ઢાકાની ઉથલપાથલમાં ભારતની કસોટી
બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું

ભારત–બાંગ્લાદેશના ધ્વજ

ભારત–બાંગ્લાદેશના ધ્વજ
બાંગ્લાદેશમાં સર્જાયેલા રાજકીય ભૂકંપની અસર માત્ર ઢાકા સુધી મર્યાદિત નથી—તે દક્ષિણ એશિયાના વ્યૂહાત્મક સંતુલનને સીધી સ્પર્શે છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા તેમની ગેરહાજરીમાં ફાંસીની સજા કર્યા બાદ, તેઓ ભારતના આશ્રયમાં છે અને આવામી લીગના વરિષ્ઠ નેતાઓ ખુલ્લેઆમ ભારતને હસ્તક્ષેપની અપીલ કરી રહ્યા છે. બીજી તરફ મુહમ્મદ યુનૂસની અંતરિમ સરકાર, પાકિસ્તાન અને ચીન સાથે વધતા સંપર્કો અને જૈશ-એ-મોહમ્મદ જેવી પાકિસ્તાની આતંકી ગતિવિધિઓનું બાંગ્લાદેશમાં વિસ્તરણ—આ બધું ભારત માટે ગંભીર ચિંતાનું કારણ છે.
2024ના વિદ્યાર્થી આંદોલન બાદ હસીના સરકાર પતન પામી અને દેશમાં રાજકીય ધ્રુવીકરણ તેજ બન્યું. 280થી વધુ લોકોનાં મોત થયા અને આંતરિક અસંતોષે બાંગ્લાદેશને અસ્થિર બનાવ્યું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 4,096 કિમી લાંબી સરહદ, સાંસ્કૃતિક સંબંધો અને 16 અબજ ડોલરનું દ્વિપક્ષીય વેપાર હંમેશાથી બંને દેશોને પરસ્પર આધારિત બનાવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિએ આ સંબંધોની ગરમાહટ ઘટાડીને નવી જટિલતાઓ ઉભી કરી છે.
બાંગ્લાદેશની અંતરિમ સરકાર દ્વારા પાકિસ્તાની સૈનિક નેતા અને રાજકીય પ્રતિનિધિઓ સાથે ખાનગી બેઠક અને તે પહેલાં ચીનની મુલાકાત—દેશની વિદેશ નીતિ પરિવર્તનનો સ્પષ્ટ સંકેત છે. જો ઢાકા ચીન–પાકિસ્તાન ધરી તરફ ઝૂકે, તો ભારતની Neighbourhood First નીતિ અને પૂર્વીય સીમા બંને જોખમાય છે.
સીધો હસ્તક્ષેપ ભારત માટે જોખમી બની શકે છે.
તે સ્વતંત્ર રાજ્યની સર્વભોમસત્તાનું ઉલ્લંઘન ગણાશે.
બાંગ્લાદેશમાં પહેલેથી જ રહેલી -ભારત વિરોધી ભાવના વધુ ઉગ્ર બની શકે છે.
હસ્તક્ષેપને કારણે ઢાકા વધુ ગાઢ રીતે ચીન અને પાકિસ્તાન તરફ ઝુકી શકે છે.
શ્રીલંકામાં IPKFના અનુભવો હજી ભારત માટે ચેતવણીરૂપ છે.
પરંતુ ભારત માટે નિષ્ક્રિય રહેવું પણ શક્ય નથી. બાંગ્લાદેશમાં અસ્થીરતા, પાકિસ્તાની આતંકી નેટવર્કનું વિસ્તરણ અને ચીનની રાજકીય–આર્થિક હાજરી—આ બધું ભારતની સુરક્ષા અને પ્રાદેશિક પ્રતિષ્ઠાને અસર કરે છે.
ભારત માટે યોગ્ય માર્ગ શાંત, સંતુલિત અને લાંબા સમયની વ્યૂહરચના છે:
ઢાકાની અંતરિમ સરકાર, આવામી લીગ અને નાગરિક સંગઠનો સાથે સતત રાજદ્વારી ચર્ચા.
બાંગ્લાદેશમાં લઘુમતી સુરક્ષા અને લોકશાહી પ્રક્રિયા વિશે સકારાત્મક સંદેશ.
આતંકવાદ વિરોધી ગુપ્તચર સહકાર મજબૂત કરવો.
કનેક્ટિવિટી, ઊર્જા અને વેપાર દ્વારા આર્થિક કુદરતી જોડાણ વધારવું.
હસીનાના વિષય પર કાયદે મંજૂર અને સંયમિત વલણ, જેથી ભારત પક્ષપાતી દેખાય નહીં.
દક્ષિણ એશિયાની સ્થિરતા માટે ભારતે બાંગ્લાદેશમાં પ્રભુત્વ નહીં, પરંતુ પ્રભાવશાળી અને સંયમિત નેતૃત્વ દર્શાવવું જરૂરી છે. આજનું ઢાકાનું સંકટ ભારતને તાત્કાલિક હસ્તક્ષેપ નહીં, પરંતુ દીર્ઘકાલીન અને વ્યૂહાત્મક સમજદારીની કસોટી આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

યુક્રેનના હુમલાએ રશિયાનું તેલ રિફાઇનિંગ તંત્ર હલાવ્યું, વૈશ્વિક ભાવમાં હલચલ