લાવીને બનાવવામાં આવે છે, જેમાં લેક્ટોબેસિલસ જેવા પ્રોબાયોટિક્સ હોય છે.

આ પ્રોબાયોટિક્સ આપણા પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે, તે આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે અને હાનિકારક બેક્ટેરિયાને ઘટાડે છે. આને કારણે, આપણું પાચન સુધરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન B12 જેવા આવશ્યક પોષક તત્વો પણ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને માંસપેશીઓના વિકાસમાં મદદ કરે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, નિયમિત દહીંનું સેવન કરવાથી આંતરડાની બળતરા ઓછી થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. જોકે, બજારમાં મળતા મીઠા દહીંમાં વધુ પડતી ખાંડ હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ ઉપરાંત, કેટલાક લોકો માટે રાત્રે દહીં ખાવાથી કફની સમસ્યા થઈ શકે છે, તેથી પોતાના સ્વાસ્થ્ય અનુસાર તેનું સેવન કરવું જોઈએ.

બીજી તરફ, છાશ પણ પાચન માટે એક ઉત્તમ વિકલ્પ છે. છાશ દહીંમાં પાણી ઉમેરીને અને વલોવીને બનાવવામાં આવે છે, તેથી તેમાં દહીં કરતાં ઓછી ચરબી અને ઓછી કેલરી હોય છે. તે ખૂબ જ હળવી હોવાથી સરળતાથી પચી જાય છે. છાશમાં લેક્ટિક એસિડ હોય છે, જે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને પેટની બળતરાને શાંત કરે છે.

આ ઉપરાંત, છાશમાં ઇલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે શરીરમાં પાણી અને ખનિજોનું સંતુલન જાળવી રાખે છે, જેનાથી શરીર હાઈડ્રેટેડ રહે છે. એક અભ્યાસ મુજબ, છાશ ચોમાસામાં શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને થાક પણ ઓછો કરે છે. તેનો સ્વાદ અને ઠંડક પેટને તાત્કાલિક તાજગી આપે છે. તેથી જ્યારે ખોરાક ભારે લાગે અથવા પાચનમાં મુશ્કેલી હોય, ત્યારે છાશ પીવી સૌથી વધુ લાભદાયક છે. દહીં અને છાશ બન્ને પોતપોતાની રીતે પાચન માટે ફાયદાકારક છે, પરંતુ ચોમાસાની સિઝનમાં પાચનને વધુ હળવું રાખવા માટે છાશ એ દહીં કરતાં વધુ સારો વિકલ્પ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.