બિહારના બેતિયામાં ભયાનક અકસ્માત: ઓર્કેસ્ટ્રા જોઈ રહેલા લોકો પર ચડી બસ, 5નાં મોત
છઠીહારની ખુશી માતમમાં ફેરવાઈ, બસ અને LPG ટ્રક વચ્ચે ઓવરટેકિંગની હોડમાં અકસ્માત

બિહારના બેતિયા NH-727 પર બસ અકસ્માતમાં 5નાં મોત, 12થી વધુ લોકો ઘાયલ.

બિહારના બેતિયા NH-727 પર બસ અકસ્માતમાં 5નાં મોત, 12થી વધુ લોકો ઘાયલ.
Bihar Road Accident: બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયા નજીક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા છે. બેતિયા-લૌરિયા મુખ્ય માર્ગ NH-727 પર શાહી ટ્રાવેલ્સની બેકાબૂ બસ ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ જોઈ રહેલા લોકોના ટોળા પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં 12 થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગ અને ઓવરટેકિંગને અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
છઠીહારની ખુશી માતમમાં ફેરવાઈ
આ ગમખ્વાર અકસ્માત લૌરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બંકટવા ગામ નજીક થયો હતો. ધર્મેન્દ્ર દુબેના ઘરે 15 ઓગસ્ટે જન્મેલા પાંચમા સંતાન અને બીજા પુત્રના છઠ્ઠા દિવસની ઉજવણી માટે ‘છઠીહાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘર NH-727ને અડીને હોવાથી પરિવાર અને ગ્રામજનોએ રસ્તાની બાજુમાં ખુરશીઓ, સ્પીકર અને સ્ટેજ ગોઠવીને ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ રાખ્યો હતો. ઉજવણી દરમિયાન લોકો ગીત-સંગીતમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક તેજ ગતિએ આવેલી બસ ભીડમાં ઘૂસી ગઈ હતી.
બસ અને LPG ટ્રક વચ્ચે ઓવરટેકિંગની હોડ
પ્રાથમિક માહિતી મુજબ આ બિહાર અકસ્માત રાત્રે આશરે 11 વાગ્યાથી 12:45 વાગ્યાની વચ્ચે થયો હતો. લૌરિયા તરફથી ગોરખપુરથી બેતિયા જઈ રહેલી શાહી ટ્રાવેલ્સની બસ અને સામેથી આવી રહેલી LPG સિલિન્ડર ભરેલી ટ્રક વચ્ચે ઓવરટેકિંગને લઈને હોડ સર્જાઈ હોવાની માહિતી છે. ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ત્યારબાદ બેકાબૂ બસ સીધી રસ્તાની બાજુમાં ઓર્કેસ્ટ્રા જોઈ રહેલા લોકોની ભીડમાં ઘૂસી ગઈ હતી.
નવજાત બાળકના પિતા સહિત 5 લોકોનાં મોત
અકસ્મતમાં ઘટનાસ્થળે જ બે લોકોનાં મોત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા લોકોને સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન વધુ ત્રણ લોકોએ દમ તોડી દીધો હતો. આ સાથે બેતિયા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. મૃતકોમાં બહાદુર મહતો, સંજય કુમાર મહતો, ભોલા દુબે, દેવેન્દ્ર દુબે અને ચાંગુર રામનો સમાવેશ થાય છે. તમામ મૃતકો બંકટવા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દેવેન્દ્ર દુબેના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોતાના પાંચમા બાળક અને બીજા પુત્રના જન્મની ખુશીમાં યોજાયેલા છઠીહાર કાર્યક્રમ દરમિયાન જ તેમનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
12થી વધુ લોકો અસરગ્રસ્ત, GMCHમાં સારવાર
બિહારના આ માર્ગ અકસ્માતમાં 12થી વધુ લોકો અસરગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઘાયલ લોકોને બેતિયા સ્થિત GMCH હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં વિનય કુમાર યાદવ, શ્યામ બાબુ, મોતી ચંદ્ર મહતો અને નરેશ રામ સહિતના લોકોનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં લૌરિયા પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માત બાદ રોષ, બસ અને ટ્રકમાં તોડફોડ
અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બસમાં સવાર મુસાફરોને નીચે ઉતાર્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ બસ અને LPG ટ્રકમાં તોડફોડ કરી હતી. ઓર્કેસ્ટ્રા માટે લગાવવામાં આવેલા સ્ટેજ, સ્પીકર અને ખુરશીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પરિસ્થિતિ તંગ બનતાં નરકટિયાગંજના SDPO જયપ્રકાશ સિંહ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ભીડને સમજાવીને સ્થિતિ કાબૂમાં લીધી અને બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
NH-727 અકસ્માતમાં પોલીસ તપાસ શરૂ
પોલીસે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બેતિયા GMCH મોકલી આપ્યા છે. બંને વાહનો કબજે લઈને NH-727 અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગ અને ઓવરટેકિંગ અકસ્માતના સંભવિત કારણો માનવામાં આવી રહ્યા છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસની વિગતવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ NH-727 પર બેફામ ઝડપે વાહન ચલાવવાના કારણે અગાઉ પણ અકસ્માતો સર્જાયા છે. આ ગમખ્વાર અકસ્માત બાદ રોડ સેફ્ટી, સ્પીડ લિમિટ અને ટ્રાફિક નિયમોના પાલનને લઈને ફરી સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: અધિકારીઓ સામે જ ખેડૂતે કેમ સળગાવી દીધી જાતને?
આ પણ વાંચો: પહેલા તારાપીઠ, હવે કોલકાતા...
આ પણ વાંચો: લખીસરાય અશોકધામ મંદિરમાં ભયાનક દુર્ઘટના