બેંકમાં 'હાથફેરો' કરનાર MPની ગેંગ રાજકોટમાં પકડાઈ
નોટ બદલાવવાના બહાને કેશિયરની નજર ચૂકવી ચોરી કરતી MPની ગેંગનો એ-ડિવિઝને કર્યો પર્દાફાશ

MPની 'ગઠિયા ગેંગ' રાજકોટમાંથી ઝડપાઈ

MPની 'ગઠિયા ગેંગ' રાજકોટમાંથી ઝડપાઈ
રાજકોટમાં ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે. એક તરફ એ-ડિવિઝન પોલીસે સીસીટીવીથી સજ્જ બેંકોમાં અત્યંત ચાલાકીથી ચોરી કરનારી મધ્યપ્રદેશની ગેંગને ઝડપી પાડી છે, તો બીજી તરફ બે દિવસ અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂ. 1,500 કરોડના મલ્ટી-સ્ટેટ સાયબર ફ્રોડ રેકેટમાં વધુ ત્રણ આરોપીઓને જેલહવાલે કર્યા છે.
નોટો સેરવી લેતી 'ગઠિયા ગેંગ'
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ મથક દ્વારા મધ્યપ્રદેશના મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેઓ બેંકમાં જઈ નોટ બદલાવવાના બહાને કેશિયર પાસે જતા હતા. જ્યારે કેશિયર તેમને નોટોના બંડલ આપતા, ત્યારે તેઓ અત્યંત ઝડપથી નજર ચૂકવી તેમાંથી 20થી 40 જેટલી નોટો કાઢી લેતા હતા. ત્યારબાદ ઓછી નોટવાળું બંડલ કેશિયરને પરત કરી દેતા હતા.
આ ગેંગે રાજકોટની પાંચ અલગ-અલગ બેંકોમાં રૂ. 90,000ની રોકડની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને બેંકમાં ક્રાઈમ રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેથી તેમની ચોરી કરવાની પદ્ધતિ સમજી શકાય.
1,500 કરોડનું સાયબર ફ્રોડ રેકેટ:
આ સાથે જ રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂ. 1,500 કરોડના મોટા સાયબર કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેલંગાણાના આદિલુદ્દીન મોહમ્મદની ધરપકડ કરવામાં આવી, જે આંગડિયા ચેનલો દ્વારા હવાલાના નાણાં મેળવતો હતો.
રાજકોટના મિહિર રંગાણી અને હિરેન લિંબાસિયા પણ બેંક ખાતા પૂરા પાડવાના આરોપમાં પકડાયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
આ ઠગો APMC (માર્કેટિંગ યાર્ડ)ની પેઢીઓના નામે ખાનગી બેંકોમાં ખાતા ખોલાવીને સાયબર ફ્રોડ, ઓનલાઇન ગેમિંગ અને GST ચોરીના નાણાંની હેરફેર કરતા હતા. સાયબર ક્રાઈમ પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 180 ફરિયાદો નોંધાઈ છે, જેમાં ગુજરાતની 21 અને અન્ય રાજ્યોની 159 ફરિયાદોનો સમાવેશ થાય છે.
રાજકોટ પોલીસની આ બંને મોટી કાર્યવાહીઓએ ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.