સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી આખરે જેલના સળિયા પાછળ
મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી નેપાળ ભાગી જનાર શખ્સે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્યું સર

મિત્રતાના નામે દગાખોરીનો ખતરનાક ખેલ

મિત્રતાના નામે દગાખોરીનો ખતરનાક ખેલ
સુરત શહેરમાં જેનું નામ સાંભળતા જ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જતો હતો, તેવા નામચીન આરોપી ચિરાગ ગોટીના આતંકનો અંત આવ્યો છે. મિત્રને ડ્રગ્સના કેસમાં ફસાવવા જેવી શાતિર યોજના ઘડનાર અને છેલ્લા 8 મહિનાથી પોલીસને હંફાવનાર ચિરાગ ગોટીએ આખરે કાયદાના શરણમાં આવવું પડ્યું છે.
સુરતના સિંગણપોર વિસ્તારમાં અંદાજે 10 મહિના પહેલા બનેલી એક ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગને ચોંકાવી દીધો હતો. સિંગણપોર પોલીસે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન ઓઈલના વેપારી અલ્પેશ મિયાણીની કારમાંથી 70 ગ્રામ એમડી (MD) ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે 7.87 લાખ રૂપિયા હતી. ડ્રગ્સ સાથે પકડાયેલા અલ્પેશ મિયાણી પોતે પણ સ્તબ્ધ હતા. જોકે, પોલીસ તપાસ જેમ જેમ આગળ વધી તેમ આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા.
તપાસમાં બહાર આવ્યું કે અલ્પેશ મિયાણી કોઈ ડ્રગ પેડલર નથી, પરંતુ તેને ફસાવવા માટે તેના જ ભાગીદાર મિત્ર ચિરાગ ગોટીએ આ આખું ષડયંત્ર રચ્યું હતું. વ્યવસાયિક અદાવત અને આંતરિક રકઝકનો બદલો લેવા માટે ચિરાગે ડ્રગ્સ માફિયાઓ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું અને પોતાના જ મિત્રની કારમાં છુપાવી દીધું હતું. એટલું જ નહીં, પોતે નિર્દોષ દેખાય તે માટે ચિરાગે જ પોલીસને બાતમી આપી હતી કે અલ્પેશની કારમાં ડ્રગ્સ છે.
પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો અને આરોપી નેપાળ ફરારશરૂઆતમાં પોલીસને પણ લાગ્યું હતું કે અલ્પેશ ગુનેગાર છે, પરંતુ સુરત પોલીસની ઊંડી તપાસમાં ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીની શંકાસ્પદ ગતિવિધિઓના પુરાવા મળ્યા. સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે સ્પષ્ટ થયું કે કારમાં ડ્રગ્સ ચિરાગે જ મૂક્યું હતું. આ મામલે પોલીસે ડ્રગ્સ વેચનાર મોહંમદ સફવાન મેવાવાલાની પણ ધરપકડ કરી હતી.
જેવી ચિરાગને ખબર પડી કે પોલીસ તેના સુધી પહોંચી રહી છે, તે તરત જ સુરત છોડીને ભાગી ગયો હતો. ધરપકડથી બચવા માટે તે સતત પોતાના લોકેશન બદલતો રહ્યો અને અંતે સરહદ ઓળંગીને નેપાળ નાસી ગયો હતો. નેપાળમાં અલગ-અલગ હોટલોમાં રોકાઈને તે આઠ મહિના સુધી પોલીસને હંફાવતો રહ્યો.
કોર્ટમાં કાયદાકીય જંગ: સેશન્સથી સુપ્રીમ કોર્ટ સુધીબીજી તરફ, ચિરાગ અને તેના ભાઈ નિરાંતે ધરપકડથી બચવા માટે કાયદાકીય રસ્તો અપનાવ્યો. તેમણે સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી, જે કોર્ટે નામંજૂર કરી દીધી. ત્યારબાદ તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા, પણ ત્યાં પણ તેમની શાતિર કરતૂતને જોતા જામીન મળ્યા નહીં.
અંતે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટી આઠ મહિનાથી વોન્ટેડ છે અને ભાગતો ફરે છે, જે કાયદાની મજાક સમાન છે. કોર્ટે કડક વલણ અપનાવતા ચિરાગને બે અઠવાડિયામાં સરન્ડર થવાનો નિર્દેશ આપ્યો હતો અને તેના ભાઈ નિરાંતની જામીન અરજી પર મુદત આપી હતી.
આત્મસમર્પણ અને આગળની કાર્યવાહીસુપ્રીમ કોર્ટ પાસે પણ રાહત ન મળતા, ચિરાગ ગોટી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેણે સુરતની કોર્ટમાં આવીને આત્મસમર્પણ કર્યું છે. કોર્ટે હાલ ચિરાગનો કબજો પોલીસને સોંપ્યો છે. પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે કે નેપાળમાં તેને કોણે આશરો આપ્યો હતો અને ડ્રગ્સના આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.
ચિરાગ ગોટી સામે માત્ર ડ્રગ્સ જ નહીં, પણ રિવોલ્વર બતાવીને ધમકાવવા, કરોડોની ગેરકાયદે ઉઘરાણી અને મારપીટના પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેની ધરપકડથી સુરતના વેપારી આલમે રાહતનો શ્વાસ લીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.