સુરત: વધુ એક પાટીદાર દીકરીના લગ્નથી મોટો હોબાળો
લોકગાયિકા રિદ્ધિ રાજપરાના ડ્રમર જયેશ વાઘેલા સાથેના લગ્નથી સમાજમાં આક્રોશ

રિદ્ધિ રાજપરા અને ડ્રમર જયેશ વાઘેલા

રિદ્ધિ રાજપરા અને ડ્રમર જયેશ વાઘેલા
Riddhi Rajpara Marriage Controversy: ગુજરાતમાં પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નનો વિવાદ હજુ પૂરો શાંત પણ નથી થયો, ત્યાં સુરતમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત પાટીદાર સમાજની જાણીતી અને ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ પોતાના જ ગ્રુપના મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ (ડ્રમર) જયેશ વાઘેલા સાથે પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને પ્રેમલગ્ન કરી લેતા સમાજની અંદર ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે અને પાટીદાર સંગઠનો દ્વારા આ બંને કલાકારોનો સામાજિક તેમજ વ્યવસાયિક બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. દીકરીના આ પગલાને કારણે પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.
પાટીદાર સમાજના સ્ટેજ પર 'નો એન્ટ્રી'
ગાયિકા રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાના લગ્નના સમાચાર વાયરલ થતાં જ પાટીદાર સમાજના યુવા અગ્રણી હિરેન ભેસાણીયા (રુદ્રા) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક અત્યંત આક્રમક અને સંગઠિત થવાની અપીલ કરતી પોસ્ટ મૂકી છે. તેમણે સમગ્ર પાટીદાર સમાજ, તમામ મંડળો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ અને નવરાત્રી ઉત્સવના આયોજકોને ખુલ્લું આહવાન કર્યું છે. હિરેન રુદ્રાએ જણાવ્યું છે કે, હવે પછી સમાજના કોઈ પણ નાના કે મોટા મંચ, સામાજિક મેળાવડા, ધાર્મિક મહોત્સવ કે રાસોત્સવના કાર્યક્રમોમાં ગાયિકા રિદ્ધિ રાજપરા અને રિધમ પ્લેયર જયેશ વાઘેલાને સ્થાન મળવું જોઈએ નહીં. સમાજના ગૌરવ, સંસ્કારો અને પારિવારિક મૂલ્યોને ઠેસ પહોંચાડનારા આવા કલાકારોનો સંપૂર્ણ બહિષ્કાર કરવો એ જ સમયની માગ છે.
દીકરીનું ઘર અને પરિવારની આબરૂ બચાવવા ઓફિસે બોલાવી કરાયા હતા પ્રયાસો
હિરેન રુદ્રાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એક મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આ મામલો જ્યારે શરૂઆતમાં સામે આવ્યો ત્યારે સામાજિક સ્તરે દીકરીનું ભવિષ્ય અને પરિવારની આબરૂ બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કપલ ગત 20 મે 2026ના રોજ પોતાના ઘરેથી ભાગી ગયું હતું. આ વાતની જાણ થતાં જ તેમણે તાત્કાલિક રિદ્ધિના પિતાનો સંપર્ક સાધ્યો હતો અને બંને પ્રેમીપંખીડાને પોતાની ઓફિસે રૂબરૂ બોલાવ્યા હતા. હિરેન રુદ્રાના જણાવ્યા અનુસાર, તેમણે રિદ્ધિને સમાજની ગરિમા, તેના માતા-પિતાએ સમાજમાં કમાયેલી ઇજ્જત અને તેની ઉજ્જવળ સિંગિંગ કારકિર્દીનો વાસ્તવિક ચિતાર આપીને માન-સન્માન સાથે પોતાના ઘરે પાછા વળી જવા માટે કલાકો સુધી સમજાવી હતી. આ સાથે યુવક જયેશને પણ દીકરીની જિંદગી અને ભવિષ્ય ન બગાડવા તાકીદ કરી હતી. પરંતુ, આ બંને કલાકારો પોતાની જીદ પર અડગ રહ્યા હતા અને કોઈનું પણ સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો.
એકની એક દીકરીના વિશ્વાસઘાતથી રત્નકલાકાર પિતા અને પરિવાર ભાંગી પડ્યો
મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા આ પાટીદાર પરિવારમાં સંસ્કારો અને મર્યાદાને હંમેશાં સર્વોપરી રાખવામાં આવ્યા છે. રિદ્ધિ તેના પરિવારની એકની એક દીકરી છે અને ઘરમાં તેના માતા-પિતા ઉપરાંત એક ભાઈ છે. તેના પિતા સુરતમાં રત્નકલાકાર (હીરા ઘસવાનું કામ) તરીકે કતારગામ વિસ્તારમાં સામાન્ય આજીવિકા કમાય છે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં, પિતાએ દીકરીના સિંગર બનવાના સપનાને નાનપણથી જ પૂરતો સપોર્ટ આપ્યો હતો અને છેલ્લા 7-8 વર્ષથી તેને સિંગિંગ ક્ષેત્રે આગળ વધારવા રાત-દિવસ મહેનત કરી હતી. રિદ્ધિએ પણ તેના માતા-પિતાને હંમેશાં એવો ભરોસો આપ્યો હતો કે તે ક્યારેય એવું પગલું નહીં ભરે જેથી પરિવારને સમાજમાં નીચું જોવું પડે. પરંતુ દીકરીના આ અચાનક અને આઘાતજનક પગલાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. સમાજમાં પ્રતિષ્ઠાપૂર્વક જીવતા માતા-પિતા હાલ એટલા મોટા આઘાતમાં છે કે તેઓ કોઈની પણ સાથે વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં નથી.
સોશિયલ મીડિયા પર નામ બદલ્યું
ગત 20 મેના રોજ ઘર છોડ્યા બાદ રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાએ કાયદાકીય રીતે પ્રેમલગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે. લગ્ન બાદ રિદ્ધિએ તુરંત જ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક) પરથી પોતાની અટક 'રાજપરા' હટાવીને 'આરજે વાઘેલા' (રિદ્ધિ જયેશ વાઘેલા) કરી દીધું છે. આ બાબત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો કહી રહ્યા છે કે રિદ્ધિ પણ અગાઉ ચર્ચામાં આવેલી આરતી સાંગાણીના જ પગલે ચાલી રહી છે. બીજી તરફ, સામાજિક સંગઠનોની અપીલ અને દબાણના કારણે સુરત અને આસપાસના વિસ્તારોમાં યોજાનારા રિદ્ધિ અને જયેશના આગામી મ્યુઝિકલ પ્રોગ્રામ્સ અને ઓર્ડર્સ પણ આયોજકો દ્વારા કેન્સલ કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
'દીકરીઓની સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ફેરવાઈ રહી છે': વિજય માંગુકિયા
આ સમગ્ર વિવાદ અંગે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી વિજય માંગુકિયાએ અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને સમાજ માટે કલંકરૂપ અને અત્યંત નીંદનીય ગણાવી છે. વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, "પાટીદાર સમાજ હંમેશાં પોતાના પારિવારિક મૂલ્યો, સંસ્કારો અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતો છે. પહેલા આરતી સાંગાણી અને હવે રિદ્ધિ રાજપરાનો કિસ્સો સામે આવ્યો છે, જે સમાજ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. જ્યારે માબાપ પોતાની દીકરીઓને ભણવા-ગણવા કે કારકિર્દી બનાવવા માટે સ્વતંત્રતા આપે છે, ત્યારે કેટલીક દીકરીઓ આ સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં ફેરવી નાખે છે. જે માબાપે 17-18 વર્ષ સુધી દીકરીને લાડ-કોડથી ઉછેરી હોય, તેના ભવિષ્ય માટે પોતાનું લોહી-પાણી એક કર્યું હોય, તે માબાપના વારસા અને આબરૂને એક ઝાટકે નુકસાન પહોંચાડીને દીકરીઓ ભાગી જાય છે, જે સામાજિક વ્યવસ્થાને ખોરવતું મોટું દૂષણ છે."
'આરતી સાંગાણી અને રિદ્ધિ જેવી દીકરીઓ સમાજનું વાતાવરણ બગાડે છે'
વિજય માંગુકિયાએ વધુમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, "આવી દીકરીઓ ભાગીને લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા અને ટીવી મીડિયા સામે આવીને જે પ્રકારનો બફાટ કરે છે અને પોતાના કૃત્યને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે, તેની સમાજની અન્ય માસૂમ દીકરીઓ પર બહુ જ ખરાબ અને નકારાત્મક અસર (દુષ્પ્રેરણા) પડે છે. આપણી દીકરીઓ નાસા (NASA) અને ઇસરો (ISRO) જેવી વૈશ્વિક સંસ્થાઓમાં દેશ અને સમાજનું નામ રોશન કરવા સક્ષમ છે અને સારું સ્થાન મેળવી રહી છે, ત્યારે આવા કેટલાક કિસ્સાઓને કારણે આખી સ્ત્રી સ્વતંત્રતા પર સવાલો ઊભા થાય છે. આરતી સાંગાણી અને રિદ્ધિ રાજપરા જેવી દીકરીઓ જે કરી રહી છે તે સમાજ ક્યારેય ચલાવી લેશે નહીં."
સગીરાઓ અને યુવતીઓને ટાર્ગેટ કરતી ટોળકીઓ સક્રિય
સામાજિક આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે, પાટીદાર સમાજની ઉભરતી સિંગર દીકરીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવાનો એક ચોક્કસ ટ્રેન્ડ અને સાજિશ ચાલી રહી છે. અસામાજિક તત્વો અને લુખ્ખાઓની ટોળકીઓ દીકરીઓ જ્યારે 15, 16 કે 17 વર્ષની સગીર વયની હોય ત્યારથી જ તેમને સોશિયલ મીડિયા અને પ્રોફેશનલ લાઈફના બહાને ટાર્ગેટ કરવાનું શરૂ કરે છે. જેવી દીકરી 18 વર્ષ અને એક દિવસની કે બે મહિનાની થાય એટલે કાયદાની મર્યાદાનો લાભ ઉઠાવી તેને ભગાડી જવામાં આવે છે. વિજય માંગુકિયાએ ગુજરાત સરકારને વિનંતી કરી છે કે, આવા 'ભાગેડુ લગ્ન' અને આંતરજ્ઞાતીય લગ્નોના કિસ્સામાં માતા-પિતાની સહી અને સંમતિ ફરજિયાત બનાવતો કડકમાં કડક કાયદો બનાવવામાં આવે, તો જ આ સામાજિક દૂષણને જડમૂળથી ખતમ કરી શકાશે.
વડીલો અને માવતરોને કરબદ્ધ વિનંતી: સંતાનોને પ્રેમ આપો અને નજર રાખો
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પાટીદાર અગ્રણીઓએ સમાજના તમામ વડીલો અને માવતરોને હાથ જોડીને વિનંતી કરી છે કે, તેઓ બદલાતા સમય સાથે પોતાના દીકરા-દીકરીઓ સાથેનો સંવાદ વધારે. સંતાનોને ઘરમાં પૂરતો પ્રેમ, હૂંફ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડો જેથી તેઓ બહાર કોઈના વહેમાવવામાં ન આવે. જો સંતાનોથી કોઈ નાની-મોટી ભૂલ થતી જણાય તો તેમને સમયસર વારો અને સાચો રસ્તો બતાવો. કાયદો હાથમાં લીધા વિના, પાટીદાર સમાજ પોતાની એકતા, સંગઠન અને આર્થિક શક્તિના જોરે આવા કલાકારોનો સામાજિક અને વ્યવસાયિક બહિષ્કાર કરીને ભવિષ્ય માટે એક મોટો અને કડક સંદેશ આપશે તેવું આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!