ગુજરાત ભાજપમાં જેની આશંકા હતી તેવું જ થઇ રહ્યું છે. આંતરીક જૂથબંધી હવે પરાકાષ્ટાએ પહોંચી ગઇ છે. દરેક શહેરોમાં ભાજપમાં જૂથબંધી હવે વકરી રહી છે તેના ઘણા ઉદાહરણો છેલ્લા કેટલાક સમયથી મળી રહ્યા છે. અમરેલી કાંડ થયા બાદ તો ગુજરાત ભાજપને સચેત થઇ જવું જોઇતુ હતું પણ એવુ ચોક્કસ લાગી રહ્યું છે કે ભાજપ પર હવે એવા લોકોનો કન્ટ્રોલ આવી ગયો છે જે સત્તામાં રહેવા કંઇ પણ હદે જઇ શકે છે.
અમરેલી કાંડ બાદ ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઇન્ચાર્જ અને રાજકોટના પ્રભારી ધવલ દવે વિરુદ્ધ લખાયેલી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. ધવલ દવેના કારનામા શિર્ષક હેઠળ લખાયેલા આ પત્રમાં ધવલ દવે સામે ભ્રષ્ટાચારના અને ચારિત્ર્યના ગંભીર આરોપ લગાવાયા છે. ધવલ દવેએ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચેરમેનની નિમણૂકમાં સાત આંકડામાં વહિવટ કરી કોંગ્રેસી માણસને બોસાડ્યા હોવાનો આરોપ લાગ્યો છે. એવો પણ ગંભીર આરોપ લગાવાયો છે કે મંડલના મોટાભાગના પ્રમુખો મહિલા કાર્યકરની ભલામણવાળાને બનાવાયા હોવાનો તેમજ એક મહિલા આગેવાન સાથેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયા બાદ ફરિયાદ થઈ હતી અને સમગ્ર મામલાને દબાવી દેવામાં આવ્યો હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે.

આ બંને કાંડે પક્ષના સંનિષ્ઠ કાર્યકરોની ચિંતા વધારી દીધી છે. શિસ્તબદ્ધ પાર્ટી અને ભ્રષ્ટાચારમુક્ત તથા ચારિત્યવાન પાર્ટીના ગુણગાન ગાતા ભાજપના નેતાઓની સુફિયાણી વાતો હવે પ્રજા સમક્ષ ઉઘાડી પડી રહી છે. આવું કેમ થઇ રહ્યું છે તેવો પ્રશ્ન ભાજપના બેનર લગાડીને તથા સુત્રોચ્ચાર કરીને તથા દાયકાથી પક્ષને વફાદાર રહીને ચૂપચાપ કામ કરતા નાના કાર્યકરને થઇ રહ્યો છે અને આવો પ્રશ્ન થાય તે પણ સ્વાભાવિક છે.
વાસ્તવમાં જ્યારે ભાજપે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવા માટે મિસ્ડ કોલ અભિયાન ચલાવ્યું અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓને આડેધડ રીતે માત્ર ચૂંટણી જીતવાના આશયથી ભાજપમાં પ્રવેશ આપ્યો તેના કારણે જ ભાજપની દશા અને દિશા બદલાઇ ગઇ હોવાનું ભાજપનો દરેક કાર્યકર માની રહ્યો છે. ભાજપમાં કોંગ્રેસી ગોત્રના નેતાઓને જ્યારે પ્રવેશ અપાઇ રહ્યો હતો ત્યારે કહેવાતું હતું કે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે પણ હવે ચોક્કસપણે લાગી રહ્યું છે કે ભાજપનું સંપૂર્ણપણે કોંગ્રેસીકરણ થઇ જ ગયું છે. કોંગ્રેસમાં પોતાના જ પક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચાર અને ચારિત્ર્યને લગતા આરોપો કરવા સામાન્ય વાત હતી અને તેનું પુનરાવર્તન હવે ભાજપમાં દેખાઇ રહ્યું છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને જે પ્રકારે આરોપો લગાવાઇ રહ્યા છે તે પક્ષની અંદરની સ્થિતી કેટલી હદે કથળી ગઇ છે તે દર્શાવે છે અને તેથી ભાજપ માટે આ ખતરાની ઘંટડી છે. સત્તા તો ચૂંટણી જીતવાથી મળી જશે પણ સામાન્ય માણસના હ્રદયમાંથી એકડો નીકળી જશે તે પણ ધ્યાન રાખવું જરુરી છે. પક્ષની છબી આવા કાર્યોથી ખરડાઇ રહી છે તે સમજવું જરુરી છે.