Santej Garba Violence: અમદાવાદ નજીક સાંતેજના ખાત્રજ-કલોલ રોડ પર આવેલા જાણીતા ‘સેપ્ટ મંડળી’ ગરબા મહોત્સવમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે હિંસક અથડામણ થયાની ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડની બહાર લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મારામારી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને પગલે ખેલૈયાઓની સુરક્ષા અને નવરાત્રિ દરમિયાનની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક લોકો પાસ વિના ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિક્યુરિટી સ્ટાફે તેમને રોકતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ હોવાનો દાવો છે. જોકે, ઘટનાની સંપૂર્ણ વિગતો અને અથડામણમાં કોણ-કોણ સામેલ હતું તે અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
પાસ વિના પ્રવેશના પ્રયાસથી વિવાદ?
મળતી માહિતી અનુસાર, ગ્રાઉન્ડમાં પ્રવેશને લઈને થયેલી બબાલ દરમિયાન લાકડીઓ અને તલવારો બહાર આવતાં પરિસરમાં તણાવ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં થયેલી ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે.
ખેલૈયાઓમાં ગભરાટ, સુરક્ષા સામે સવાલ
નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે ગરબા રમવા પહોંચે છે. આવી સ્થિતિમાં ગરબા ગ્રાઉન્ડની બહાર હિંસક અથડામણની ઘટના સામે આવતાં ખેલૈયાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને પ્રવેશદ્વાર પાસે થયેલા ઘર્ષણને પગલે આયોજકોની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે.
સાંતેજ પોલીસ અને LCBની ટીમો સ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ અને ગાંધીનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમો સ્થળ પર પહોંચી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવાયું છે અને સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સેપ્ટ મંડળીના જણાવ્યા મુજબ, કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની તપાસ, સંડોવાયેલા લોકો સામે લેવાયેલા પગલાં અને સંભવિત ફરિયાદ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. હવે આ વાયરલ વીડિયો અને ગરબા મહોત્સવમાં થયેલી અથડામણ અંગે પોલીસ તપાસમાં શું વિગતો સામે આવે છે તેના પર નજર છે.