ભારતીય સેનાએ અડધી રાત્રે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હેઠળ એરસ્ટ્રાઈક કરી, જેના પગલે ભારતભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલાઓ બાદ દેશના સુરક્ષા તંત્રને સતર્ક કરી દેવાયું છે, ખાસ કરીને જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર અને અમૃતસર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત, આ શહેરોની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
જામનગરમાં સુરક્ષા વ્યવસ્થા કડક
જામનગરના દરિયાકાંઠે, જે પાકિસ્તાનની સરહદની નજીક આવેલો અતિ સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.), મરીન પોલીસ, ટાસ્ક ફોર્સના કમાન્ડો અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા મોટા પાયે ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયું છે. હાલારના દરિયાકાંઠે બોટ પેટ્રોલિંગ દ્વારા માછીમારી બોટોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, દરિયાકાંઠે વસતા નાગરિકોના રહેઠાણોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી.
જામનગર જિલ્લાના વહીવટી તંત્રના આદેશ અનુસાર, એરપોર્ટ પર પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુના નિર્દેશ હેઠળ મહિલા પી.એસ.આઈ. આર.કે. ગોસાઈ અને તેમની ટીમ દ્વારા એરપોર્ટના પ્રવેશદ્વાર પર વાહનોની તલાસી અને ચાલકોની પૂછપરછ કરવામાં આવી, જોકે કશું વાંધાજનક મળ્યું નથી. જામનગર-મુંબઈ ફ્લાઈટ્સ ત્રણ દિવસ માટે સ્થગિત કરાઈ છે, અને મુસાફરોની ટિકિટો રદ કરવામાં આવી રહી છે.
જામનગરમાં મોકડ્રીલની તૈયારી
સંભવિત યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા જામનગરમાં મોકડ્રીલની વ્યાપક તૈયારીઓ શરૂ કરાઈ છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશ્નોઈના નેતૃત્વમાં સવારે 10 વાગ્યે રિવ્યુ મીટિંગ યોજાઈ, જેમાં 10થી વધુ ફાયર સ્ટેશન ઓફિસરો હાજર રહ્યા. શહેરના ચાર વિસ્તારોમાં બપોરે 4 વાગ્યાથી મોકડ્રીલનું આયોજન કરાયું છે. આ માટે 30થી વધુ ફાયર ફાઈટર્સ, વાહનો અને અન્ય સાધનો સજ્જ કરાયા છે. ફાયર બ્રિગેડનો 100થી વધુ સ્ટાફ આ કવાયતમાં જોડાશે.
સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ડીવાય.એસ.પી. જે.એન. ઝાલા, વી.કે. પંડ્યા, આર.બી. દેવધા, આઈ.પી.એસ. અધિકારી પ્રતિભા, એલ.સી.બી.ના પી.આઈ. વી.એમ. લગારીયા, એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન. ચૌધરી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ચર્ચા કરવામાં આવી.
જામનગરના જામસાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ઓપરેશન સિંદૂરની સફળતા બદલ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, “પરમ આદરણીય નરેન્દ્રભાઈ, તમે દુનિયાને બતાવી દીધું કે આપણે એક મહાન રાષ્ટ્ર છીએ. તમારા નેતૃત્વમાં ભારતીય સશસ્ત્ર દળોએ બહાદુરી, બુદ્ધિમત્તા અને અદભૂત ઉપકરણો સાથે દેશની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. માતાજી તમને વધુ મોટી સિદ્ધિઓ માટે આશીર્વાદ આપે.”
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતનું સુરક્ષા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જામનગર સહિત દેશના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ, પેટ્રોલિંગ અને મોકડ્રીલ દ્વારા કોઈપણ પડકારનો સામનો કરવા તૈયારી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ભારતની સૈન્ય શક્તિ અને નેતૃત્વની ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરી છે.