દુર્ઘટનાઓ માંથી કોઇ બોધ પાઠ લીધો નથી, વડોદરામાં બાળકો માંડ માંડ બચ્યા
વડોદરાના મેળાની મંજૂરી કોણે ક્યાં આધારે આપી?, ફરી કોઇ નવાણ્યો કુટાશે?

રાજ્યમાં છેલ્લા થોડા વરસો માં થયેલી મોટી દુર્ઘટનાઓ

રાજ્યમાં છેલ્લા થોડા વરસો માં થયેલી મોટી દુર્ઘટનાઓ
તમે અમને પૂછો કે સુરતના તક્ષશિલાકાંડ, અમદાવાદના શ્રેય હોસ્પિટલ કાંડ, મોરબીના ઝુલતા પૂલ કાંડ, વડોદરાના હરણીકાંડ, રાજકોટ ના ટીઆરપી ગેમીંગ ઝોનના અગ્ની કાંડ, આ તમામ કાંડમાં થી સરકારે શું બોધ પાઠ લિધો?
તો અમારો જવાબ હશે, સરકાર પહેલો બોધ શીખી, અમે કોઇ ચમરબંધીને છોડશું નહી તેવું નિવેદન કરી દેવુ, બિજો બોધપાઠ સ્પેશિયલ ઇનવેસ્ટીંગેશન ટિમની રચના, ત્રીજો બોધ આઇએએસ અધિકારીઓની તપાસ સમિતિ જે ભવિષ્યમાં આવી દુર્ઘટના કેમ અટકાવવી તેના સૂચનો કરશે, આ કેસને અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડીતોને ન્યાય અપાવીશું ની મોટી જાહેરાત કરી દેવી, ચોથો બોધ પાઠ હાઇકોર્ટમાં પીઆઇએલ કરાવી દેવી, જેથી વિરોધ પક્ષ આવી ઘટનાને ઉછાળી ને સરકારની છાપ ખરડી ન શકે. અગર વિરોધ પક્ષ હો-હા કરે તો આક્ષેપ કરવાનો મડદા ઉપર રાજનીતિ કરે છે, કહી વિરોધ પક્ષને જ બદનામ કરી દેવાનો, પીડીત પરીવારો માટે વળતરની ઘોષણા કરી દેવી, જે માધ્યમો ઝોરશોર ચલાવી પીડીતો અને નાગરીકોને બધુ ભૂલાવી દેશે. એક વખત પ્રજા બિજા માર્ગે વળી જાય એટલે તંત્ર તેના રસ્તે, પૂનઃ બિજી ઘટના ન ઘટે ત્યાં સુધી સરકારી ફાઇલો અને મીટીંગમાં ખોવાય જશે.
આટલા પાઠ ઓછા શિખ્યા હોય તેમ knee-jerk પ્રતિક્રિયા આપવી, જેમ કે તક્ષશિલા કાંડ પછી રાજ્યભરમાં કોચિંગ ક્લાસની તપાસ અને તેના માટે નિયમો જાહેર કરવા. ઝુલતા પુલની દુર્ઘટના થઇ એટલે રાજયના તમામ પૂલની તપાસ, હરણીકાંડ થયો, રાજ્યના તમામ વોટર સ્પોર્ટસ બંધ કરાવી દિધા, ટીઆરપી કાંડ થયો તો રાજ્યના તમામ ગેમીંગ ઝોન બંધ કરાવી દિધા. ત્યારબાદ આ તમામ સેવાઓ માટે નવી માર્ગદર્શિકા બનાવવાની, જે માટે પાછી અધિકારીઓની સમિતિની રચના થાય, જે માર્ગદર્શિકાનો અમલ થાય છે કે તેની ચકાસણી માટે કોઇ સમિતિ હોતી નથી, તે જુદી વાત છે.
બુધવારે રાત્રે વડોદરાના માંજલપુર ખાતે ચાલી રહેલા રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડસના દરવાજા ખૂલી જતાં ત્રણ થી ચાર બાળકો જમીન પર પટકાયા, નસીબ જોગે કોઇને મોટી ઇજા થઇ નથી. એક વાલીના કહેવા પ્રમાણે રાઇડની સ્પીડ વધી ગઇ હતી, રાઇડ ચલાવનાર વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો, વાલીઓએ જીવના જોખમે પાવર કેબલ તોડી રાઇડ બંધ કરી.
ગુરુવારે સવારે સ્થાનીક વહિવટીતંત્રે મેળો બંધ કરાવી દિધો. મેળો બંધ કરાવવાથી હવે કોઇ ઘટના નહી બને તેની તંત્ર ખાત્રી આપે શકે? તંત્ર સામે ઘણાં સવાલ ઉપસ્થિત થાય છે, સર્વપ્રથમ તો આ મેળાની મંજૂરી ક્યાં ક્યાં વિભાગે આપી હતી ?, તેના ક્યાં ક્યાં અધિકારીઓએ સ્થળ ચકાસણી કરી હતી?, તમામ રાઇડસની ચકાસણી કરી હતી કે નહીં ?. શું એ તપાસવામાં આવ્યું હતું કે મેળાના સંચાલક કોઇ ટેકનીકલ જ્ઞાન ધરાવે છે કે નહીં?, અલગ અલગ રાઇડ્સના ચાલક પાસે, મિકેનીકલ, ઇલેક્ટ્રિકલ કોઇ જ્ઞાન છે કે નહી?. શું એ તપાસ કરવામાં આવી હતી કે કોઇ અકસ્માત સર્જાય તો સંચાલક પાસે પૂરતો ટેકનીકી સ્ટાફ છે કે સ્થિતિ સંભાળી શકે? જો આવી કોઇ તપાસ થતી નહોય, અથવા સરકાર પાસે આવી તપાસનો સ્ટાફ નહોય તો સરકાર આવા મેળાને મંજૂરી શાં માટે આપી નાગરીકોની જીંદગી ખતરામાં મૂકે છે.
તમને નવાઇ પમાડશે, સરકારી તંત્ર દુર્ઘટનાઓ પછી નાગરીકોને ઉંધા કાન પકડાવે એટલે પ્રજાને કંઇક નવું થયું તેવી લાગણી પેદા થાય, અને સંતોષ માની લે. જેમ કે હરણી તળાવ માં બિનઅનૂભવીને બોટ ચલાવવાની મંજૂરી મહાનગરપાલિકાના કમિશનર અને જનરલ બોર્ડે આપી હતી. સરકારે એવી ઘટના ન ઘટે તે માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ કે બંદર ખાતાના અધિકારીઓને નવી માર્ગદર્શિકા બનાવવા સૂચના આપી, સર્વપ્રથમ તો જેની જવાબદારી જ નથી બનતી, તેને માર્ગદર્શિકા બનાવી તેના અમલ જવાબદારી આપી.
આ માર્ગદર્શિકામાં એક સૂચન છે કે તળાવ કે નદી માં વોટર સ્પોર્ટસ કે પ્રવાસન સાધનો ની મંજૂરી મહાનગરોમાં મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લામાં કલેક્ટર પાસે થી લેવી પડશે. આ નિયમ તો પહેલાથી જ છે, નવુ શું છે?
હરણીકાંડમાં ગુજરાત હાઇકોર્ટ સરકારને પૂછી પૂછી થાકી ગઇ કે બોટ ની મંજૂરી આપનારા કમિશનર સામે પગલાં શુ ભર્યા, પણ સરકાર કાંઇ આઇએએસ અધિકારીને થોડા હાથ અડાડે. એ પણ એ પ્રજા માટે જેમની યાદદાસ્ત ટુંકી હોય અને પાછો રાજકિય પક્ષને ગળા સુધી વિશ્વાસ હોય કે આ પ્રજા મત તો સત્તારૂઢ પક્ષને જ આપશે, તેમના પાસે વિકલ્પ શું છે?
જ્યાં સુધી પ્રજા તેમની જીંદગીની કિંમત નહી સમજે, ત્યાં સુધી તંત્ર દરેક દુર્ઘટના પછી આવી માર્ગદર્શિકા, નિયમો બનાવતી રહેશે, કાગળ ઉપર બધુ મભમ રાખશે, જેથી મોટા હાથીઓ ક્યારેય ફસાય નહી, અગર વિજળી પડે તો તે માત્ર ને માત્ર નાના મગરો તેમા ફસાય, પ્રજાને થોડો અહેસાસ થાય, સરકાર પગલાં તો ભરે છે. પછી ફરી બધા ખાઇ પી (પાણી) ને રાજ કરવા માંડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું