ગુજરાતમાં ધારાસભ્ય અને પ્રજા માટે અલગ-અલગ કાયદો!
વીજ લાઈન ગેઝેટ બાદ ધારાસભ્યની જમીન કેવી રીતે થઈ NA? ખેડૂતોએ ઉઠાવ્યા ગંભીર સવાલો

હળવદ-વટામણ વીજ લાઈન વિવાદ

હળવદ-વટામણ વીજ લાઈન વિવાદ
ભારતના બંધારણમાં કાયદો દરેક માટે સમાન હોવાની વાત વારંવાર દોહરાવવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતના હળવદ-વટામણ વચ્ચે નાખવામાં આવી રહેલી 765kv વીજ લાઈનના પ્રોજેક્ટમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે સત્તાધારી પક્ષના પ્રતિનિધિઓ અને સામાન્ય પ્રજા વચ્ચેના ભેદભાવની પોલ ખોલે છે.
ગુજરાતના વિકાસની ગાથામાં વીજ લાઈનોનું નેટવર્ક અનિવાર્ય છે, પરંતુ આ વિકાસ જ્યારે પક્ષપાત અને અન્યાયના પાયા પર ચણાય ત્યારે લોકશાહી સામે સવાલો ઊભા થાય છે. હળવદ-વટામણ 765kv હાઈ ટેન્શન વીજ લાઈન પસાર કરવા માટે સરકાર દ્વારા તારીખ ૩૧/૦૧/૨૦૨૫ ના રોજ સત્તાવાર 'ગેઝેટ નોટિફિકેશન' જાહેર કરવામાં આવ્યું હતું. કાયદા મુજબ, એકવાર ગેઝેટ પ્રસિદ્ધ થઈ જાય પછી તે જમીનની સ્થિતિમાં કોઈ પણ મોટો ફેરફાર કે મંજૂરી આપવી મુશ્કેલ હોય છે, કારણ કે તે પ્રોજેક્ટ હેઠળ આવતી સુરક્ષિત જમીન ગણાય છે.
ધારાસભ્ય અને સામાન્ય ખેડૂત વચ્ચે 'બેવડા ધોરણો'આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં વઢવાણ ગામની એક જમીન છે (સર્વે નંબર ૨૬૦૨, ખાતા નંબર ૨૭૭૭), જેના માલિક પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પટેલ છે. કંપનીના આંતરિક દસ્તાવેજો મુજબ આ જમીન 'Prakash Varmora MLA' ના સંદર્ભમાં નોંધાયેલી છે. અહીં વિવાદનો વિષય એ છે કે, જે વીજ લાઈન માટે જાન્યુઆરી ૨૦૨૫ માં નોટિફિકેશન આવી ગયું હતું, તે જ જમીન માટે ૦૪/૦૩/૨૦૨૫ ના રોજ બિન-ખેતી (NA) માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે અને માત્ર એક જ મહિનામાં એટલે કે ૦૩/૦૪/૨૦૨૫ ના રોજ તે જમીન બિન-ખેતી થઈ પણ જાય છે!
ખેડૂતો પૂછી રહ્યા છે કે, જ્યારે ગેઝેટ નોટિફિકેશન લાગુ હોય ત્યારે સામાન્ય પ્રજાની ફાઈલો કચેરીઓમાં ધૂળ ખાતી હોય છે, તો ધારાસભ્યની જમીનને આટલી ઝડપથી અને નોટિફિકેશન હોવા છતાં NA ની મંજૂરી કેવી રીતે મળી?
તંત્ર અને કંપનીની મિલીભગતની શંકાકંપની પાસેથી ખેડૂતોએ મેળવેલા દસ્તાવેજોમાં આ જમીનની વિગત ૭ નંબર પર દર્શાવાઈ છે. દસ્તાવેજોમાં સ્પષ્ટ લખાણ છે કે, "Prakash Varmora MLA (found NA land as per discussion)". આ "discussion" (ચર્ચા) કોની સાથે થઈ હતી? શું કાયદાઓ ચર્ચાના આધારે બદલી શકાય છે?
સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કલેક્ટર કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે, ત્યારે તેમાંથી ધારાસભ્યનું નામ કેમ ગાયબ થઈ જાય છે? જો આ જમીનમાં વીજ લાઈનનો 'tentative area' ૮૧૦ મીટર દર્શાવેલ છે, તો પછી કલેક્ટરની યાદીમાં તેનું નામ હોવું અનિવાર્ય હતું.
ટંકારાના ખેડૂતનો કિસ્સો: અન્યાયની પરાકાષ્ઠાભેદભાવનો પુરાવો ત્યારે વધુ મજબૂત બને છે જ્યારે આપણે જબલપુર (ટંકારા) ના ખેડૂત ભાણજીભાઈના કિસ્સા પર નજર કરીએ. ભાણજીભાઈની જમીન ગેઝેટ નોટિફિકેશન પહેલાની બિન-ખેતી (NA) થયેલી હતી, તેમ છતાં કલેક્ટરની નોટિસમાં તેમનું નામ આવ્યું અને તેમને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો.
એક બાજુ સામાન્ય ખેડૂત (ભાણજીભાઈ) છે જેમની જમીન પહેલેથી NA હોવા છતાં નોટિસમાં આવે છે, અને બીજી બાજુ માનનીય ધારાસભ્યશ્રી છે જેમની જમીન ગેઝેટ બાદ NA થાય છે છતાં નોટિસમાંથી તેમનું નામ ગાયબ રહે છે. શું આ લોકશાહી છે કે સત્તાનો દુરુપયોગ?
ગંભીર સવાલો જેનો જવાબ તંત્રએ આપવો પડશે:૧. નોટિફિકેશનનું ઉલ્લંઘન: ૩૧ જાન્યુઆરીએ ગેઝેટ બહાર પડ્યા બાદ કોઈ જમીન NA કેવી રીતે થઈ શકે? કયા અધિકારીએ આ મંજૂરી આપી? ૨. નામની બાકાત: કલેક્ટરની યાદીમાંથી ધારાસભ્યનું નામ કયા આધારે હટાવવામાં આવ્યું? ૩. ચર્ચાનો અર્થ: કંપનીના ડોક્યુમેન્ટમાં લખેલી "Discussion" શું ભ્રષ્ટાચાર કે સત્તાના પ્રભાવનો સંકેત છે? ૪. સમાનતાનો અભાવ: શું ગુજરાતમાં સામાન્ય ખેડૂત અને ધારાસભ્ય માટે કલેક્ટર કચેરીના નિયમો અલગ-અલગ છે?
ખેડૂતો અત્યારે અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. હળવદ અને વઢવાણ પંથકમાં આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. જો સરકાર આ મામલે સ્પષ્ટતા નહીં કરે અને તટસ્થ તપાસ નહીં સોંપે, તો એ સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતમાં કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે, જ્યારે સત્તાધીશો માટે "ડિસ્ટન્સ લર્નિંગ" જેવી વ્યવસ્થા છે જ્યાં તેઓ નિયમોથી પર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.