ભાજપ MLA એ ખેડૂતને આપી ગાળો
જુનાગઢમાં સત્તાનો રુઆબ: ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા ખેડૂત સાથે ગાળાગાળી કરતા વિવાદમાં

ભાજપ MLA એ ખેડૂતને આપી ગાળો

ભાજપ MLA એ ખેડૂતને આપી ગાળો
Mangrol BJP MLA Bhagvanji Kargathiya Controversy: જુનાગઢ જિલ્લાના માંગરોળ વિધાનસભા વિસ્તારના ભાજપ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સત્તાના નશામાં ચૂર થઈને એક અરજદાર ખેડૂત પર ખાડામાં ઉતરી આવ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે એક વિવાદિત પુલના નિરીક્ષણ માટે પહોંચેલા ધારાસભ્યએ પ્રાંત અધિકારી અને અન્ય સરકારી કર્મચારીઓની હાજરીમાં જ સ્થાનિક ખેડૂતને જાહેરમાં ગાળો કાઢીને તતડાવી નાખ્યા હતા. તેમણે ખેડૂતને ધમકાવતા કહ્યું હતું કે, "હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું." લોકપ્રતિનિધિ તરીકે રજૂઆત શાંતિથી સાંભળવાને બદલે કાયદો અને મર્યાદા નેવે મૂકીને કરાયેલા આ વ્યવહારથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રૂ. 7 લાખના ખર્ચે બનેલા પુલ પર વિવાદનો તાંતણો
જામવાડીના અરજદાર ખેડૂત કાસમ દલે પોતાના ખાનગી માલિકીના ખેતરમાં અવરજવર માટે રૂ. 7 લાખના ખર્ચે આ પુલ બનાવ્યો હતો. અગાઉ ડેપ્યુટી કલેક્ટર દ્વારા 1 મીટરની ઊંચાઈનો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ ગામના સરપંચે ફરિયાદ કરી હતી કે કાસમ દલે મંજૂરી કરતાં વધુ ઊંચાઈ અને લંબાઈનો ગેરકાયદેસર પુલ બનાવી દીધો છે. કલેક્ટર અને સંકલન સમિતિના આદેશ મુજબ ધારાસભ્ય તથા પ્રાંત અધિકારી સી. ટી. હીરવાણીયાની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પુલની લંબાઈ વધુ હોવાથી ચોમાસામાં કચરો ફસાઈ જતાં આસપાસના 25 થી 30 ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.
ખેડૂતના ગંભીર આક્ષેપો અને ધારાસભ્યનો બચાવ
અરજદાર કાસમ દલે આક્ષેપ કર્યો છે કે તેમણે પોતાની જમીન માટે વિધિવત પુલ બનાવ્યો છે, પરંતુ સરપંચ તેને તોડી પાડવા માંગે છે અને ધારાસભ્યએ આવીને તેમની સાથે ગાળાગાળી કરી અપમાનિત કર્યા છે. બીજી તરફ, ચોતરફ ઘેરાયેલા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ આ મામલે પોતાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, "મેં કોઈને અપશબ્દો કહ્યા નથી, માત્ર સામાન્ય બોલાચાલી થઈ છે. મારી સામે એક ખેડૂત ઉગ્ર થઈને બોલતો હતો એટલે હું બોલ્યો હતો. આ તો અમારા વિસ્તારમાં બોલાતા રૂટીન શબ્દો છે!" જોકે અધિકારીઓની હાજરીમાં જ પ્રતિનિધિનું આવું અહંકારી વર્તન જોઈને લોકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.
પ્રશાસનની હાજરીમાં દાદાગીરીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ
સરકારી અમલદારો અને નાયબ કલેક્ટરની હાજરીમાં જ ધારાસભ્ય દ્વારા શિસ્તના સીમાડા ઓળંગીને સ્થાનિકો સાથે ગાળાગાળી કરવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લોકશાહીમાં પ્રજાના પ્રશ્નો સાંભળવા આવેલા પ્રતિનિધિ દ્વારા જ સત્તાનો રુઆબ બતાવીને સામાન્ય નાગરિકનું જાહેરમાં અપમાન કરાતાં ધારાસભ્ય સામે વિરોધનો સૂર ઊઠ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપ માટે પણ સ્થાનિક સ્તરે નામોશી ભરી સ્થિતિ સર્જાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળનો બીજો દિવસ… પણ રસ્તા પર રિક્ષા હજુ કેમ દોડી રહી છે? હડતાળ વચ્ચે રિક્ષા રોકાવવાના અને વધુ ભાડું વસૂલવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આખરે અમદાવાદમાં ચાલી શું રહ્યું છે?

GSFCમાં આખરે મેન્ટેનન્સ દરમિયાન ગેસ કયા કારણોસર લીક થયો? શું આ દુર્ઘટનામાં કોઈ બેદરકારી હતી? પોલીસ તપાસમાં શું સામે આવશે?

ગણપતિ બાપ્પાના આગમન પહેલાં સુરતમાં બદલાઈ ગયો યુવાનોનો અંદાજ! આખરે શું છે નવો ટ્રેન્ડ અને કેમ પહોંચી રહ્યો છે વેપાર રૂ.20 કરોડને પાર? જાણો સંપૂર્ણ હકીકત…