ઈઝરાયલ ભારતમાં હાલ શું ગુપ્ત મિશન ચલાવી રહ્યું છે?
બનેઈ મેનાશે સમુદાયને ઇઝરાયલમાં વસાવવા મોટું અભિયાન, ગુરૂવારે 250 લોકોનું પહેલું જૂથ રવાના

ઈઝરાયલ પહોંચેલા ભારતના બનેઈ મેનાશે સમુદાયનાં 250 લોકોના જૂથની તસવીર

ઈઝરાયલ પહોંચેલા ભારતના બનેઈ મેનાશે સમુદાયનાં 250 લોકોના જૂથની તસવીર
મધ્ય પૂર્વથી દૂર ઇઝરાયલે ભારતમાં એક ગુપ્ત મિશન હાથ ધર્યું. ગુરુવારે(23 એપ્રિલ 2026)ના રોજ ઇઝરાયલે ગયા વર્ષે બેન્જામિન નેતન્યાહૂ દ્વારા જાહેર કરાયેલા ઓપરેશન વિંગ્સ ઓફ ડોનના ભાગરૂપે બનેઈ મેનાશે સમુદાયના આશરે 250 સભ્યોને ઇઝરાયલમાં હવાઇ માર્ગે મોકલ્યા હતા.
ઇરાનથી લગભગ 4 હજાર કિલોમીટર દૂર ઇઝરાયલ ભારતમાં બીજું એક ઓપરેશન ચલાવી રહ્યું છે. ઓપરેશન વિંગ્સ ઓફ ડોન નામનું આ મિશન ઉત્તરપૂર્વીય ભારતના પહાડી વિસ્તારોમાંથી શરૂ થયું છે. તેનો હેતુ બનેઈ મેનાશે સમુદાયના આશરે 5 હજાર સભ્યોને મણિપુરથી તેલ અવીવ લઈ જવાનો છે.
કેટલાક લોકો માટે તે એક હિંસાગ્રસ્ત પ્રદેશથી બીજા પ્રદેશમાં પ્રવાસ છે. પરંતુ બનેઈ મેનાશે સમુદાયના મોટાભાગના સભ્યો માટે જેઓ પોતાને ઇઝરાયલના બાઈબલના "ખોવાયેલા આદિવાસીઓ"માંથી એકના વંશજ માને છે. તે તેમના પૂર્વજોના ઘર સુધીની લાંબી યાત્રા ગણાવી રહ્યા છે.
બનેઈ મેનાશે ઉત્તરપૂર્વીય ભારતના કુકી, ચીન અને મિઝો વંશીય જૂથોનો સમૂહ છે. જેમાં મિઝોરમ અને મણિપુરનો સમાવેશ થાય છે. તેઓ પોતાને 2,700 વર્ષ પહેલાં દેશનિકાલ કરાયેલા ઇઝરાયલના "ખોવાયેલા આદિજાતિ", મનસેહ જાતિના વંશજ માને છે. તેઓ પરંપરાગત રીતે યહૂદી ધર્મનું પાલન કરે છે અને શવેઈ ઇઝરાયલ સંગઠનના સમર્થનથી પૂર્વજોના વતન ઇઝરાયલ પાછા ફરી રહ્યા છે.
ગુરુવારે(23 એપ્રિલ 2026) ઇઝરાયલી સરકારે સમુદાયના આશરે 250 સભ્યોના પ્રથમ જૂથને દિલ્હી દ્વારા એરલિફ્ટ કર્યું. ગયા વર્ષે બેન્જામિન નેતન્યાહૂ સરકારે ભારતમાંથી સમુદાયના આશરે 4,600 સભ્યોને ઇઝરાયલમાં સ્થાયી થવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાની પહેલની જાહેરાત કરી હતી. છેલ્લા બે દાયકામાં આશરે 5 હજાર લોકો પહેલાથી જ ઇઝરાયલમાં સ્થળાંતર કરી ચૂક્યા છે.
ઇઝરાયલી ઇમિગ્રેશન મંત્રી ઓફિર સોફરે AFP ને જણાવ્યું હતું કે, આ એક ઝુંબેશની શરૂઆત છે જે સમગ્ર સમુદાયને ઇઝરાયલમાં સ્થળાંતર કરવાની તક પૂરી પાડશે. જેમાં દર વર્ષે 1,200 લોકોનું પુનર્વસન કરાવવામાં આવશે.
બનેઈ મેનાશે સમુદાય કોણ છે?
આ ઇઝરાયલી કાર્યવાહીથી ઘણા સવાલો ઉભા થયા છે. આ યહૂદી લોકો ઇઝરાયલથી ભારતના દૂર ઉત્તરપૂર્વમાં કેવી રીતે ગયા? બાઇબલ મુજબ, પ્રાચીન ઇઝરાયલીઓ 12 જાતિઓમાં વહેંચાયેલા હતા. તેમાંથી દસ જાતિઓ યાકૂબના પુત્રોના નામ પરથી રાખવામાં આવી હતી. જ્યારે બે જાતિઓ તેના પૌત્રો એફ્રાઈમ અને મનાશ્શા, જે યુસુફના પુત્રો હતા. તેમના નામ પરથી રાખવામાં આવી હતી.
બનેઈ મનાશ્શા સમુદાય મનાશ્શાના વંશજો હોવાનો દાવો કરે છે. ઈસવીસન પૂર્વે 722માં ઇઝરાયલી સામ્રાજ્યના પરાજય પછી તેમને આશ્શૂરના વિજેતાઓ દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પર્શિયા (ઈરાન), અફઘાનિસ્તાન, તિબેટ અને ચીનમાંથી સદીઓ સુધી લાંબી મુસાફરી કર્યા બાદ આ સમુદાયના આશરે 10 હજાર સભ્યો ભારતના ઉત્તરપૂર્વીય પ્રદેશમાં પહોંચ્યા અને મણિપુર અને મિઝોરમમાં સ્થાયી થયા.
આ સમુદાયની ઉત્પત્તિનું વર્ણન કરતાં IIT-દિલ્હીના સમાજશાસ્ત્ર સંશોધક આસફ રેન્થલીએ જણાવ્યું હતું કે "બેનાઈનો અર્થ 'બાળકો' થાય છે અને મનાશ્શાનો અર્થ 'પૌત્ર' થાય છે." હવે સવાલ એ થાય છે કે, ભારત શા માટે? ઐતિહાસિક રીતે યહૂદીઓએ હંમેશા ભારતને એક સલામત સ્થળ તરીકે જોયું છે. વિશ્વના અન્ય ભાગોથી વિપરીત તેઓએ આ દેશમાં ક્યારેય ધાર્મિક અત્યાચારનો સામનો કર્યો નથી.
મણિપુરમાં બનેઈ માનશેહ સમુદાયને કુકી સમુદાય તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 20મી સદીની શરૂઆતમાં અમેરિકન મિશનરીઓના પ્રભાવ હેઠળ મોટાભાગના કુકીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. જો કે, બનેઈ માનશેહ સમુદાય હજુ પણ યહૂદી ધર્મ અને તેના રિવાજો અને પરંપરાઓનું પાલન કરે છે.
ઇઝરાયલ કેમ જવા માંગે છે?
ધર્મ એ મુખ્ય કારણોમાંનું એક છે. જેના કારણે આ સમુદાય ઇઝરાયલ જવા માંગે છે. મણિપુરના રહેવાસી બેન્જામિન હાઓકિપે જણાવ્યું હતું કે, દૂરના પહાડી વિસ્તારોમાં ધાર્મિક સુવિધાઓની મર્યાદિત પહોંચ એક મોટો અવરોધ હતો. તેમણે ઉમેર્યુ કે, અહીં આપણે આપણી બધી ધાર્મિક વિધિઓનું પાલન કરી શકતા નથી. કેટલીક પ્રાર્થનાઓ માટે 'મિન્યાન' અથવા કોરમની જરૂર પડે છે. જે પહાડીઓમાં મેળવવી મુશ્કેલ છે. આપણે આપણા ધર્મ માટે ઇઝરાયલ જવા માંગીએ છીએ. 'મિન્યાન' એ એક હિબ્રુ શબ્દ છે જે ધાર્મિક વિધિઓ માટે જરૂરી 10 યહૂદી પુખ્ત વયના લોકોના કોરમનો ઉલ્લેખ કરે છે.
પરંપરાગત ખોરાક અને સાંસ્કૃતિક સંસાધનોની ઉપલબ્ધતા પણ આ સમુદાય સામે એક અવરોધ છે. સમુદાયના સભ્યોએ ડ્યુઓલિંગો એપ્લિકેશન પર હિબ્રુ શીખવાનું શરૂ કરી દીધું છે. અગાઉ ગાઝામાં સ્થાયી થયેલા. તેઓ હવે ઉત્તર ઇઝરાયલમાં સ્થાયી થશે. ગયા વર્ષે સમુદાયના પુનર્વસન પહેલની જાહેરાત કરતા નેતન્યાહુએ તેને "મહત્વપૂર્ણ નિર્ણય" ગણાવ્યો હતો.
વર્ષ 2005 પહેલા ભારતમાંથી સ્થળાંતર કરીને આવેલા બનેઈ મેનાશે સમુદાયના મોટાભાગના સભ્યો હેબ્રોન અને ગાઝામાં ઇઝરાયલી વસાહતોમાં સ્થાયી થયા હતા. ગુરુવારે પહોંચેલા 250 સભ્યો ઉત્તર ઇઝરાયલમાં સ્થાયી થશે. ગયા અઠવાડિયે લેબનોનના હિઝબુલ્લાહ જૂથ દ્વારા આ વિસ્તારના કેટલાક ભાગો પર મિસાઇલો હુમલો કરવામાં આવ્યો હતો. હવે ત્યાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે.
ઇઝરાયલી વડાપ્રધાને કહ્યું છે કે, તેમની વસાહત ઉત્તરીય અને ગેલિલી પ્રદેશોને "મજબૂત" બનાવશે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર આ લોકોએ હવે ઇઝરાયલી નાગરિક બનવા માટે ઇઝરાયલમાં ધર્માંતર કરવું પડશે.
ઇઝરાયલ તેમને ફરીથી કેમ વસાવવા માંગે છે?
ઇઝરાયલના નિર્ણયથી તેના સાચા હેતુઓ પર સવાલો ઉભા થયા છે. ગાઝામાં હમાસ અને પછી ઇરાન સાથે લાંબા સમયથી સંઘર્ષમાં ફસાયેલું ઇઝરાયલ હવે મજૂરોની અછતનો સામનો કરી રહ્યું છે. 2023માં હમાસના હુમલાથી શરૂ થયેલા સંઘર્ષને કારણે તેના મોટાભાગના કામદારો ત્યજી દેવાયા છે. યુદ્ધને કારણે નેપાળ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી સ્થળાંતર કરનારા કામદારોની સંખ્યામાં ઘટાડો થવાથી અર્થતંત્ર પર પણ નકારાત્મક અસર પડી છે.
બનેઈ મેનાશે સમુદાયના પુનર્વસનથી તેમના કાર્યબળને ફરીથી ભરવામાં મદદ મળશે. ઇઝરાયલી સરકાર દ્વારા આ સમુદાયને ગાલીલી જેવા સરહદી વિસ્તારોમાં સ્થાયી કરવાના પગલાને આરબ-ઇઝરાયલી વસતીને સંતુલિત કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે.
હકીકતમાં વર્ષ 2023 માં ઇઝરાયલ-હમાસ યુદ્ધની ચરમસીમાએ મણિપુર અને મિઝોરમના 200 થી વધુ બનેઈ મેનાશે ઇઝરાયલી સૈન્ય સાથે આગળની હરોળમાં લડ્યા હતા. આ ભારતીય મૂળના યહૂદીઓએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ સમુદાય માટે આર્થિક પાસું પણ ખૂબ મહત્વનું છે. મણિપુરમાં મોટાભાગના લોકો ખેતરોમાં અથવા મજૂર તરીકે કામ કરે છે. જે લોકો ઇઝરાયલમાં સ્થળાંતરિત થયા છે તેઓ ટ્રક ચલાવે છે અથવા બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે. તેઓ ભારતમાં લગભગ $1,200 કમાય છે તેની સરખામણીમાં તેઓ અહીં લગભગ $55,000 કમાય છે.મે 2023 માં મણિપુરમાં બહુમતી મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી વંશીય હિંસાએ તેમની આવકમાં વધુ ઘટાડો કર્યો છે. આજે પણ પરિસ્થિતિ તંગ છે.
હાઓકિપે કહ્યું કે, અથડામણો પછી જીવન વધુ મુશ્કેલ બની ગયું છે. મણિપુરના એક હિબ્રુ શિક્ષક નાગમથેનલાલે કહ્યું કે, ઇઝરાયલમાં શિક્ષણ જેવી બીજી બાબતો સારી છે. પરંતુ સૌથી મુશ્કેલ ભાગ ઇઝરાયલના ટેકનોલોજીકલી અદ્યતન વાતાવરણમાં અનુકૂલન સાધવાનો છે. આ સમુદાયના અગાઉના સભ્યો જે ઇઝરાયલમાં સ્થળાંતરિત થયા છે તેઓએ જાતિવાદ અને આર્થિક મુશ્કેલીઓ જેવા નોંધપાત્ર પડકારોની ફરિયાદ કરી છે. જાતિવાદ એક મહત્વપૂર્ણ સમસ્યા રહે છે. સમુદાયના સભ્યોને તેમના વિશિષ્ટ દેખાવને કારણે ઘણીવાર "ચીની" કહેવામાં આવે છે.
તેમ છતાં ઇઝરાયલની યાત્રા બનેઈ મેનાશે માટે ખૂબ મહત્વ ધરાવે છે. ભારત આપણું જન્મસ્થળ છે. પરંતુ ઇઝરાયલ આપણું ગંતવ્ય સ્થાન છે. તે આપણી વચન આપેલી ભૂમિ છે. ત્યાં જ આપણે જવું પડશે. તેમ સમુદાયના સભ્ય ડેનિયલ હેંગશિંગે જણાવ્યું હતું.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો