Hockey World Cup 2026: ભારતે રચ્યો ઇતિહાસ
16માંથી તમામ વર્લ્ડ કપ રમનારી બની એકમાત્ર ટીમ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Hockey World Cup 2026: FIH મેન્સ અને વુમન્સ હોકી વર્લ્ડ કપ 2026નો રોમાંચ 15 ઑગસ્ટથી નેધરલેન્ડ્સ અને બેલ્જિયમની સંયુક્ત યજમાનીમાં શરૂ થયો છે. આ ટુર્નામેન્ટ ભારત માટે ખાસ ઐતિહાસિક બની છે. એમ્સ્ટલવીનના વેગનર સ્ટેડિયમમાં વેલ્સ સામે પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરતા જ ભારતીય પુરુષ હોકી ટીમે વર્લ્ડ કપના ઇતિહાસમાં અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
16માંથી તમામ હોકી વર્લ્ડ કપ રમનાર ભારત પ્રથમ દેશ
ભારત હવે હોકી વર્લ્ડ કપની અત્યાર સુધી યોજાયેલી તમામ 16 આવૃત્તિમાં ભાગ લેનારી વિશ્વની એકમાત્ર ટીમ બની ગઈ છે. સ્પેન, નેધરલેન્ડ્સ અને જર્મનીએ અગાઉની તમામ 15 આવૃત્તિમાં ભાગ લીધો હતો, પરંતુ 2026 વર્લ્ડ કપમાં ભારતની મેચનું શેડ્યૂલ આ ટીમો કરતાં પહેલાં હોવાથી આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના નામે નોંધાઈ છે.
50 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ ટ્રોફી પર નજર
ભારતીય પુરુષ હોકી ટીમનો વર્લ્ડ કપ સાથેનો ઇતિહાસ શાનદાર રહ્યો છે. 1971ના પ્રથમ વર્લ્ડ કપમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે 1973માં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ 1975માં કુઆલાલંપુરમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 2-1 થી હરાવીને પ્રથમ અને અત્યાર સુધીનો એકમાત્ર વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો. પરંતુ 1975 બાદ ભારત ફરી વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી શક્યું નથી. 2023ના ઓડિશા વર્લ્ડ કપમાં પણ ટીમને નવમા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. હવે હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ 50 વર્ષથી ચાલી રહેલા વર્લ્ડ કપ ટ્રોફીના દુષ્કાળનો અંત લાવવાના મિશન સાથે મેદાનમાં છે.
વર્લ્ડ કપ 2026માં મોટો ફેરફાર, ક્વાર્ટર ફાઇનલ નહીં રમાય
આ વખતનો FIH Hockey World Cup નવા ફોર્મેટ સાથે રમાઈ રહ્યો છે. 16 ટીમોને ચાર-ચાર ટીમના ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. દરેક પૂલમાંથી ટોચની બે ટીમો બીજા તબક્કામાં પહોંચશે. ક્રોસઓવર તબક્કામાં Pool E અને Pool F બનાવવામાં આવશે. અહીંથી ટોચની બે-બે ટીમો સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. એટલે આ વખતે પરંપરાગત ક્વાર્ટર ફાઇનલનો તબક્કો જોવા મળશે નહીં.
ભારતના પૂલમાં પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને વેલ્સ
ભારતીય પુરુષ ટીમને Pool D માં સ્થાન મળ્યું છે. ભારતની ગ્રુપ સ્ટેજમાં ત્રણ મહત્વની મેચ છે:
15 ઑગસ્ટ: ભારત vs વેલ્સ — 4:30 PM IST
17 ઑગસ્ટ: ભારત vs ઈંગ્લેન્ડ — 6:30 PM IST
19 ઑગસ્ટ: ભારત vs પાકિસ્તાન — 6:30 PM IST
ખાસ કરીને ભારત-પાકિસ્તાન મુકાબલો હોકી ચાહકો માટે સૌથી વધુ ચર્ચિત મેચોમાંથી એક રહેશે.
ભારતીય મહિલા ટીમ પણ Pool D માં
ભારતીય મહિલા હોકી ટીમને પણ Pool D માં સ્થાન મળ્યું છે. સલીમા ટેટેની આગેવાની હેઠળની ટીમ ગ્રુપ સ્ટેજમાં ચીન, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
16 ઑગસ્ટ: ભારત vs ચીન — 4:30 PM IST
18 ઑગસ્ટ: ભારત vs દક્ષિણ આફ્રિકા — 6:30 PM IST
20 ઑગસ્ટ: ભારત vs ઈંગ્લેન્ડ — 6:30 PM IST
ભારતીય મહિલા ટીમ પણ લાંબા સમયથી ચાલતા મેડલના દુષ્કાળને સમાપ્ત કરવાની આશા સાથે મેદાનમાં ઉતરી છે.
હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં અનુભવ અને યુવા ખેલાડીઓનો સંગમ
ભારતીય પુરુષ ટીમની કમાન સ્ટાર ડિફેન્ડર અને ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહના હાથમાં છે. ટીમમાં મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ જેવા અનુભવી ખેલાડીઓ છે. મહિલા ટીમનું નેતૃત્વ સલીમા ટેટે કરી રહી છે. ટીમમાં સવિતા, બિચુ દેવી, ઈશિકા ચૌધરી, નિક્કી પ્રધાન, નવનીત કૌર અને દીપિકા સહિતના ખેલાડીઓ પર નજર રહેશે.
ભારત સામે 50 વર્ષ જૂના ઇતિહાસને બદલવાની મોટી તક
હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાન 4 ખિતાબ સાથે સૌથી સફળ ટીમ છે. નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા અને જર્મનીએ 3-3 વખત વર્લ્ડ કપ જીત્યો છે. ભારતે છેલ્લે 1975માં ટ્રોફી જીતી હતી. હવે 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે માત્ર ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની નહીં, પરંતુ 50 વર્ષ જૂના વર્લ્ડ કપના દુષ્કાળનો અંત લાવવાની પણ મોટી તક છે. ભારતની દરેક મેચ હવે ટાઇટલ તરફના સફરમાં નિર્ણાયક બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.

અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને ધમાકો મચાવ્યો. ભારતે ત્રીજી T20માં 14 રનથી જીત મેળવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી.