મેસેચ્યુસેટ્સમાં ડબલ મર્ડરથી ખળભળાટ
17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Massachusetts Teen Arrested For Family Murder: મેસેચ્યુસેટ્સમાં ભારતીય મૂળના 17 વર્ષીય કિશોર અર્જુન અરવિંદની ધરપકડથી ચકચાર મચી છે. કિશોર પર પોતાની 45 વર્ષીય માતા સુધા વેંકટેશન અને 14 વર્ષીય નાના ભાઈ સિદ્ધાર્થ અરવિંદની હત્યા કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે બુધવારે સવારે અર્જુનને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ તપાસમાં તેના ડિજિટલ સર્ચ અને ChatGPT સંબંધિત હિસ્ટ્રી પણ તપાસના કેન્દ્રમાં આવી છે.
મેસેચ્યુસેટ્સમાં એક જ પરિવારના બે સભ્યોના મોત
આ ઘટના મંગળવારે સાંજે ત્યારે સામે આવી જ્યારે એક ટ્યુટર નાના ભાઈને ભણાવવા માટે તેમના ઘરે પહોંચ્યો હતો. લાંબા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં કોઈ જવાબ ન મળતાં ટ્યુટરે પરિવારના પિતાને જાણ કરી હતી. પરિવારે પણ માતા અને પુત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘરની તપાસ કરતાં બેઝમેન્ટમાંથી સુધા વેંકટેશનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પહેલા માળેથી 14 વર્ષીય સિદ્ધાર્થ અરવિંદનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના શરીર પર ગંભીર ઈજાના નિશાન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
માતાની કાર લઈને ફરાર થયો હોવાની આશંકા
ઘટના બાદ અર્જુન અને તેની માતાની કાર બંને ઘરેથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે પોલીસને આશંકા થઈ કે કિશોર ઘટના બાદ કાર લઈને ફરાર થયો હોઈ શકે છે. પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. બુધવારે સવારે મેસેચ્યુસેટ્સના વેઇલેન્ડ વિસ્તારમાં એક પાર્કિંગમાં શંકાસ્પદ કાર મળી આવી હતી. પોલીસે કારને ઘેરી તપાસ કરતાં અંદરથી અર્જુન મળી આવ્યો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો અને તેની સામે હત્યાના બે કેસ સહિત પરિવારના સભ્યો પર હુમલો, મારપીટ અને પરવાનગી વિના માતાની કાર લઈ જવા સહિતના આરોપો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
ChatGPT સર્ચ હિસ્ટ્રી બની તપાસનો મહત્વનો ભાગ
આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત અર્જુનની ડિજિટલ સર્ચ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં કથિત રીતે જાણવા મળ્યું છે કે તે પરિવારના સભ્યોની હત્યા અંગેની કાલ્પનિક વાર્તાઓ અને સંબંધિત વિષયો માટે ઇન્ટરનેટ તથા ChatGPT પર સર્ચ કરતો હતો. તપાસ મુજબ, તેણે એવી કાલ્પનિક વાર્તાઓ લખાવવા માટે પણ AI ટૂલનો ઉપયોગ કર્યો હતો, જેમાં મુખ્ય પાત્ર પોતાના પરિવારના સભ્યોની હત્યા કરે છે. જોકે, તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું હોવાનું જણાવાય છે કે ChatGPT દ્વારા અર્જુનને હત્યાની કોઈ યોજના અથવા હત્યા કરવાની રીત આપવામાં આવી નહોતી. હાલ પોલીસ તેની ડિજિટલ હિસ્ટ્રી અને અન્ય પુરાવાઓની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.
હત્યાનું કારણ હજુ રહસ્ય
પોલીસે અત્યાર સુધી હત્યા પાછળનું ચોક્કસ કારણ એટલે કે મોટિવ જાહેર કર્યું નથી. તપાસકર્તાઓ હત્યામાં વપરાયેલા સંભવિત હથિયારની પણ શોધ કરી રહ્યા છે. પોલીસ હવે ઘટનાક્રમ, આરોપીની ડિજિટલ પ્રવૃત્તિ, પરિવારના સંબંધો અને ઘટનાના સમયગાળા અંગે મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરી રહી છે.
17 વર્ષનો હોવા છતાં પુખ્ત આરોપી તરીકે કેસ
મેસેચ્યુસેટ્સના કાયદા હેઠળ હત્યા જેવા ગંભીર ગુનામાં આરોપી 17 વર્ષનો હોય તો પણ કેસ સામાન્ય ક્રિમિનલ કોર્ટમાં ચલાવવાની જોગવાઈ છે. એટલે અર્જુન સામેનો કેસ જુવેનાઈલ કોર્ટને બદલે પુખ્ત આરોપીઓ માટેની ક્રિમિનલ કોર્ટમાં આગળ વધશે. હાલ પોલીસે અર્જુનની ધરપકડ બાદ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને હત્યાનું સાચું કારણ તથા ઘટનાની સંપૂર્ણ કડી શોધવા માટે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?