India vs West Indies 3rd T20I: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વિસ્ફોટક બેટિંગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અભિષેકે માત્ર 18 બોલમાં અડધી સદી પૂરી કરીને વિરાટ કોહલી અને સંજુ સેમસનનો ભારતીય રેકોર્ડ પાછળ છોડી દીધો હતો. તેની 30 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ અને અર્શદીપ સિંહની ત્રણ વિકેટની મદદથી ભારતે ઇન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી હતી.
અભિષેક શર્માએ 18 બોલમાં ફટકારી અડધી સદી
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં અભિષેક શર્માએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં વિરાટ કોહલીએ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. સંજુ સેમસને પણ 2026ની આ શ્રેણીની બીજી T20 મેચમાં 21 બોલમાં અડધી સદી નોંધાવી હતી. અભિષેકે બંનેને પાછળ છોડીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનો
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય બેટ્સમેનોની ઝડપી અડધી સદીની યાદીમાં આ નોંધપાત્ર ઇનિંગ્સનો સમાવેશ થાય છે:
-
અભિષેક શર્મા: 18 બોલ (2026)
-
વિરાટ કોહલી: 21 બોલ (2019)
-
સંજુ સેમસન: 21 બોલ (2026)
-
રોહિત શર્મા: 22 બોલ (2016)
-
રોહિત શર્મા: 23 બોલ (2019)
-
સૂર્યકુમાર યાદવ: 23 બોલ (2023)
આ યાદીમાં રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની 23 બોલમાં ફટકારેલી અડધી સદીનો પણ સમાવેશ થાય છે.
વૈશ્વિક રેકોર્ડમાં અભિષેક શર્મા કયા સ્થાને?
અભિષેક શર્માની 18 બોલમાં અડધી સદી ભારતીય બેટ્સમેનોમાં વેસ્ટ ઈન્ડિઝ સામેનો ઝડપી રેકોર્ડ છે. જોકે, તમામ દેશોના ખેલાડીઓની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. ડેવિડ વોર્નર અને કોલિન મુનરોએ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે 18 બોલમાં અડધી સદી નોંધાવી હતી. આથી અભિષેકે ભારતીય રેકોર્ડ બનાવ્યો હોવા છતાં, વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તેના નામે નથી.
અભિષેક શર્માની 69 રનની ઇનિંગથી ભારતનો મોટો સ્કોર
ઇન્દોરમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 30 બોલમાં 69 રન ફટકાર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થયો હતો. ભારતની શરૂઆતમાં સંજુ સેમસન માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ અભિષેકે આ શરૂઆતના ઝટકાની અસર પોતાની બેટિંગ પર પડવા દીધી નહોતી. તેણે આક્રમક બેટિંગ ચાલુ રાખી અને વેસ્ટ ઈન્ડિઝના બોલરો પર દબાણ વધાર્યું હતું. અભિષેકને ઇશાન કિશનનો પણ સારો સાથ મળ્યો હતો. ઇશાને 18 બોલમાં 37 રન બનાવ્યા હતા. બંનેની આક્રમક બેટિંગને કારણે ભારતીય ટીમે ઝડપથી રન એકત્ર કર્યા હતા.
અર્શદીપ સિંહની ઘાતક બોલિંગ, ભારતનો 14 રનથી વિજય
224 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ ભારતીય બોલરોએ નિર્ણાયક સમયે વિકેટો મેળવીને મેચ પર પકડ મજબૂત બનાવી હતી. અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 44 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નમન ધીરે પણ બે વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 209 રન જ બનાવી શકી હતી. પરિણામે ભારતે 14 રનથી મેચ જીતી લીધી હતી અને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. અર્શદીપ સિંહને તેના શાનદાર પ્રદર્શન બદલ 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.