વડોદરા: નશામાં ધૂત નબીરાએ સર્જ્યો ભયાનક અકસ્માત
વડોદરાના ન્યૂ સમા રોડ પર આઈ-૨૦ કાર ચાલકે લારીને ટક્કર મારી બેરીકેટમાં કાર ઘૂસાડી દીધી

નબીરાનો અકસ્માત

નબીરાનો અકસ્માત
વડોદરા શહેરમાં નબીરાઓ દ્વારા બેફામ રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં એક કાર ચાલકે નશાની હાલતમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ભારે અરાજકતા ફેલાવી હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
નશામાં ધૂત કાર ચાલકનો આતંક :
મળતી માહિતી મુજબ, તરુણ નીલેશભાઈ સોની નામનો યુવક પોતાની I-20 કાર લઈને ન્યૂ સમા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તે નશામાં હોવાનું જણાયું હતું અને કારની ગતિ અત્યંત વધારે હતી. રસ્તામાં શાકભાજીની લારી લઈને જતા અનિલ રામચંદ્ર સોનકર નામના યુવાનને કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે લારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ફિલ્મી ઢબે સર્જાયો અકસ્માત :
શાકભાજીની લારીને અડફેટે લીધા બાદ પણ કાર ચાલક રોકાયો ન હતો. પાછળથી એક જાગૃત નાગરિકે આ આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલક ભાગવાની ફિરાકમાં આગળ વધતો રહ્યો અને અય્યપ્પા ગ્રાઉન્ડ પાસે કોર્પોરેશનની કામગીરી માટે કરવામાં આવેલા બેરીકેટ તોડી નાખ્યા હતા. કાર સીધી ખોદાયેલા ખાડા પર ચઢી ગઈ હતી અને હવામાં લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસે નોંધી બે અલગ અલગ ફરિયાદ :
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શાકભાજી વિક્રેતા અનિલ સોનકરને તાત્કાલિક ૧૦૮ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલક તરુણ સોનીની અટકાયત કરી છે. તેની વિરુદ્ધ નશામાં વાહન ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.