બંદૂક બતાવી મિનિટોમાં 18 લાખની લૂંટ
રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીમાં બે લૂંટારૂઓનો આતંક,CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Rajkot Angadia Firm Robbery: રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી સામે પ્રાઈમ એન્ટરપ્રાઇઝમાં રૂપિયા 18 લાખની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે શખસોએ આજે(30 જુલાઈ) સવારના 10:20 વાગ્યે આંગડિયા પેઢીના કર્મચારીને આંગડિયું કરવું છે કહી વાતોમાં વ્યસ્ત કરી બે લૂંટારુ પૈકી એક શખસે હથિયાર બતાવી રૂપિયા 18 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન પોલીસ, તેમજ ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 1 તથા LCB ઝોન 1ની અલગ અલગ ટિમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
લૂંટારાઓએ હથિયારની બતાવીને ડરાવી-ધમકાવીને રોકડ રકમથી ભરેલા થેલા બળજબરીથી પડાવી લીધા હતા અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દિવસના સમયે બનેલી આ ગંભીર ઘટનાએ વેપારીઓમાં ભારે ફફડાટ પેદા કર્યો છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસની સાથેસાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પોલીસે આંગડિયા પેઢીની અંદર અને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
લૂંટની આ સમગ્ર ઘટના પેઢીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને CCTV ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારોના અન્ય CCTV ફૂટેજ પણ એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે જેથી આરોપીઓના ભાગવાના માર્ગ અને ઓળખ અંગે મહત્વના પુરાવા મળી શકે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટારૂઓ ટુ-વ્હીલર પર આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ તે જ વાહન પર ફરાર થઈ ગયા હતા. પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ વધારી રહી છે.
ટેક્નિકલ સર્વેલન્સના આધારે લૂંટારાઓની શોધખોળ શરૂ
સીસીટીવીના ફૂટેજના આધારે લૂંટારાઓ કયા રસ્તે આવ્યા હતા અને કઈ દિશામાં નાસી છૂટ્યા છે તેની સઘન તપાસ ચાલી રહી છે.હાલમાં આંગડિયા પેઢીમાં લૂંટાયેલી કુલ રકમ કેટલી હતી તે અંગે પોલીસ દ્વારા હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પેઢીના સંચાલકો અને કર્મચારીઓ સાથે પૂછપરછ કરીને ચોક્કસ આંકડો મેળવવામાં આવી રહ્યો છે. શહેરભરમાં નાકાબંધી કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો કામે લગાડવામાં આવી છે અને વહેલી તકે આ ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
બંદૂક બતાવી મારો પૈસા ભરેલો થેલો ઝૂંટવી લીધો
આંગડિયા પેઢીના કર્મચારી અલ્કેશ દવેએ જણાવ્યું હતું કે, આજે સવારે હું મારી ઓફિસ પહોંચ્યો હતો અને હજુ દીવાબત્તી કરવાના પણ બાકી હતા, પરંતુ થોડી જ વારમાં બે લોકો અંદર આવ્યા હતા જેના ચહેરા ખુલ્લા હતા. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ છે કે મારે આંગડિયું કરવું છે કહી મારા કાઉન્ટર પાસે અંદર સુધી બે શખસો પહોંચી ગયા હતા.
શહેરભરમાં નાકાબંધી,અનેક ટીમો તપાસમાં
ડીસીપી હેતલ પટેલના જણાવ્યા અનુસાર, બનાવ બાદ રાજકોટ શહેરમાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી, ઝોન-1 પોલીસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યરત કરવામાં આવી છે.પોલીસે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓને પણ એલર્ટ કરી દીધા છે અને વિવિધ ચેકપોસ્ટ પર વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે. CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આંગડિયા વ્યવસાયની સુરક્ષા ફરી ચર્ચામાં
આંગડિયા પેઢીઓમાં મોટી રકમની રોકડ અને કિંમતી પાર્સલોનું પરિવહન થતું હોવાથી આવા વ્યવસાયોને વારંવાર ગુનેગારો નિશાન બનાવતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. રાજકોટની આ ઘટના બાદ ફરી એકવાર આંગડિયા વ્યવસાયની સુરક્ષા વ્યવસ્થા અને જાહેર સ્થળોએ ગુનાખોરી રોકવા માટેના પગલાં અંગે ચર્ચા તેજ બની છે.હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઘટનામાં સામેલ બંને શખ્સોની ઓળખ અને તેમની ધરપકડ માટે વિવિધ ટીમો સતત કામગીરી કરી રહી છે. પોલીસે નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.