Rajkot Jeweler Murder And Robbery Case: રાજકોટના આજી GIDCમાં તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના ઉદયપુરમાંથી ચાર કથિત લૂંટારુઓ સહિત કુલ 9 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં કંપનીના કર્મચારી દ્વારા લૂંટની ટીપ અપાઈ હોવાની વિગતો પણ સામે આવી છે.
રૂ.1.53 કરોડથી વધુના સોના-ચાંદીની લૂંટ અને હત્યા
રાજકોટ શહેરના આજી GIDC વિસ્તારમાં થયેલી રૂ.1.53 કરોડથી વધુના સોના-ચાંદીની લૂંટ અને હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારા પર ફાયરિંગ કરી દાગીનાની બેગ લૂંટીને ફરાર થયેલા આરોપીઓ સુધી પહોંચવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસની તપાસ મુજબ, આ ગુનામાં સામેલ શખ્સોને રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.
CCTV ફૂટેજમાં કેદ થઈ લૂંટની હિલચાલ
ઘટનાના નવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં દાગીનાની બેગ લઈને નીકળતા લાલજી સરધારા પાસે લૂંટારુઓ પહોંચતા અને બેગ ઝૂંટવવાનો પ્રયાસ કરતા હોવાની હિલચાલ જોવા મળે છે. અન્ય સાગરીતો કારમાં રાહ જોઈ રહ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. બેગ ઝૂંટવવાના પ્રયાસ દરમિયાન લાલજીએ પ્રતિકાર કરતાં તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ દાગીનાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વની કડી બન્યા છે. આરોપીઓ ઘટનાસ્થળે કેવી રીતે પહોંચ્યા, લૂંટ બાદ કયા માર્ગે ભાગ્યા અને ગુનામાં કયા વાહનનો ઉપયોગ થયો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી.
રૂ.1.53 કરોડથી વધુના સોના-ચાંદીની લૂંટ
ફરિયાદ મુજબ, લૂંટમાં આશરે રૂ.1,48,90,000ની કિંમતનું 946 ગ્રામ સોનું અને રૂ.4,30,000ની કિંમતનો બે કિલો રિફાઇન ચાંદીનો ડસ્ટ પાવડર લૂંટાયો હતો. આમ, લૂંટાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,53,20,000 જેટલી હોવાનું જણાવાયું છે. આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી એક્સ્પોર્ટ ઇન્ડિયા લિમિટેડના રિફાઇનરી યુનિટ બહાર 14 ઓક્ટોબરની રાત્રે આશરે 8:15 વાગ્યે આ ઘટના બની હતી. લાલજી સરધારા દાગીનાની બેગ લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા ત્રણથી ચાર શખ્સોએ તેમને આંતર્યા હતા. બેગ ઝૂંટવવાના પ્રયાસ દરમિયાન ફાયરિંગ થતાં લાલજીને છાતીના ભાગે ગોળી વાગી હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
અંદરની ટીપનો ખુલાસો, મુદ્દામાલ રિકવર કરાયો
પોલીસ તપાસમાં લૂંટને અંજામ આપવા માટે ચોક્કસ માહિતી પૂરી પાડનાર વ્યક્તિની સંડોવણી સામે આવી હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસ મુજબ, તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના કર્મચારી દ્વારા લૂંટની ટીપ અપાઈ હોવાની વિગતો મળી છે. જોકે, આરોપીઓની ચોક્કસ ભૂમિકા અને ઘટનાની સમગ્ર કડી અંગે વધુ વિગતો સત્તાવાર પોલીસ નિવેદન બાદ સ્પષ્ટ થશે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચાર કથિત લૂંટારુઓ ઉપરાંત મદદગારીના આરોપમાં અન્ય શખ્સો સહિત કુલ 9 લોકોને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા લૂંટાયેલા મુદ્દામાલની રિકવરી કરવામાં આવી હોવાની પણ માહિતી આપવામાં આવી છે. આરોપીઓને રાજકોટ લાવી વધુ પૂછપરછ હાથ ધરવાની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટમાં લૂંટ વિથ મર્ડર કેસમાં CCTV ફૂટેજ, અંદરની ટીપ અને રાજસ્થાન સુધી પહોંચેલી તપાસ હવે મુખ્ય કડીઓ બની છે. પોલીસની વધુ તપાસમાં લૂંટનું આયોજન કેવી રીતે થયું અને દરેક આરોપીની ભૂમિકા શું હતી તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.