વિશ્વામિત્રી નદીમાં 417 મગરોની ગણતરી પૂર્ણ
નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચે 2 કિ.મી.માં સૌથી વધુ 103 મગરો, નિષ્ણાતે શુ કહ્યું જાણો

નિષ્ણાતે કહ્યું- વડોદરાને 'ક્રોકોડાઈલ સિટી' જાહેર કરી શકાય

નિષ્ણાતે કહ્યું- વડોદરાને 'ક્રોકોડાઈલ સિટી' જાહેર કરી શકાય
વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતી હજુ પણ ઊંચા સ્તરે યથાવત્ છે. 7 ફેબ્રુઆરી, 2026ના રોજ હાથ ધરાયેલી સઘન વૈજ્ઞાનિક ગણતરીમાં નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. આ ગણતરીમાં શહેરના તળાવોનો સમાવેશ ન કરવામાં આવ્યો હોવા છતાં આ આંકડો નોંધપાત્ર છે અને તે મગરોના સ્વસ્થ પ્રજનન તેમજ સંરક્ષણનું સકારાત્મક સંકેત આપે છે.
ગણતરી મુજબ નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા સુધીના અંદાજે 2 કિમીના પટમાં સૌથી વધુ મગરોની હાજરી નોંધાઈ છે. આ વિસ્તારમાં એકલા 103 મગરો જોવા મળ્યા છે, જેને વિશ્વામિત્રીનો સૌથી વધુ મગર ઘનતા ધરાવતો વિસ્તાર ગણવામાં આવે છે. આ પટમાં મગરોની ઊંચી ઘનતા જોવા મળવાથી વડોદરાને 'મગરનગરી' અથવા 'ક્રોકોડાઈલ સિટી' તરીકે જાહેર કરવાની માંગ પણ ઉઠી છે.
MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના પ્રોફેસર ડો. રણજીતસિંહ દેવકરે જણાવ્યું કે આ વખતની ગણતરી સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને અત્યંત બારીકાઈપૂર્વક કરવામાં આવી છે. તેમણે કહ્યું, "હાલ તમામ ડેટા એકત્રિત થઈ રહ્યો છે અને તેનું વિગતવાર વિશ્લેષણ ચાલુ છે. પ્રાથમિક તારણ મુજબ મગરોની સંખ્યા સ્થિર સ્થિતિમાં છે. વર્ષ 2020માં વિશ્વામિત્રીમાં મગરોની સંખ્યા 212 હતી, જ્યારે 2025માં શહેરના તળાવો સહિત ગણતરીમાં આ આંકડો 442 સુધી પહોંચ્યો હતો. આ વર્ષે તળાવો બાદમાં રાખવામાં આવ્યા હોવા છતાં 417 મગરોની નોંધ થવી મગરોના સ્વસ્થ પ્રજનન અને સંરક્ષણની દિશામાં સકારાત્મક સંકેત છે."
આ સમગ્ર ગણતરી MS યુનિવર્સિટી, વન વિભાગ અને NGOના સહયોગથી કરવામાં આવી હતી. વિશ્વામિત્રીના 25 કિમી વિસ્તારને 10 ઝોનમાં વહેંચીને દિવસ દરમિયાન સીધી નજરે (બાસ્કિંગ સાઇટ્સ) અને રાત્રે ટોર્ચલાઇટથી મગરોની આંખોની ચમક દ્વારા ગણતરી હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ રિપોર્ટ આગામી 10થી 15 દિવસમાં જાહેર થવાની શક્યતા છે.
ડો. દેવકરે વધુમાં કહ્યું કે વિશ્વના અનેક દેશોમાં મગરો જોવા મળે છે, પરંતુ એટલી મોટી માનવ વસતિ વચ્ચે, શહેરની મધ્યમાંથી પસાર થતી નદીમાં મગરોની આટલી મોટી અને હેલ્ધી વસતી હોવી એ વડોદરાની અનોખી ઓળખ છે. આ વિશેષતાને આધારે વડોદરાને 'મગરનગરી' તરીકે પણ ઓળખ આપી શકાય તેમ છે.
આ ગણતરી વડોદરાની વિશ્વામિત્રી નદીને વધુ વૈજ્ઞાનિક રીતે સમજવા અને મગરોના વર્તન, પ્રજનન તેમજ માનવ-મગર સહઅસ્તિત્વ પર અભ્યાસ માટે મહત્વની છે. નદીના પર્યાવરણ અને મગરોના સંરક્ષણ માટે આ આંકડા માર્ગદર્શક બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.