ગોધરામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોતથી ફફડાટ!
વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
Two children die from Chandipura virus: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસના કારણે બે બાળકોનાં મોત થતાં આરોગ્ય વિભાગ સહિત સમગ્ર જિલ્લામાં ચિંતા ફેલાઈ છે. વીંઝોલ અને સરદારપુરા ગામમાં શંકાસ્પદ કેસોની તપાસ દરમિયાન ચાર બાળકોની ઓળખ કરવામાં આવી હતી. તેમાં બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય બે બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. મૃતક બાળકોમાં વીંઝોલ ગામના 3 વર્ષીય વિરાજ રંગીતસિંહ ચૌહાણ અને સરદારપુરા ગામના 4 વર્ષીય પ્રિન્સ જીતેન્દ્રભાઈ બારીઆનો સમાવેશ થાય છે.
682 આરોગ્ય ટીમો યુદ્ધના ધોરણે મેદાનમાં
બે બાળકોના મૃત્યુ બાદ જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી વિશેષ કામગીરી શરૂ કરી છે. પંચમહાલ જિલ્લામાં 682 આરોગ્ય ટીમોને સક્રિય કરવામાં આવી છે. જ્યારે વીંઝોલ અને સરદારપુરા ગામમાં 10 ટીમો તૈનાત કરીને ઘરે ઘરે સર્વે, સેમ્પલિંગ અને આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાઓ એકત્ર કરીને તપાસ માટે મોકલી રહ્યા છે તેમજ ગામલોકોને સાવચેતી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.
સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે દવા છંટકાવ
સરકારની માર્ગદર્શિકા અનુસાર જ્યાં કેસ નોંધાયા છે તે વિસ્તારોમાં 100 મીટરની ત્રિજ્યામાં ડસ્ટિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાયનો નાશ થાય તે માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે. આ ઉપરાંત ગ્રામજનોને બાળકોની વિશેષ કાળજી રાખવા અને કોઈપણ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
બાળકો માટે કેમ વધુ જોખમી છે ચાંદીપુરા વાયરસ?
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ ખાસ કરીને 0 થી 15 વર્ષના બાળકો માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ, ઝાડા, ઊલટી, શરીરમાં ખેંચ અને બાળકની સ્થિતિ ઝડપથી બગડવી જેવા લક્ષણો જોવા મળે છે. વાયરસનો ઇન્ક્યુબેશન સમય ખૂબ ઓછો હોવાથી ચેપ લાગ્યા બાદ ઝડપથી મગજમાં સોજો (એન્કેફેલાઇટિસ) જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી સમયસર સારવાર અત્યંત જરૂરી ગણાય છે.
કાચા મકાનોમાં રહેતી સેન્ડ ફ્લાયથી વધે છે જોખમ
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિતે જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે વરસાદી ઋતુ દરમિયાન સક્રિય થતી સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. આ માખી ખાસ કરીને પ્લાસ્ટર વગરના કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોવાથી આવા વિસ્તારોમાં જોખમ વધારે રહે છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને મકાનોની તિરાડો પૂરવાની સલાહ આપવામાં આવી રહી છે.
બે વર્ષ પહેલાં પંચમહાલમાં 7 બાળકોના મોત થયા હતાં
વર્ષ 2024 દરમિયાન પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના રાજ્યમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા હતા. તે સમયે 7 બાળકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV), પુણેની વિશેષ ટીમોએ 14 ગામોમાંથી 600થી વધુ લોકો અને વિવિધ પશુઓના બ્લડ સેમ્પલ એકત્ર કર્યા હતા. આ ઉપરાંત 200થી વધુ સેન્ડ ફ્લાય પકડીને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
#Gandhinagar
— Benefit News 24 (@BenefitNews24) July 7, 2026
ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોતનો મામલો
ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામમાં બે બાળકોના થયા છે મોત
બંને બાળકોનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રીએ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે… https://t.co/YOkUvt4R4H pic.twitter.com/lGS0DvOEwK
આરોગ્ય મંત્રીનો સંદેશ, ગભરાશો નહીં પરંતુ સાવચેતી રાખો
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ગોધરા તાલુકાના બે ગામોમાં બે બાળકોના ચાંદીપુરા વાયરસથી થયેલા મોત અત્યંત દુઃખદ છે. રાજ્ય સરકાર સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની વિશેષ ટીમો અસરગ્રસ્ત ગામોમાં પહોંચી ગઈ છે અને ઘરે-ઘરે તપાસ ચાલી રહી છે. અગાઉ જ્યાં કેસ નોંધાયા હતા તે ગામોમાં પણ સાવચેતીના ભાગરૂપે સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.
બાળકોમાં લક્ષણો દેખાય તો તરત સારવાર લો
આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે, જો બાળકમાં તાવ, ઊલટી, ઝાડા, ખેંચ અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં બે અસરગ્રસ્ત ગામો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના નવા કેસ નોંધાયા નથી. યોગ્ય સાવચેતી અને સમયસર સારવારથી આ વાયરસ સામે અસરકારક રીતે લડી શકાય છે.

છઠીહારની ખુશી માતમમાં ફેરવાઈ, બસ અને LPG ટ્રક વચ્ચે ઓવરટેકિંગની હોડમાં અકસ્માત

માયાવતી અને જયંત ચૌધરીનો વળતો પ્રહાર

21 સામે FIR, 13ની ધરપકડ