સનાથલથી ગાંધીનગર સુધીનો 30 કિમીનો રોડ થશે આઈકોનિક
યુ.એન. મહેતા ફાઉન્ડેશન CSR હેઠળ કન્સલ્ટિંગ ચાર્જ લીધા વિના આધુનિક ડિઝાઈન તૈયાર કરશે

આઇકોનિક રોડ

આઇકોનિક રોડ
અમદાવાદના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા એસ. જી. હાઈવેની ટૂંક સમયમાં કાયાપલટ થવા જઈ રહી છે. સનાથલ સર્કલથી ગાંધીનગરના G-7 સર્કલ સુધીના અંદાજે 30 કિલોમીટર લાંબા માર્ગને હવે 'આઇકોનિક રોડ' તરીકે વિકસાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધીના રસ્તાની જેમ જ SG હાઈવેને આધુનિક સુવિધાઓ, સુંદર લેન્ડસ્કેપિંગ અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે NHAI, AMC, AUDA, GUDA અને GMC સંયુક્ત રીતે કાર્યરત છે, જેમાં યુ.એન. મહેતા ફાઉન્ડેશન મહત્વની ભૂમિકા ભજવશે.
રોડની નવી ડિઝાઈન આર્કિટેક્ટ અનિકેત ભાગવતને સોંપી
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે, યુ.એન. મહેતા ફાઉન્ડેશન દ્વારા આ કામગીરી CSR ફંડ હેઠળ કરવામાં આવશે. ફાઉન્ડેશન આ પ્રોજેક્ટ માટે કોઈપણ પ્રકારનો કન્સલ્ટિંગ ખર્ચ કે આર્કિટેક્ટ ફી લીધા વિના કામગીરી કરશે. અગાઉ પકવાનથી ઈસ્કોન સુધીના સર્વિસ રોડની જે ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી, તેનાથી તંત્રને અસંતોષ જણાતા હવે સમગ્ર રોડની નવી ડિઝાઈન બનાવવાની જવાબદારી કુશળ આર્કિટેક્ટ અનિકેત ભાગવતને સોંપવામાં આવી છે. યુ.એન. મહેતા ફાઉન્ડેશન આર્કિટેક્ટની ફી ચૂકવીને SG હાઈવેને એક વિશિષ્ટ ઓળખ અપાવવા માટે ડિઝાઈન, ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશનની જવાબદારી નિભાવશે.
ટ્રાફિક મેનેજમેન્ટની સુવિધા આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવશે
અગાઉ આ પ્રોજેક્ટ માટે પારેખ એસોસિએટ્સને કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ કામગીરીની ધીમી ગતિ અને ડિઝાઈનમાં ખામીઓને કારણે તંત્ર દ્વારા જૂની એજન્સી પાસેથી કામ આંચકી લેવામાં આવ્યું છે. AMC દ્વારા સેમ્પલ તરીકે તૈયાર કરાયેલા રોડમાં પણ અનેક પ્રશ્નો સામે આવ્યા હતા, જેના કારણે હવે પ્રિસિંકટ ડેવલપમેન્ટ મોડલ અપનાવવામાં આવશે. આ નવા આયોજન હેઠળ માત્ર મુખ્ય માર્ગ જ નહિ, પરંતુ બન્ને બાજુના સર્વિસ રોડ, ફૂટપાથ, આધુનિક સ્ટ્રીટ ફર્નિચર અને ટ્રાફિક મેનેજમેન્ટની સુવિધાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવામાં આવશે. આ કામગીરી પાછળ અંદાજે 25 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.
અમદાવાદ અને ગાંધીનગર કનેક્ટિવિટી વધુ સ્મૂધ
એસ.જી. હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાની સાથે રાહદારીઓ અને વાહનચાલકોને પ્રીમિયમ અનુભવ મળે તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. યુ.એન. મહેતા ફાઉન્ડેશન અગાઉ પણ ટાઉન હોલ અને વી. એસ. સ્મશાનગૃહના રિનોવેશન જેવી સેવાકીય કામગીરી કરી રહ્યું છે, ત્યારે હવે એસ. જી. હાઈવેની કાયાપલટ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સ્મૂધ અને આકર્ષક બનશે. આ ડેવલપમેન્ટ બાદ એસ. જી. હાઈવે ગુજરાતના ગૌરવ સમાન આઈકોનિક માર્ગ તરીકે ઓળખાશે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.