Rajat Patidar Century In Syed Mushtaq Ali Trophy: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશના કેપ્ટન રજત પાટીદારે પોતાની વિસ્ફોટક બેટિંગથી મેદાનમાં રનનો વરસાદ વરસાવ્યો છે. આસામ સામે રમાયેલી મેચમાં પાટીદારે આક્રમક સદી ફટકારીને મધ્યપ્રદેશને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાટીદારે માત્ર 48 બોલમાં અણનમ 135 રન બનાવીને પોતાની બેટિંગનો જોરદાર પરચો આપ્યો હતો.
41 બોલમાં સદી, 13 છગ્ગા સાથે આસામના બોલરોની ધોલાઈ
ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મધ્યપ્રદેશની શરૂઆત ખાસ રહી નહોતી. ટીમે આઠમી ઓવર સુધીમાં માત્ર 57 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન રજત પાટીદારે જવાબદારી સંભાળી અને આસામના બોલરો સામે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. પાટીદારે પોતાની ઇનિંગમાં 48 બોલનો સામનો કરીને અણનમ 135 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 13 ગગનચુંબી છગ્ગા અને આઠ ચોગ્ગા જોવા મળ્યા હતા. તેણે 281.25ના તોફાની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. અહેવાલ મુજબ, પાટીદારે માત્ર 41 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
શિવાંગ કુમાર સાથે 153 રનની મહત્વપૂર્ણ ભાગીદારી
મધ્યપ્રદેશની લડખડાતી ઇનિંગને સંભાળવામાં રજત પાટીદારને શિવાંગ કુમારનો પણ શાનદાર સાથ મળ્યો હતો. બંને બેટ્સમેન વચ્ચે ચોથી વિકેટ માટે 153 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. શિવાંગે 38 બોલમાં 61 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. શિવાંગ 18મી ઓવરના છેલ્લા બોલે આઉટ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે પાટીદાર સાથે મળીને મધ્યપ્રદેશને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. શિવાંગના આઉટ થયા બાદ પણ પાટીદારે પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી અને અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો હતો.
મધ્યપ્રદેશે આસામ સામે બનાવ્યા 250 રન
રજત પાટીદાર અને શિવાંગ કુમારની શાનદાર બેટિંગના આધારે મધ્યપ્રદેશે નિર્ધારિત ઓવરોમાં છ વિકેટ ગુમાવીને 250 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. અન્ય બેટ્સમેનોમાં અંકુશ સિંહે 23 રન અને અક્ષત રઘુવંશીએ 19 રનનું યોગદાન આપ્યું હતું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રજત પાટીદારની આ વિસ્ફોટક ઇનિંગે ફરી એકવાર તેની આક્રમક બેટિંગ ક્ષમતા દર્શાવી છે. ખાસ કરીને શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન તરીકે ઇનિંગને સંભાળીને ટીમને 250 રન સુધી પહોંચાડવી મધ્યપ્રદેશ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.