Surat Crime News: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબત સુરતમાં બે યુવકોની હત્યાનું કારણ બની હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. શહેરના ભટાર અને લિંબાયત વિસ્તારમાં અલગ-અલગ બનેલી હિંસક ઘટનાઓમાં 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે ઉર્ફે સન્ની અને 24 વર્ષીય વિકાસભાઈએ જીવ ગુમાવ્યો છે. બંને બનાવોમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. બે યુવકોની હત્યાથી સુરતમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ તપાસ તેજ બની છે.
ભટારમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ સન્નીની હત્યા
સુરતના ભટાર વિસ્તારમાં 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે ઉર્ફે સન્ની બાળકો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો સાથે તેની બોલાચાલી થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, સામાન્ય તકરાર પાછળ જૂની અદાવત પણ કારણભૂત હોવાની આશંકા છે. મૃતકના મિત્રના જણાવ્યા અનુસાર, સન્ની સાથે પહેલાં ગાળાગાળી કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે તે ત્યાંથી જવા લાગ્યો ત્યારે 6થી 7 લોકોએ ભેગા મળીને તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સન્નીની છાતીમાં તીક્ષ્ણ હથિયારના પાંચ ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા સન્નીને મિત્રો રિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, છાતીમાં ઊંડા ઘા હોવાને કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સન્ની કલરકામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. યુવાન પુત્રના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
CCTVમાં હુમલાની ઘટના કેદ થઈ હોવાની આશંકા
આ હત્યા મામલે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળની આસપાસ CCTV કેમેરા હોવાથી હુમલાની સમગ્ર ઘટના ફૂટેજમાં કેદ થઈ હોવાની શક્યતા છે. પોલીસે CCTV ફૂટેજ મેળવવાની અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવત અને ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી વચ્ચે હત્યાનું ચોક્કસ કારણ શું હતું તે તપાસ બાદ સ્પષ્ટ થશે.
લિંબાયતમાં પણ ફટાકડાની તકરાર લોહિયાળ બની
સુરતના લિંબાયત વિસ્તારમાં પણ ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલી બોલાચાલી જીવલેણ હુમલામાં પરિણમી હતી. વૃંદાવન નગર-2 સોસાયટીમાં મોડી રાત્રે આશરે 10:30 વાગ્યે 24 વર્ષીય વિકાસભાઈ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સોસાયટીની ગલીની બહાર નીકળતી વખતે ફટાકડા ફોડવા બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો અને વિકાસ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન સોસાયટીમાં રહેતા નિલેશ અને પંકજ નામના બે શખસોનાં નામ સામે આવ્યાં છે. લિંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.
દિવાળીની ઉજવણી વચ્ચે સુરક્ષાને લઈને સવાલો
સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરાર બે યુવકોના મોતમાં પરિણમતાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે. ભટાર અને લિંબાયતની બંને ઘટનાઓમાં પોલીસ તપાસ ચાલુ છે. જૂની અદાવત, વ્યક્તિગત તકરાર અને હુમલામાં સામેલ લોકોની ભૂમિકા અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવશે.