ALMM-II નિયમથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ સંકટમાં!
કેન્દ્ર સરકારના નિયમથી દક્ષિણ ગુજરાત સોલાર સેક્ટરમાં 1500 કરોડના કોન્ટ્રાક્ટ રદ થયાનો દાવો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
Solar sector in crisis in South Gujarat: કેન્દ્ર સરકારના ALMM-II નિયમો અમલમાં આવતાં જ દેશના સોલાર ઉદ્યોગમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં આ નિયમોની સીધી અસર દેખાઈ રહી છે, જ્યાં કરોડોના કોન્ટ્રાક્ટ રદ થઈ ગયા છે અને ઉદ્યોગકારો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે. કેન્દ્ર સરકારે 1 જૂન, 2026થી ફરજિયાત કરેલા ALMM-II (એપ્રૂવ્ડ લિસ્ટ ઓફ મોડ્યૂલ મેન્યુફેક્ચર) યાદીના નિયમોના લીધે સ્થાનિક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મૂકાયા છે.
1500 કરોડના પ્રોજેક્ટ્સ રદ થયા
બજારમાં પૂરતા પ્રમાણમાં ડોમેસ્ટિક સોલાર સેલ ઉપલબ્ધ ન હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં અંદાજે રૂપિયા 1500 કરોડના આગમ સોદા અને કોન્ટ્રાક્ટ રદ થઈ ચૂક્યા છે. આકરા નિયમોના કારણે સોલાર ઉદ્યોગકારોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સોલાર પેનલમાં ડોમેસ્ટિક સેલ વાપરવાની જોગવાઈનો અમલ એકથી દોઢ વર્ષ સુધી મોકૂફ રાખવા માંગ કરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સમાં તાત્કાલિક બેઠક
નવા નિયમોથી ઊભી થયેલા સંકટના કારણે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે દક્ષિણ ગુજરાતના સોલાર પેનલ ઉત્પાદકો, EPC (એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્ટ્રક્શન) કોન્ટ્રાક્ટરો અને પ્રોજેક્ટ ડેવલપરોની બેઠક મળી હતી. પૂરતી તૈયારી વિના લાદવામાં આવેલા નિયમો સ્થાનિક ઉદ્યોગોને NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) તરફ ધકેલી રહ્યા હોવાનો બેઠકમાં સૂર વ્યક્ત કરાયો હતો. દક્ષિણ ગુજરાતમાં નિયમોની સીધી અસર હેઠળ અંદાજે 500 મેગાવોટ જેટલા મોટા સોલાર પ્રોજેક્ટ્સ હાલ અધ્ધરતાલ થઈ ગયા છે અને કામકાજ ઠપ્પ થવાની આરે આવી ગયું છે.
ગુજરાત પર સૌથી વધુ અસર
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, દેશના કુલ સોલાર પેનલ ઉત્પાદકોમાંથી 60 ટકા ઉત્પાદકો ગુજરાતના છે. એટલું જ નહીં, ગુજરાતના 60 ટકા પૈકી 70 ટકા સોલાર પેનલ ઉત્પાદકો દક્ષિણ ગુજરાત અને સુરતમાં ઉદ્યોગો સ્થાપીને બેઠા છે. સુરતમાં ગોલ્ડી સોલાર, રાઇઝોન સોલાર, વારી સોલાર, સોલેક્સ, એવીટાસ્ક અને કોસ્મોસ જેવી નામાંકિત અને મોટી સોલાર કંપનીઓ છે. ભૌગોલિક સ્થિતિને કારણે કેન્દ્ર સરકારના કાયદાની ગંભીર અને વિપરીત અસર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી સંભાવના છે.
માંગ અને પુરવઠામાં મોટો ગેપ
સોલાર સેક્ટરમાં હાલમાં માંગ અને પુરવઠા વચ્ચે બહુ મોટું અંતર જોવા મળી રહ્યું છે. દેશમાં વાર્ષિક સોલાર પેનલનું કુલ ઉત્પાદન 170 ગીગાવોટ અને ડિમાન્ડ 70 ગીગાવોટની આસપાસ છે. આ ડિમાન્ડ સામે ભારતમાં ઉત્પાદિત થનારા ડોમેસ્ટિક સોલાર સેલની કાગળ પરની ક્ષમતા 28.5 ગીગાવોટ છે. પરંતુ વાસ્તવિક કે રિયલ ઉત્પાદન ક્ષમતા 15.50 ગીગાવોટ છે. ઉદ્યોગકારોની 60 ગીગાવોટની જરૂરીયાત છે. આપણે હજુ કુલ જરૂરિયાતના 50 ટકાની આજુબાજુ પણ પહોંચી શક્યા નથી. આટલી ઓછી કેપેસિટી વચ્ચે સ્થાનિક સ્તરેથી મસમોટી માગ કેવી રીતે પૂરી કરવી તે ઉદ્યોગકારો માટે યક્ષપ્રશ્ન બન્યો છે.
ઉદ્યોગકારોની સરકારને અપીલ
ઉદ્યોગકારોનું કહેવું છે કે, તેઓ સરકારના આત્મનિર્ભર ભારતના વિઝન કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના નિર્ણયની વિરુદ્ધમાં નથી. સ્થાનિક ઉત્પાદકો મજબૂત બને તે નિર્ણય ખરેખર સરાહનીય છે. પરંતુ બજારમાં કાચો માલ સોલાર સેલ સફિશિયન્ટ માત્રામાં ઉપલબ્ધ જ ન હોય ત્યારે કડક નિયમ લાગુ કરવો વ્યવહારુ નથી. તેથી ચેમ્બર અને એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, નિયમમાં દોઢ વર્ષ સુધીનું એક્સટેન્શન આપવામાં આવે. સમય મળી જાય તો સ્થાનિક મલ્ટીપલ કંપનીઓ પોતાનું પ્રોડક્શન વધારી શકશે અને બજારમાં ડિમાન્ડ-સપ્લાયનું સંતુલન જળવાઈ રહેશે.
રોજગારી પર ગંભીર ખતરો
અશોક જીરાવાલાએ વધુમાં જણાવ્યું કે, અપૂરતા પુરવઠા અને રદ થઈ રહેલા કોન્ટ્રાક્ટ્સના કારણે નાના અને મધ્યમ કક્ષાના (MSME) સોલાર એકમો બંધ થવાની અણી પર આવી જશે. જેની સીધી આડ અસર રોજગારી પર પડશે. સમગ્ર ભારતની સોલાર ઉત્પાદક કંપનીઓ આ સમસ્યાથી પીડાઈ રહી છે. સરકાર દ્વારા સમયસર નરમ વલણ અપનાવવામાં નહીં આવે તો ગુજરાતમાં 2 લાખ જેટલા સોલાર ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો અને દેશભરમાં સોલાર EPC ક્ષેત્રે કામ કરતા 15 લાખથી વધુ શ્રમિકો તેમજ આજીવિકા મેળવતા સાડા ત્રણ લાખ લોકો પર બેરોજગાર થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
PMO સુધી રજૂઆતની તૈયારી
એક તરફ ભારત સરકારે દેશમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી (ગ્રીન એનર્જી) ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે બીજી તરફ આવા વ્યવહારિક મુશ્કેલીઓ ઉભી કરતા નિયમોના લીધે ઉત્પાદન સાવ ઘટી જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. આ વિસંગતતાને દૂર કરવા અને સ્થાનિક ઉદ્યોગકો તેમજ લાખો પરિવારોના હિતના રક્ષણ માટે ચેમ્બર ઓફ કોમર્સ ખૂબ જ ગંભીર છે. સોલાર સેક્ટરની સંવેદનશીલ અને ગંભીર સમસ્યાઓ બાબતે ચેમ્બર દ્વારા ટૂંક સમયમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ઉર્જા મંત્રાલય સુધી વિગતવાર રજૂઆત કરવામાં આવશે.
ALMM નિયમ શું છે?
કેન્દ્ર સરકારનો ALMM (એપ્રૂવ્ડ લિસ્ટ ઓફ મોડ્યૂલ મેન્યુફેક્ચર)નો નિયમ ભારતમાં સોલાર પ્રોજેક્ટ્સની ગુણવત્તા નિયંત્રિત કરવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કડક માપદંડ છે. આ યાદીના બીજા તબક્કા (ALMM List-II) હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કરાયેલા ચોક્કસ ઉત્પાદકોના સોલાર સેલ અને મોડ્યુલનો ઉપયોગ જ સરકારી સબસિડી વાળા પ્રોજેક્ટ્સમાં ફરજિયાત કરવામાં આવ્યો છે.
તેથી હવે તમામ સરકારી યોજનાઓ, ગ્રીડ-કનેક્ટેડ સોલાર પ્રોજેક્ટ્સ અને સબસિડીવાળા પ્રોજેક્ટ્સમાં માત્ર ALMM યાદીમાં સામેલ અધિકૃત સોલાર સેલ અને મોડ્યુલનો જ ઉપયોગ કરી શકાશે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી સામાન પરની નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે. આ નિયમના અમલના કારણે કડક ગુણવત્તાના ધોરણો અને સ્થાનિક ઉત્પાદનની માંગ વધવાથી સામાન્ય ગ્રાહકો માટે સોલાર સિસ્ટમના ભાવમાં આશરે રૂપિયા 3 હજારથી રૂપિયા 9 હજાર સુધીનો વધારો થવાની શક્યતા છે.

છઠીહારની ખુશી માતમમાં ફેરવાઈ, બસ અને LPG ટ્રક વચ્ચે ઓવરટેકિંગની હોડમાં અકસ્માત

માયાવતી અને જયંત ચૌધરીનો વળતો પ્રહાર

21 સામે FIR, 13ની ધરપકડ