ગુજરાત કઠોળ ઉત્પાદનમાં 6 વર્ષમાં બમણો વધારો
વિશ્વ કઠોળ દિવસ પર ગુજરાતની મોટી સિદ્ધિ; ચણા અને તુવેરના પાકમાં ખેડૂતોએ સર્જ્યો રેકોર્ડ

ગુજરાત કઠોળ ઉત્પાદન વૃદ્ધિ

ગુજરાત કઠોળ ઉત્પાદન વૃદ્ધિ
આજે 10 ફેબ્રુઆરી એટલે કે 'વિશ્વ કઠોળ દિવસ' નિમિત્તે ગુજરાતના કૃષિ ક્ષેત્રે એક અત્યંત ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા ગુજરાતે છેલ્લા છ વર્ષમાં કઠોળના ઉત્પાદનમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને મળેલી આધુનિક સુવિધાઓ અને સિંચાઈના લાભોને કારણે રાજ્યમાં કઠોળની ખેતીનો વ્યાપ બમણો થયો છે.
વાવેતર અને ઉત્પાદનમાં ધરખમ વધારો :
રાજ્યના કૃષિ વિભાગના આંકડા મુજબ, વર્ષ 2019-20માં જ્યાં 9 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થતું હતું, તે વર્ષ 2024-25માં વધીને 14.39 લાખ હેક્ટર સુધી પહોંચી ગયું છે. માત્ર વાવેતર જ નહીં, પણ ઉત્પાદનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. છ વર્ષ પહેલાં કુલ ઉત્પાદન 10.58 લાખ મેટ્રિક ટન (MT) હતું, જે હવે વધીને 21.52 લાખ મેટ્રિક ટન નોંધાયું છે. આ સાથે જ હેક્ટર દીઠ ઉત્પાદકતા પણ 1,173 કિલોથી વધીને 1,495 કિલો થઈ છે.
ચણા અને તુવેરના ઉત્પાદનમાં વિક્રમી સિદ્ધિ :
ગુજરાતના કુલ કઠોળ ઉત્પાદનમાં સૌથી વધુ 70 ટકા હિસ્સો રવિ પાક એવા ચણાનો છે. ચણાનું ઉત્પાદન 6.36 લાખ મેટ્રિક ટનથી વધીને 15.63 લાખ મેટ્રિક ટનના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. તેવી જ રીતે, ખરીફ પાક તુવેરના ઉત્પાદનમાં પણ 45 ટકાનો તોતિંગ વધારો થયો છે, જેનો આંકડો 3.08 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત અડદ, મગ, મઠ અને વાલ જેવા પાકોમાં પણ ખેડૂતોની રુચિ વધી છે.
સફળતાના મુખ્ય ચાલક બળો :
આ રેકોર્ડબ્રેક ઉત્પાદન પાછળ અનેક પરિબળો જવાબદાર છે:
જળ સંચય યોજનાઓ: સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી યોજનાઓને કારણે રવિ અને ઉનાળુ પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ થયું છે.
ટેકાના ભાવમાં વધારો: સરકારે કઠોળના ટેકાના ભાવમાં (MSP) 11% થી 31% સુધીનો વધારો કરતા ખેડૂતોને આર્થિક પ્રોત્સાહન મળ્યું છે.
આધુનિક સંશોધન: કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિકસાવાયેલી સુધારેલી જાતો, જેવી કે 'ગુજરાત ચણા-3' અને 'ગુજરાત મગ-4' એ ઉત્પાદકતા વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
આમ, યોગ્ય નીતિ અને ખેડૂતોની મહેનતને પરિણામે ગુજરાત હવે કઠોળના ઉત્પાદનમાં દેશનું નવું ગ્રોથ એન્જિન બનીને ઉભરી આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.