રાજકોટ: ૪૦૦ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું
ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી; ૬ આરોપી ઝડપાયા

રાજકોટ સાયબર ફ્રોડ કૌભાંડ

રાજકોટ સાયબર ફ્રોડ કૌભાંડ
રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ક્રાઇમ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત પોલીસે દેશવ્યાપી ૪૦૦ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના મસમોટા કૌભાંડનો ખુલાસો કર્યો છે. આ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખેતીવાડી પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ટેક્સ રાહતનો ફાયદો ઉઠાવી કરોડોના વ્યવહારો કરતા હતા.
બેંક એકાઉન્ટ અને એગ્રિકલચર પેઢીઓનો દુરુપયોગ :
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ મુખ્યત્વે યસ બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા. આ માટે તેઓ માર્કેટિંગ યાર્ડની પેઢીઓનો ઉપયોગ કરતા હતા. એગ્રિકલચર પેઢીઓને ટેક્સમાં મળતી રાહતને કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન સરકારી વિભાગની નજરમાં આવતા નહોતા. આ પદ્ધતિથી તેઓ આસાનીથી રોકડ ઉપાડ અને ઓનલાઇન ટ્રાન્સફર કરી શકતા હતા.
૧૯૮ કરોડના ટ્રાન્ઝેક્શન અને કમિશનનું નેટવર્ક :
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ, ગોંડલની જ્યોત એન્ટરપ્રાઇઝ નામની પેઢીના એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો જણાયા હતા. આ પેઢી ચલાવતા જય નાંદપરાની પૂછપરછમાં સામે આવ્યું કે તેની પાસે કુલ ૬ એકાઉન્ટ હતા, જેમાં છેલ્લા દોઢ વર્ષમાં ૧૯૮ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. અન્ય સહ-આરોપી મનીષ કમાણીના એકાઉન્ટમાં ૧૫૦ કરોડ અને પ્રવિણસિંહ પરમારના ખાતામાં ૩૩ કરોડના વ્યવહારો મળ્યા છે. આ આરોપીઓ સાયબર ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમાં મેળવવા બદલ પ્રતિ લાખ ૨૦૦ થી ૪૦૦ રૂપિયા કમિશન મેળવતા હતા.
આંગડિયા પેઢી અને મિડિયેટરોની સંડોવણી :
આ કૌભાંડમાં માત્ર એકાઉન્ટ હોલ્ડરો જ નહીં, પણ આંગડિયા પેઢીના કર્મચારીઓ અને મિડિયેટરો પણ સામેલ હતા. ગોંડલના ઋષિત રૈયાણી નામના મિડિયેટરની ધરપકડ કરવામાં આવી છે જે એકાઉન્ટ ખોલાવી આપવાનું કામ કરતો હતો. આ ઉપરાંત, આંગડિયા પેઢીના બે માણસો મયુરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ જાડેજાની પણ ધરપકડ કરાઈ છે, જેઓ ફ્રોડની રકમ હોવાની જાણ હોવા છતાં રોકડ ઉપાડ અને ટ્રાન્સફરમાં મદદ કરતા હતા.
હૈદરાબાદથી ઓપરેટ થતું હતું આખું નેટવર્ક :
આ મસમોટા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હૈદરાબાદનો આદિલ ઉદીન હોવાનું સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. તે આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો. અત્યાર સુધીમાં ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આદિલ સહિત અન્ય ૪ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ કેસમાં દેશના ૧૧ રાજ્યોમાંથી કુલ ૧૩૦ જેટલી ફરિયાદો ઓનલાઇન સાયબર હેલ્પલાઇન પર નોંધાયેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.