Surat Youth Murder Case: દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. અશ્વિનીકુમાર વિસ્તારમાં ફટાકડા ફોડવા દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં 28 વર્ષીય રાજેન્દ્ર માળીની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જ્યારે લસકાણા વિસ્તારમાં ટેક્સટાઇલ કારખાનામાં કામ કરતા 30 વર્ષીય શ્રમિકનો ગળું દબાવી જીવ લઈ લેવાયો હોવાની ઘટના સામે આવી છે. બંને મામલે પોલીસે હત્યાના ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
બાઈક ધીમે ચલાવવાનું કહેતાં શરૂ થયો વિવાદ
અશ્વિનીકુમાર રોડ પર આવેલી અટલજીનગર સોસાયટીમાં રહેતા પ્રદીપ માળીની ફરિયાદ મુજબ, 8 નવેમ્બરની રાત્રે સોસાયટીમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન સાહીલ સોનકર પૂરઝડપે બાઈક ચલાવી કટ મારીને નીકળ્યો હતો. નાના બાળકો રસ્તા પર રમતા હોવાથી વાહન ધીમું ચલાવવાની ટકોર કરતાં સાહીલ સહિતના યુવકો ઉશ્કેરાઈ ગયા હતા. આ બાબતે સાહીલ સોનકર, રમેશ બિંદ અને રાજુ સરોજ સહિતના યુવકો સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી. જોકે, પ્રદીપ અને તેના ભાઈ સુરેશે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. પરંતુ આ બોલાચાલીની અદાવત આરોપીઓએ રાખી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સમાધાનના બહાને બોલાવી શનિદેવ મંદિર પાછળ હુમલો
ફરિયાદ મુજબ, બીજા દિવસે રાહુલ ગુપ્તાએ ફોન કરીને માફી માગી મામલો પતાવી દેવાની વાત કરી પ્રદીપને બોલાવ્યો હતો. 10 નવેમ્બરની સાંજે પ્રદીપને મોપેડ પર બેસાડી શનિદેવ મંદિર પાછળ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રદીપે પરિવારજનો અને મહિલાઓની હાજરીમાં માફી પણ માગી હતી. આ દરમિયાન તેનો કુટુંબી ભાઈ 28 વર્ષીય રાજેન્દ્ર ઉર્ફે રાજુ માળી પણ ત્યાં પહોંચ્યો હતો. ત્યારબાદ થયેલી બોલાચાલીમાં આરોપીઓએ રાજેન્દ્ર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ અનુસાર, રમેશ બિંદે છરી કાઢી રાજેન્દ્રના પેટ, પડખા અને પીઠના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત
છરીના ઘાથી ગંભીર રીતે ઘવાયેલો રાજેન્દ્ર જીવ બચાવવા દોડ્યો હતો, પરંતુ પંખુ મોબાઇલની દુકાન પાસે ઢળી પડ્યો હતો. પરિવારજનો તેને તાત્કાલિક બોલેરો ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં રમેશ બિંદ, રાજુ સરોજ, સાહીલ સોનકર, રાહુલ ગુપ્તા સહિત પાંચ લોકો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના ભાઈ અનિલે આરોપીઓ સામે કડક સજાની માગ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે માફી માગ્યા બાદ પણ રાજેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.
લસકાણામાં ટેક્સટાઇલ શ્રમિકની ગળું દબાવી હત્યા
સુરતના લસકાણા વિસ્તારમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશનો 30 વર્ષીય અમરબાબુ મુલચન્દ્ર નિષાદ ટેક્સટાઇલ કારખાનામાં બોબીન ભરવાનું કામ કરતો હતો. દિવાળી વેકેશન દરમિયાન તેનો પરિવાર વતનમાં હતો. 9 નવેમ્બરે સામાન્ય બોલાચાલી બાદ ઘરેથી નીકળેલો અમરબાબુ પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે સવારે લસકાણા DGVCL BRTS બસ સ્ટેન્ડ સામે સર્વિસ રોડ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ગળા પર દબાવવાનાં નિશાન મળી આવતાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લસકાણા પોલીસે અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરતમાં ટૂંકા ગાળામાં બનેલી આ બે હત્યાની ઘટનાઓથી સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. હવે પોલીસની તપાસમાં બંને કેસમાં આરોપીઓ સુધી પહોંચવા અને હત્યા પાછળનાં કારણો સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે.