ગણેશ ગોંડલ અને કાયદો : શક્તિ સામે સિસ્ટમ નબળી?
સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

ગણેશ ગોંડલ પોલીસ કસ્ટડીમાં (ફાઇલ તસ્વિર)

ગણેશ ગોંડલ પોલીસ કસ્ટડીમાં (ફાઇલ તસ્વિર)
ગુજરાતમાં કાયદાનું શાસન હોવાનો દાવો સતત કરવામાં આવે છે. સરકારના મંચોથી લઈને પોલીસ પ્રેસનોટ સુધી એક જ વાત પુનરાવર્તિત થાય છે — “કાયદો સૌ માટે સમાન છે.” પરંતુ જ્યારે અમુક કેસોમાં કાયદા કરતાં વ્યક્તિ વધુ પ્રભાવશાળી દેખાય, ત્યારે આ દાવો સ્વાભાવિક રીતે પ્રશ્નચિહ્ન હેઠળ આવી જાય છે.
તાજેતરમાં ચર્ચામાં આવેલ ગણેશ ગોંડલ સંબંધિત કેસ એ જ પ્રકારનો એક સંવેદનશીલ ઉદાહરણ છે.
મે ૨૦૨૫ માં રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીએ પોલીસ ફરિયાદ કરી હતી કે ગણેશ ગોંડલ અને તેના સાગરીતોએ કાળવા ચોકથી અપહરણ કરી માર માર્યો. સંજયને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આ મામલે દલિત સમાજે જુનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢી હતી. રાજુ સોલંકી સ્થાનિક રાજકીય આગેવાન છે. આ કેસમાં સરકારે ગણેશ ગોંડલની જામીન અરજીનો કડક વિરોધ કર્યો,અને નીચલી કોર્ટએ જામીન નામંજૂર કર્યા. તે પહેલાં રીમાન્ડ પણ નામંજૂર થયા હતા.
અહીં પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી, પરંતુ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે અંગે છે. આરોપો, કોર્ટની કાર્યવાહી, આરોપીઓના જામીનનો વિરોધ, ફરિયાદીઓ સામે GUJCTOC કાયદાનો ઉપયોગ — આ તમામ પગલાંઓ દર્શાવે છે કે શરૂઆતમાં રાજ્યએ કેસને ગંભીરતાથી લીધો હતો. પરંતુ ત્યારબાદ સામે આવેલી સમાધાનની ચર્ચા એ સમગ્ર પ્રક્રિયા પર સંશય ઊભો કરે છે.
હમણાં એક વિડિયો વાયરલ થયો, જેમાં રાજુ સોલંકીના ભાઈ સાવન સોલંકી ઉર્ફે જવા, આરોપી ગણેશ ગોંડલ (જ્યોતિરઆદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા) સાથે હાથ મિલાવતા દેખાય છે. બીજા એક ડેવલપેમન્ટમાં એક ઓડિયો ક્લિપ વાયરલ,જ્યાં રાજુ સોલંકી દાવો કરે છે કે કોઈ પણ પૈસાની લેવડદેવડ વગર સમાધાન થયું છે.
તેમનું કહેવું છે કે સમાજના કેટલાક તત્વો ખોટા કેસ કરીને પરિવારને હેરાન કરે છે.
ભારતીય ફોજદારી કાયદાનો મૂળ સિદ્ધાંત સ્પષ્ટ છે —
👉 જ્યાં રાજ્ય પક્ષકાર હોય એવા ગંભીર ગુનામાં સમાધાન વ્યક્તિગત ઇચ્છા પર આધારિત નથી.
તો પછી પ્રશ્ન થાય છે કે, જો કોર્ટ બહાર સમાધાનની વાતો સામે આવે, તો રાજ્યની ફરજ શું બને છે? શું માત્ર ચૂપ રહીને પ્રક્રિયાને ધીમે ધીમે નબળી થવા દેવી યોગ્ય છે?
અહીં એક વધુ મહત્વનો મુદ્દો છે — ફરિયાદી પક્ષની ભૂમિકા બદલાવાની. કાયદાની ભાષામાં જેને “હોસ્ટાઇલ થવું” કહે છે, તે માત્ર વ્યક્તિગત ફેરફાર નથી, પરંતુ સમગ્ર કેસના વિશ્વસનીયતાને અસર કરે છે. આવી સ્થિતિમાં રાજ્યનું મૌન પ્રજામાં અવિશ્વાસ પેદા કરે છે.
આ લેખ કોઈ વ્યક્તિને દોષિત ઠરાવતો નથી, કારણ કે તે અધિકાર માત્ર કોર્ટ પાસે છે. પરંતુ સિસ્ટમની જવાબદારી પર પ્રશ્ન પૂછવો લોકશાહીનો અધિકાર છે. જો સરકાર ખરેખર ગુંડાગીરી અને દાદાગીરી સામે શૂન્ય સહનશીલતા રાખે છે, તો તેને આવા કેસોમાં અંતિમ સુધી કાયદાકીય દૃઢતા બતાવવી પડશે.
અન્યથા સંદેશ સ્પષ્ટ જશે —
👉 કાયદો કાગળ પર છે, પરંતુ અમલ વ્યક્તિની શક્તિ પર નિર્ભર છે.
આ કેસમાં જરૂર છે પારદર્શકતા, કાયદાકીય સ્પષ્ટતા અને રાજ્યની સક્રિય ભૂમિકાની. કારણ કે જો કાયદાનું શાસન શંકાસ્પદ બને, તો માત્ર એક કેસ નહીં, પરંતુ સમગ્ર ન્યાયવ્યવસ્થાની વિશ્વસનીયતા જોખમમાં પડે છે.
પ્રશ્ન આજે ગણેશ ગોંડલનો નથી.
પ્રશ્ન એ છે —
શું ગુજરાતમાં કાયદો સત્તાથી ઉપર છે, કે સત્તા કાયદાથી?

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું

યુક્રેનના હુમલાએ રશિયાનું તેલ રિફાઇનિંગ તંત્ર હલાવ્યું, વૈશ્વિક ભાવમાં હલચલ