ગુજરાતમાં માવઠું: ખેડૂતો ચિંતામાં, લગ્નોમાં વિઘ્ન
વહેલી સવારે વાતાવરણમાં પલટો: કાપણી સમયે વરસાદથી જગતનો તાત મૂંઝવણમાં

ગુજરાતમાં માવઠું

ગુજરાતમાં માવઠું
રાજ્યમાં ગરમીની શરૂઆત વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. શુક્રવારે વહેલી સવારે સુરત, ભરૂચ, પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી આ સ્થિતિએ એક તરફ ઠંડક પ્રસરાવી છે, તો બીજી તરફ ખેડૂતો અને માંગલિક પ્રસંગોના આયોજકોની ઉંઘ હરામ કરી દીધી છે.
ખેતીના પાક મુશ્કેલીમાં
કમોસમી વરસાદને કારણે સૌથી વધુ ચિંતા 'જગતના તાત'ને સતાવી રહી છે. હાલ રવિ પાકની કાપણીનો સમય છે. ઘઉં, ચણા, જીરું અને તમાકુ જેવા પાકો તૈયાર અવસ્થામાં ઉભા છે, ત્યારે કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક પર પણ આ માવઠાની પ્રતિકૂળ અસર પડી શકે છે.
લગ્નસરા અને જાહેર કાર્યક્રમોમાં વિઘ્ન
લગ્નની સીઝન ચરમસીમાએ છે ત્યારે ખુલ્લા મેદાનમાં તૈયાર કરવામાં આવેલા મંડપો અને ડેકોરેશન પલળી જતાં લાખોનું નુકસાન થયું છે. સુરતમાં યોજાનારા પ્રતિષ્ઠિત 'બુક ફેર' માં પણ વરસાદી પાણી ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી.
આગામી 22 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે આ બુક ફેરનું ઉદ્ઘાટન થવાનું છે, તે પહેલાં વહીવટી તંત્રે યુદ્ધના ધોરણે ડોમ અને અન્ય વ્યવસ્થાઓને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી છે.
વાતાવરણમાં મિક્સ ઋતુની અસર
ગુજરાતના લોકોએ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કર્યો છે. વહેલી સવારે વરસાદ, ત્યારબાદ વાદળછાયું વાતાવરણ અને બપોરના સમયે ગરમીનો અહેસાસ જોવા મળ્યો હતો. વલસાડ પંથકમાં ગાઢ ધુમ્મસને કારણે નેશનલ હાઈવે પર વાહનચાલકોને દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
જોકે, આ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેવાની સ્થિતિ પેદા કરી છે. પંચમહાલના ગોધરા અને દામાવાવ પંથકમાં પણ નોંધપાત્ર વરસાદથી પશુપાલકો માટે ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.