હેપ્પી બર્થડે અમદાવાદ
અમદાવાદની પોળોના અનોખા નામો, જાણો ઇતિહાસ અને રહસ્ય

અમદાવાદની ઓળખ તેની પોળોમાં છે

અમદાવાદની ઓળખ તેની પોળોમાં છે
અમદાવાદનો 615મો સ્થાપના દિવસ! ઈ.સ. 1411માં સુલતાન અહમદશાહે સ્થાપેલું આ શહેર આજે પણ તેની પ્રાચીન પોળો, દરવાજાઓ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અમદાવાદની સાચી ઓળખ તેના જૂના શહેરની પોળોમાં વસે છે. દરેક પોળનું નામ તેના ઇતિહાસ, વ્યવસાય, વ્યક્તિ, પરંપરા કે ક્યારેક તો પશુ-પક્ષીઓ સાથે જોડાયેલું છે. આ પોળો માત્ર રહેઠાણ નહોતી, પરંતુ એક સમુદાયનું જીવન, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક હતી.

‘પોળ’ શબ્દ સંસ્કૃતના ‘પ્રતોલી’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે દરવાજાવાળો રસ્તો કે સાંકળી ગલી. સોલંકી યુગમાં પોળોને ‘પાડા’ કહેવામાં આવતા હતા. પાટણમાં આજે પણ ‘જમનો પાડો’, ‘ઢીલી ખીચડીનો પાડો’ જેવા નામો જોવા મળે છે. અમદાવાદમાં પોળો એક સામૂહિક જીવનશૈલી હતી. દરેક પોળમાં કૂવો, મંદિર, ચબૂતરો, દરવાજો, ઓટલો, ચોગાન અને પશુઓ માટે ચાટ જેવી સુવિધાઓ રાખવામાં આવતી હતી. આ પોળોમાં રહેતા લોકો એક પરિવાર જેવા હતા – તહેવારો સાથે ઉજવતા, પ્રસંગોમાં મદદ કરતા અને એકબીજાની રક્ષા કરતા.

શહેરની સૌથી પહેલી પોળ “મુહૂર્ત પોળ” છે, જ્યાં શહેરનો મુહૂર્ત કરવામાં આવ્યો હતો. આ પોળ માણેકચોક વિસ્તારમાં આવેલી છે. શહેરની સૌથી મોટી પોળ “માંડવીની પોળ” છે, જ્યાં નવરાત્રિ દરમિયાન માતાજીની માંડવી મૂકવામાં આવતી હતી. આ નામ પણ તેના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે.
અમદાવાદની પોળોના નામ સાંભળતાં જ આશ્ચર્ય થાય છે – ચામાચીડિયાની પોળ, દેડકાની પોળ, બકરી પોળ, ગાયની પોળ, કોબીની પોળ, લીંબુની પોળ, ખારી પોળ, ખાડી પોળ, લાખા પટેલની પોળ, હાજા પટેલની પોળ, જાદા ભગતની પોળ, ધના સુથારની પોળ, ગોઝારિયાની પોળ… આ નામો ત્યાં રહેતા પ્રખ્યાત વ્યક્તિઓ, વ્યવસાય, જાતિ-ઉપજાતિ કે કોઈ ખાસ ઘટના પરથી પડ્યા છે. મુઘલકાળના દસ્તાવેજોમાં પણ ઢીંકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ અને ભંડેરપુર પોળ જેવા નામોનો ઉલ્લેખ મળે છે.

અમદાવાદના વિસ્તારોના નામ પણ એટલા જ રસપ્રદ છે. માણેકચોકનું નામ માણેકનાથ બાવાથી, ઢાલગરવાડ ઢાલ બનાવતા વ્યવસાયથી, ડબગરવાડ ઢોલ-નગારા બનાવતા ડબગરોથી, શાહીબાગ મુઘલ શાહી બગીચાથી, આંબાવાડી આંબાના ઝાડ અને તળાવથી, મણિનગર દાતાશ્રીના સ્મરણાર્થે અને નારણપુરા નરનારાયણ મંદિરથી પડ્યા છે. આ નામો શહેરના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે.

આજે આધુનિક વિકાસ વચ્ચે પણ અમદાવાદની પોળો તેની પરંપરા અને એકતાનું પ્રતીક છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા આ શહેરની ઓળખ તેની પોળો, દરવાજા અને લોકસંસ્કૃતિમાં જ સમાયેલી છે. રાયપુર દરવાજા પાસે ભજીયાની સુગંધ, ખાડિયા-રાયપુરની ગલીઓમાં જીવંત જીવન અને પોળોના અનોખા નામો – આ બધું મળીને અમદાવાદને અમદાવાદ બનાવે છે. આજે શહેરના સ્થાપના દિવસે દરેક અમદાવાદી આ ગૌરવશાળી વારસાને યાદ કરીને ગર્વ અનુભવે છે. હેપ્પી બર્થડે અમદાવાદ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.