ભારતમાં UPI પેમેન્ટ સિસ્ટમનો વ્યાપ સતત વધી રહ્યો છે. ચા-કોફીથી લઈને પેટ્રોલ અને ઓનલાઈન ખરીદી સુધી, હવે લગભગ દરેક જગ્યાએ UPIનો ઉપયોગ થાય છે. પરંતુ હવે આ જ UPI દ્વારા ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને પણ ખરીદી થઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર વ્યવહારમાં ગ્રાહકના ક્રિપ્ટો વોલેટમાંથી USDC કપાય છે અને વેપારીના બેંક ખાતામાં સીધા ભારતીય રૂપિયા જમા થાય છે. આ પ્રક્રિયા માત્ર બે મિનિટમાં પૂર્ણ થઈ શકે છે. આ નવી પેમેન્ટ પદ્ધતિએ ભારતના ડિજિટલ પેમેન્ટ અને ક્રિપ્ટો નિયમન અંગે નવા સવાલો ઊભા કર્યા છે.
કેવી રીતે કામ કરે છે UPIથી ક્રિપ્ટો પેમેન્ટ?
'ધ ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, 'goat.cash' જેવી વેબ એપ્લિકેશન્સ ક્રિપ્ટોકરન્સી અને UPI પેમેન્ટ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. આ પ્લેટફોર્મ ગ્રાહકના ક્રિપ્ટો વોલેટમાં રહેલા USDCને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરીને વેપારી સુધી પહોંચાડે છે. આ પેમેન્ટ પ્રક્રિયા સમજીએ તો, ગ્રાહકે સૌથી પહેલાં goat.cash એપ્લિકેશનમાં વેપારીનો UPI QR કોડ સ્કેન કરવાનો હોય છે. ત્યારબાદ ખરીદીની રકમ, ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અને દેશની વિગતો દાખલ કરવાની હોય છે. આગળના તબક્કામાં ગ્રાહકને OTP દ્વારા વ્યવહારની પુષ્ટિ કરવી પડે છે. ત્યારબાદ તેના વ્યક્તિગત ક્રિપ્ટો વોલેટમાંથી USDC (USD Coin) નિર્ધારિત વોલેટમાં ટ્રાન્સફર થાય છે. USDC એ અમેરિકી ડોલર સાથે જોડાયેલી સ્ટેબલકોઈન ક્રિપ્ટોકરન્સી છે. એપ્લિકેશન ત્યારબાદ ઉપલબ્ધ મધ્યસ્થીઓમાંથી શ્રેષ્ઠ વિનિમય દર આપનારની પસંદગી કરે છે. પસંદ કરાયેલ મધ્યસ્થી USDC મેળવીને પોતાના ભારતીય બેંક ખાતામાંથી વેપારીને UPI મારફતે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરે છે. બાદમાં તે પ્રાપ્ત થયેલી USDC ખુલ્લા બજારમાં વેચીને પોતાની રકમ અને સર્વિસ ફી વસૂલ કરે છે. આમ, ગ્રાહક ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટ કરે છે, પરંતુ વેપારીને સામાન્ય UPI વ્યવહારની જેમ ભારતીય રૂપિયા જ મળે છે.
NPCIના અધિકારીઓ કેમ વ્યક્ત કરી રહ્યા છે લાચારી?
આ નવી પેમેન્ટ વ્યવસ્થાએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સામે મોટો પડકાર ઊભો કર્યો છે. અહેવાલ મુજબ, જ્યારે ET દ્વારા NPCIના એક અધિકારીને આ વ્યવસ્થા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને કારણે આવા વ્યવહારોને સત્તાવાર રીતે અટકાવવાનું સરળ નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે UPI નેટવર્કનો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં વેપારીને મળતી રકમ ભારતીય રૂપિયામાં હોય છે. એટલે કે, પેમેન્ટની પાછળ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થયો હોવા છતાં અંતિમ વ્યવહાર સામાન્ય બેંકિંગ સિસ્ટમ મારફતે પૂર્ણ થાય છે.
ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ છે કે નહીં?
ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કાનૂની ચલણ (Legal Tender) તરીકે માન્યતા આપવામાં આવી નથી. જોકે, તેનો અર્થ એ નથી કે ક્રિપ્ટોકરન્સી રાખવી કે તેનો વેપાર કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. વર્ષ 2018માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંકો અને નાણાકીય સંસ્થાઓને ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલી કંપનીઓને બેંકિંગ સેવાઓ આપવાથી રોકતું પરિપત્ર જાહેર કર્યું હતું. પરંતુ વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે RBIના આ પરિપત્રને રદ કર્યો હતો. આ ચુકાદા બાદ ક્રિપ્ટો સંબંધિત વ્યવહારો માટે બેંકિંગ સેવાઓ પરનો તે પ્રતિબંધ દૂર થયો હતો. હાલની UPI આધારિત ક્રિપ્ટો પેમેન્ટ વ્યવસ્થા આ જ કાનૂની પરિસ્થિતિનો લાભ લેતી હોવાની ચર્ચા છે. જોકે, આવી વ્યવસ્થાની કાયદેસરતા અને નિયમનકારી જવાબદારીઓ અંગે હજુ અનેક પ્રશ્નો ઊભા થાય છે.
ક્રિપ્ટો પેમેન્ટની છટકબારી શું છે?
આ સમગ્ર વ્યવસ્થામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ક્રિપ્ટોકરન્સી સીધી વેપારી સુધી પહોંચતી નથી. તેના બદલે, મધ્યસ્થી USDC સ્વીકારે છે અને પોતાની બેંકિંગ વ્યવસ્થા મારફતે વેપારીને ભારતીય રૂપિયા ચૂકવે છે. વિદેશી ક્રિપ્ટો કાર્ડ અથવા ક્રિપ્ટો પેમેન્ટ કાર્ડને નિયંત્રિત કરવાનું પ્રમાણમાં સરળ હોઈ શકે છે, પરંતુ UPIના સામાન્ય QR કોડ દ્વારા થતા વ્યવહારોમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થયો છે કે નહીં તે ઓળખવું મુશ્કેલ બની શકે છે. આ જ કારણસર નિષ્ણાતો માને છે કે ક્રિપ્ટો કન્વર્ઝન અને UPI પેમેન્ટને એક જ પ્રક્રિયામાં જોડતી આ વ્યવસ્થા વર્તમાન નાણાકીય નિયમન માટે નવો પડકાર બની શકે છે.
કોફી અને પેટ્રોલ ખરીદીથી સામે આવ્યો સમગ્ર મામલો
આ પેમેન્ટ પદ્ધતિનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક ડિજિટલ કાર્યકર્તાએ સોમવારે સવારે વેપારીઓના UPI QR કોડ સ્કેન કરીને ક્રિપ્ટોકરન્સી દ્વારા કોફી અને પેટ્રોલની ખરીદી કરી હતી. કાર્યકર્તાએ આ વ્યવસ્થામાં નફો કેવી રીતે થાય છે તે પણ સમજાવ્યું હતું. મધ્યસ્થીને બજારમાં USDC વેચવાથી મળતી કિંમત અને ગ્રાહકને આપવામાં આવતા વિનિમય દર વચ્ચેના તફાવતમાંથી કમાણી થાય છે. આ નફો મધ્યસ્થી અને એપ્લિકેશન પ્રદાતા વચ્ચે વહેંચાતો હોવાની શક્યતા છે. ભારતને લોકેશન તરીકે પસંદ કરતાં જ એપ્લિકેશનમાં UPI પેમેન્ટનો વિકલ્પ દેખાય છે. સોફ્ટવેર એન્જિનિયર જસનીત સિંહ સૈની અને Web3 કન્ટેન્ટ ક્રિએટર શ્રુતિ માલવિયાએ આ પદ્ધતિ અંગે વીડિયો પોસ્ટ કર્યા બાદ આ વ્યવસ્થા ચર્ચામાં આવી હતી.
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સામે નવો પડકાર
ભારતમાં UPI ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યાં છે ત્યારે ક્રિપ્ટોકરન્સી આધારિત આ નવી પેમેન્ટ પદ્ધતિએ નિયમનકારી સંસ્થાઓનું ધ્યાન ખેંચ્યું છે. ગ્રાહક માટે બે મિનિટમાં પેમેન્ટ કરવાની સુવિધા સરળ લાગી શકે છે, પરંતુ તેની પાછળ ક્રિપ્ટો ટ્રાન્સફર, મધ્યસ્થીઓ, વિનિમય દર અને બેંકિંગ વ્યવહારોની જટિલ પ્રક્રિયા કામ કરે છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે UPI દ્વારા થતા આવા ક્રિપ્ટો આધારિત વ્યવહારો પર ભવિષ્યમાં કઈ રીતે દેખરેખ રાખવામાં આવશે અને RBI તથા NPCI આ નવા પડકારનો સામનો કરવા માટે શું પગલાં લેશે.