વડોદરા (Vadodara) શહેરમાં "રમશે ગુજરાત જીતશે ગુજરાત" સૂત્ર હેઠળ ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોડી રાત્રે લોહિયાળ બબાલ થતાં ખળભળાટ મચી ગયો છે. છાણી ટીપી 13 વિસ્તારમાં યોજાયેલી આ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદી જુદી બે ટીમના ખેલાડીઓ વચ્ચે બેટ અને સ્ટમ્પ વડે ખુલ્લેઆમ મારામારી થઈ હતી, જેમાં ચાર જેટલા યુવકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
"રમશે ગુજરાત" માં રાજકીય આયોજકોની નિષ્ફળતા?
આ ટુર્નામેન્ટનું આયોજન ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ હિતેશ મકવાણા દ્વારા 'હેપ્પી ગ્રુપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ' શીર્ષક હેઠળ કરવામાં આવ્યું હતું. "રમશે ગુજરાત જીતશે ગુજરાત" જેવા સકારાત્મક સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં જ મારામારી થતાં આયોજકોની વ્યવસ્થા અને નિયંત્રણ પર ગંભીર સવાલો ઉભા થયા છે.
અમ્પાયરના નિર્ણય પરથી મામલો બિચક્યો...
ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમ અને છાણી વિસ્તારની બીજી ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલી રહી હતી. દરમિયાન, કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તીવ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જોત જોતામાં આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ અને ખેલાડીઓ હાથમાંથી બેટ અને સ્ટમ્પ છૂટા મૂકી એકબીજા પર તૂટી પડ્યા હતા. આ મારામારી એટલી હદે વકરી કે વિજેતાઓ માટે મૂકવામાં આવેલી ટ્રોફીઓ પણ કેટલાક યુવકોએ તોડી નાખી હતી, જે સ્પર્ધાની ભાવનાને શરમજનક રીતે કલંકિત કરે છે.
આ પણ વાંચો : Anand : ભરતસિંહ સોલંકીનો ગૃહક્લેશ ચરમસીમા પર, જાહેરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, CCTV ફૂટેજ વાયરલ!
પોલીસ પર પણ હુમલાનો આરોપ!
આ ઘટનામાં ઘાયલ થયેલા યુવક સાલિહ પઠાણે આઘાતજનક આરોપ લગાવ્યો છે કે, મારામારી દરમિયાન પોલીસ દ્વારા પણ એક યુવકને ક્રિકેટ સ્ટમ્પ વડે માર મારવામાં આવ્યો હતો. જો આ આરોપ સાચો ઠરે તો આ ઘટનાની ગંભીરતા અનેકગણી વધી જાય છે અને પોલીસની ભૂમિકા પર પણ પ્રશ્નાર્થ ઊભો થાય છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ ભાજપ આયોજિત કાર્યક્રમમાં જ કાયદો અને વ્યવસ્થાના આવા ધજાગરા ઉડતાં શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના સમાજમાં યુવાનોમાં વધતી જતી આક્રમકતા અને સ્પર્ધામાં હાર સ્વીકારવાની અણઆવડતનું પણ પ્રતિબિંબ છે. આયોજકો, પોલીસ અને સમાજે આ ઘટનામાંથી બોધપાઠ લઈ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે સક્રિય બનવું પડશે.
આ પણ વાંચો : US માં ભારતીય વિદ્યાર્થી સાથે બર્બરતા, નેવાર્ક એરપોર્ટ પર ઘાતકી વર્તનનો Video Viral