કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અને "વિકાસ"ના પ્રતીક સમાન રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પોલ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ છે. આજે પડેલા સામાન્ય વરસાદમાં એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં ઠેર ઠેર પાણી ટપકવાના દૃશ્યો સામે આવ્યા છે, એટલું જ નહીં, અરાઇવલ બેલ્ટ 2 પાસે તો જાણે ધોધવર્ષા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે યાત્રીઓનો સામાન પલળી ગયો અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
ચેક-ઇનથી વેઇટિંગ એરિયા સુધી પાણી જ પાણી...
નવા એરપોર્ટ પર સર્જાયેલી આ સ્થિતિ અત્યંત શરમજનક છે. અરાઇવલ બેલ્ટ પર પાણી પડવાથી યાત્રીઓનો સામાન પલળી ગયો, જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત, ચેક-ઇન એરિયા અને વેઇટિંગ એરિયામાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે યાત્રીઓ અને એરપોર્ટ સ્ટાફ બંનેને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. કરોડોના ખર્ચે બનેલા આધુનિક ટર્મિનલમાં આવી બેદરકારી ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
પાણી છુપાવવાનો પ્રયાસ, "આ છે વિકાસ?" નો સવાલ...
આશ્ચર્યજનક રીતે, એરપોર્ટ સ્ટાફ દ્વારા પાણી ટપકવાના દૃશ્યોને છુપાવવા માટે ટેમ્પરરી ડેકોરેશન કરવામાં આવ્યું હતું, જે સ્પષ્ટપણે તંત્રની લાપરવાહીને છુપાવવાનો પ્રયાસ હતો. આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને "આ છે વિકાસ?" જેવી ટિપ્પણીઓ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Rajkot : પતિ પર પત્ની-સાસરિયાનો અત્યાચાર, યુવકને ₹25 લાખ માંગી આપઘાત કરવા મજબૂર કર્યો!
બેઝિક સુવિધાઓ પણ ખોરવાઈ...
આટલું જ નહીં, પાણી ટપકવાની સાથે સાથે એરપોર્ટ પર વાઇફાઇ, મોબાઇલ નેટવર્ક અને વીજ કનેક્શન જેવી બેઝિક સુવિધાઓ પણ ખોરવાઈ રહી હતી, જેના કારણે યાત્રીઓને વધુ હાલાકી ભોગવવી પડી હતી. આધુનિક એરપોર્ટમાં આવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ તંત્રની કાર્યક્ષમતા પર મોટો સવાલ ઊભો કરે છે. રાજકોટના નવા એરપોર્ટ પર પ્રથમ વરસાદે જ સામે આવેલી આ ખામીઓ દર્શાવે છે કે, નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે અથવા ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવ્યું છે. તંત્રએ તાત્કાલિક આ મામલે તપાસ હાથ ધરીને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ અને એરપોર્ટની ખામીઓને યુદ્ધના ધોરણે દૂર કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં યાત્રીઓને આવી હાલાકીનો સામનો ન કરવો પડે અને "વિકાસ" માત્ર સૂત્રોમાં જ ન રહેતા વાસ્તવિકતામાં દેખાય.
આ પણ વાંચો : Surat : જન્મદિવસના દિવસે જ 16 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી...