વિકાસ મોડેલ ગુજરાત પર કલંક: કુપોષણની ગંભીર સમસ્યા
વિકસિત ગુજરાતમાં કુપોષણના આંકડાએ સૌને ચોકાવ્યા, રાજ્યમાં 3.21 લાખ બાળકો કુપોષણના શિકાર
કુપોષણના આંકડાએ સૌને ચોકાવ્યા
કુપોષણના આંકડાએ સૌને ચોકાવ્યા
ગુજરાત, જે વિકાસના મોડેલ તરીકે ઓળખાય છે, ત્યાં કુપોષણની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ શું છે? શું આ યોજનાઓ માત્ર કાગળ પર જ છે કે પછી ભ્રષ્ટાચાર અને બેદરકારીએ તેને નિષ્ફળ બનાવી દીધી છે?
સંસદમાં ખુલાસો: 3.21 લાખ બાળકો હજુ પણ કુપોષિત
ગુજરાતને કુપોષણ મુક્ત કરવા માટે વર્ષોથી યોજનાઓ ઘડવામાં આવે છે, પણ તાજેતરમાં જ સંસદમાં રજૂ થયેલા આંકડાઓએ આ યોજનાઓની પોલ ખોલી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, જૂન 2025 સુધીમાં ગુજરાતમાં 3,21,127 બાળકો હજુ પણ કુપોષિત છે. આ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ઓછું વજન ધરાવતા આદિવાસી બાળકોની સંખ્યા 1,71,570 છે, જ્યારે અતિ ઓછું વજન ધરાવતા આદિવાસી બાળકોની સંખ્યા 1,11,862 છે. આ ઉપરાંત, ઓછી ઊંચાઈ ધરાવતા 37,000 બાળકો પણ ગુજરાતમાં છે.

રાજ્યમાં કુપોષણ નાબૂદી માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણ મુક્ત ગુજરાત યોજના, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ યોજના અને મમતા અભિયાન જેવી અનેક યોજનાઓ અમલમાં છે. આમ છતાં આ આંકડાઓ દર્શાવે છે કે આ યોજનાઓ અપેક્ષા મુજબ સફળ થઈ નથી.
જમીની વાસ્તવિકતા અને લોકોનો અવિશ્વાસ
આ યોજનાઓની જમીની સ્તર પરની વાસ્તવિકતા જાણવા માટે, અમદાવાદના એક આશા વર્કર બહેન સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે, “મારા વિસ્તારમાં 3 કુપોષિત બાળકો છે. તેમના માતા-પિતાને વારંવાર સમજાવવા છતાં તેઓ સરકાર દ્વારા આપવામાં આવતા પૂરક આહાર લેવાનો ઇનકાર કરે છે.” કેટલાક પરિવારો કિટ લઈ તો જાય છે, પરંતુ તેમના બાળકોને આપતા નથી, કારણ કે “અમારા બાળકોને આ નથી ભાવતું, એટલે નથી આપતા.”

બીજા એક વિસ્તારની આશા વર્કર બહેને વધુ ગંભીર પરિસ્થિતિ જણાવી. તેમણે કહ્યું, “મારા વિસ્તારમાં 2-3 બાળકો છે, જેનો વિકાસ તેની ઉંમર પ્રમાણે નથી થઈ રહ્યો. પરંતુ તેમના માતા-પિતા કહે છે કે ‘જેવા હોય તેવા અમારા સંતાન છે, અમારે સરકાર પાસેથી કોઈ સહાયની જરૂર નથી.’” આ અવિશ્વાસનું કારણ એ છે કે આ પરિવારના એક સબંધીના બાળકના મૃત્યુ પાછળ તબીબોની બેદરકારી જવાબદાર હતી, જેના કારણે તેમને સરકાર પર વિશ્વાસ નથી રહ્યો. આ જ કારણોસર તેમણે બાળકોને પોલિયો અને BCG જેવી રસીઓ પણ અપાવી નથી.

સરકારી તિજોરીઓ ભરેલી, પણ પેટ ભૂખ્યા: ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી ને?
પરંતુ એક સ્થાનિક કાર્યકરના મતે પ્રમાણે "દર વર્ષે બાળ કલ્યાણ અને કુપોષણ મુક્ત ગુજરાતના નામે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. ગરીબ બાળકોને આપવામાં આવતો ખોરાક હલકી ગુણવત્તાવાળો હોય છે, જેના કારણે બાળકો બીમાર પડે છે અથવા તે ખોરાક લેવાનું જ બંધ કરી દે છે.” તેમણે સરકાર પર વધુ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે "આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારની યોજનાઓ માત્ર નાણાં ખર્ચવા પૂરતી સીમિત છે, જ્યારે તેના અમલીકરણ અને ગુણવત્તા પર કોઈ ધ્યાન અપાતું નથી. આ એક મોટો સવાલ ઊભો કરે છે કે કુપોષણ નાબૂદ કરવા માટે વપરાતા કરોડોના ફંડથી કોઈ બીજું તો પોષિત નથી થઈ રહ્યું ને?"

એકસમાન નીતિની ભૂલ: 'ગાંધીનગરમાં બેસીને નિર્ણયો લેવાય છે'
ગુજરાતના વધુ એક સામાજીક કાર્યકરે સરકારનું ધ્યાન દોરતા એક ટકોર પણ કરી અને જણાવ્યું કે "કુપોષણ નિષ્ણાતો માને છે કે સરકાર દ્વારા આખા રાજ્યમાં એકસમાન પેકેટ ફૂડ આપવામાં આવે છે, જે એક મોટી ભૂલ છે. ગુજરાતનું વાતાવરણ અને લોકોની ખાવા-પીવાની આદતો દરેક વિસ્તારમાં અલગ-અલગ હોય છે. આદિવાસી વિસ્તારનો ખોરાક મેદાની વિસ્તારો કરતાં અલગ હોય છે. આ સંજોગોમાં, ગાંધીનગરમાં બેસીને આખા રાજ્ય માટે એક જ પ્રકારની યોજના બનાવવી કેટલી યોગ્ય છે?”
એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “યોજનાઓ બનાવતા અને ઓર્ડર પસાર કરતા અધિકારીઓ એ ભૂલી જાય છે કે આ યોજનાઓની જમીની સ્તરે શું અસર થશે. તેઓ કોઈ પણ પ્રકારના વિચાર કે ગંભીરતા વગર આડેધડ નિર્ણયો લે છે.” આ બેદરકારીનો ભોગ નિર્દોષ બાળકો બની રહ્યા છે.
તમામ લોકોના આક્ષેપો અને સુજાવ પરથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં કુપોષણની સમસ્યા સુધારવાને બદલે વધુ બગડી રહી છે. આ માત્ર સરકાર કે પ્રજાની ભૂલનો પ્રશ્ન નથી, પરંતુ એક આખી સિસ્ટમની નિષ્ફળતાનો પ્રશ્ન છે. આ સ્થિતિ તાત્કાલિક સુધરે તે અત્યંત જરૂરી છે, નહીં તો વિકાસશીલ ગુજરાતનું આ કલંક ક્યારેય દૂર નહીં થાય

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું