માત્ર 'ચા' ના ઝઘડામાં પુત્રએ પિતાને પતાવી દીધા
માતાએ ઉશ્કેર્યો અને પુત્રએ કરી દીધી સાવકા પિતાની નિર્મમ હત્યા; મોટા મુંજીયાસર ગામની ઘટના

પુત્રએ કરી દીધી સાવકા પિતાની હત્યા

પુત્રએ કરી દીધી સાવકા પિતાની હત્યા
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં માત્ર 'ચા' બનાવવા જેવી તુચ્છ બાબત પર થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્ની અને પુત્રએ ભેગા મળીને 46 વર્ષીય સાવકા પિતાની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મૃતક રમણભાઈ વાલકાભાઈ કટારા ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. શનિવારે ઘરમાં ચા બનાવવા જેવી સામાન્ય બાબતે રમણભાઈ અને તેમની પત્ની સીતાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી કે સીતાબેને વાડીએ કામ કરી રહેલા પોતાના પુત્ર સુરેશ મછારને બોલાવી પિતાને પાઠ ભણાવવા માટે ઉશ્કેર્યો હતો.
સિમેન્ટનો ચૂલો માથામાં ઝીંક્યો
માતાની ઉશ્કેરણીથી ગુસ્સે ભરાયેલો સુરેશ ઘરે આવ્યો અને સાવકા પિતા પર લાકડાના ફટકા વડે તૂટી પડ્યો. આ હુમલા દરમિયાન રમણભાઈની પુત્રી અસ્મિતાબેન વચ્ચે પડતા સુરેશે તેને પણ ઇજા પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, સુરેશે આવેશમાં આવીને ઘરમાં રહેલો સિમેન્ટનો ભારેખમ ચૂલો ઉપાડીને રમણભાઈના માથા પર ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાઓને કારણે રમણભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ બગસરા પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી. મૃતકની પુત્રી અસ્મિતાબેનની ફરિયાદના આધારે પોલીસે સુરેશ મછાર અને તેની માતા સીતાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યા અને મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નજીવી બાબતે થયેલા આ કૌટુંબિક કંકાસે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.