ગુજરાતમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો (NFSA) 2013, જે ગર્ભસ્થ બાળકથી લઈને પુખ્ત વયના નાગરિક સુધી અન્ન સુરક્ષાની ખાતરી આપે છે, તેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. 1 એપ્રિલ 2016 થી અમલી બનેલા આ કાયદા હેઠળ લાખો ગરીબોને સસ્તા ભાવે અનાજ મળવાપાત્ર હોવા છતાં, કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત કરાયેલા E-KYC ના બહાને રાજ્યના આશરે 10 લાખ લોકો રાશનથી વંચિત રહ્યા છે. આ ઘટના સરકારી દાવાઓ અને ગરીબોના મૂળભૂત અધિકારો પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.
સરકારના જ વચનોનો ભંગ...
ગુજરાત સરકારના દાવા મુજબ, રાજ્યમાં દર મહિને 78,68,468 રાશન કાર્ડધારકોના 3,82,20,327 લોકોને સસ્તા ભાવે અનાજ મળે છે. પરંતુ, કેન્દ્ર સરકારે E-KYC ફરજિયાત બનાવ્યા બાદ, ઘણા લોકો નેટવર્ક સમસ્યા, અંગૂઠાના નિશાન ન આવવા, આધાર કાર્ડમાં ભૂલો વગેરે કારણોસર E-KYC કરાવી શક્યા નથી. સૌથી આઘાતજનક બાબત એ છે કે, જુલાઈ 2024 માં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાથેની બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, E-KYC પ્રક્રિયા દરમિયાન કોઈપણ રાશનધારકનું રાશન અટકાવવામાં આવશે નહીં.
તાજેતરમાં સરકારે લીધેલો નિર્ણય કે જો E-KYC ન હોય તો રાશન નહીં મળે, તે અગાઉના પોતાના જ વચન અને અન્ન અધિકારના મૂળભૂત સિદ્ધાંત વિરુદ્ધ છે. આ સરકારની બેવડી નીતિ અને સંવેદનશીલતાના અભાવને છતો કરે છે.
આ પણ વાંચો : Surat : SOG નો સપાટો, ટેટૂની આડમાં ચાલતું કરોડોનું ઈ-સિગારેટ રેકેટ ઝડપાયું!
10 લાખ લોકો ભૂખ્યા સૂવા મજબૂર...
આંકડા દર્શાવે છે કે, એપ્રિલ, મે અને જૂન 2025 દરમિયાન ગુજરાતમાં આશરે 10 લાખ લોકો માત્ર E-KYC ન હોવાના ટેકનિકલ કારણોસર પોતાનું રાશન લઈ શક્યા નથી. અન્ન સુરક્ષા અધિકાર અભિયાન, ગુજરાત સરકારના આ નિર્ણયને મનસ્વી અને ઇરાદાપૂર્વકનો ગણાવીને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ અભિયાન ભારપૂર્વક જણાવે છે કે, અન્ન અધિકાર એ જીવવાના અધિકાર સાથે સીધો જોડાયેલો છે અને તેને આવા તુચ્છ ટેકનિકલ કારણો હેઠળ નકારી શકાય નહીં.
આ પણ વાંચો : Vadodara : "રમશે ગુજરાત"ના નામે ધિંગાણું!, BJP ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેટ-સ્ટમ્પ વડે મારામારી... Video Viral
વંચિત સમુદાય પર વિપરીત અસર...
અન્ન સુરક્ષા અધિકાર અભિયાનની સ્પષ્ટ માંગણી છે કે, કોઈપણ સંજોગોમાં લોકોનું રાશન બંધ ન કરવું જોઈએ. જો આ પ્રકારે રાશન અટકાવવામાં આવશે, તો વંચિત સમુદાયના પોષણ, સ્વાસ્થ્ય અને સુખાકારી પર અત્યંત વિપરીત અસર થશે. સરકારની આ અમાનવીય નીતિ લાખો ગરીબોને ભૂખ્યા સૂવા મજબૂર કરી રહી છે અને તેમની જીવનનિર્વાહની મૂળભૂત જરૂરિયાત છીનવી રહી છે. શું સરકાર ખરેખર ગરીબોના હિતમાં કામ કરવા માંગે છે કે માત્ર કાગળ પરના દાવાઓ જ કરવા માંગે છે તે એક મોટો પ્રશ્ન છે. આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી, E-KYC વગરના લોકોને પણ રાશન પૂરું પાડવામાં આવે તેવી તાતી જરૂરિયાત છે.
આ પણ વાંચો : Anand : ભરતસિંહ સોલંકીનો ગૃહક્લેશ ચરમસીમા પર, જાહેરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, CCTV ફૂટેજ વાયરલ!