ગુજરાતમાં કામના કલાકો ૧૦ કરાયા,મહિલાઓને નાઇટ શિફ્ટ
દૈનિક કામના કલાકો ૯થી વધારી ૧૦ કરાયા, મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ

વિધાનસભામાં દુકાન સુધારા બિલ પસાર

વિધાનસભામાં દુકાન સુધારા બિલ પસાર
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે આજે એક મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે મોટા ફેરફારો જોવા મળશે. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રજૂ કરાયેલું 'ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) બિલ ૨૦૨૬' સર્વાનુમતે પસાર થયું છે. આ બિલમાં દૈનિક કામના કલાકોની મર્યાદા ૯થી વધારીને ૧૦ કલાક કરવામાં આવી છે, જ્યારે સળંગ કામના કલાકો ૫થી વધારીને ૬ કરાયા છે. આ ઉપરાંત, ઓવરટાઇમની મર્યાદા ત્રણ મહિનામાં ૧૨૫થી વધારીને ૧૪૪ કલાક કરવામાં આવી છે. આ બિલ ૨૦ અથવા તેથી વધુ કર્મચારીઓવાળી તમામ દુકાનો અને સંસ્થાઓ પર લાગુ પડશે.
મંત્રી કુંવરજી બાવળીયાએ બિલની રજૂઆત કરતાં જણાવ્યું કે, આ સુધારા આધુનિક સમયની માંગ અને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ના ભાગરૂપે કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ ફેરફારોથી ગ્રાહક સુવિધામાં વધારો થશે, આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને રાજ્યના આર્થિક વિકાસમાં વધારો થશે. ઉત્પાદકતા વધવાથી વેપારીઓના નફામાં વધારો થશે અને કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ બિલ ડિસેમ્બર ૨૦૨૫માં પ્રસિદ્ધ કરાયેલા ઓર્ડિનેન્સને બદલવા માટે લાવવામાં આવ્યું છે, જેમાં પહેલાં કર્મચારીઓની સંખ્યા ૧૦થી વધારીને ૨૦ કરવામાં આવી હતી અને મહિલાઓને નાઇટ શિફ્ટની પરવાનગી આપવામાં આવી હતી.
મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ અને સુરક્ષા જોગવાઈઓ બિલની સૌથી મહત્વની જોગવાઈ મહિલા કર્મચારીઓ માટે છે. હવે મહિલાઓને રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી મળશે, પરંતુ આ માટે તેમની સંમતિ જરૂરી છે. સંસ્થાઓને આ માટે કેટલીક કડક શરતો પાળવી પડશે, જેમ કે આરામ કક્ષ, મહિલાઓ માટે અલગ શૌચાલય, રાત્રિ ક્રેચ (બાળ દેખરેખ કેન્દ્ર), જાતીય સતામણીથી રક્ષણ અને સંસ્થાથી તેમના ઘર સુધી પરિવહનની વ્યવસ્થા. મંત્રીએ કહ્યું કે, આજના સમયમાં મહિલાઓનું આર્થિક વિકાસમાં યોગદાન વધી રહ્યું છે, અને આ જોગવાઈથી તેમને વધુ તકો મળશે. તેમણે ભાર મૂક્યો કે, મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે.
બિલની ચર્ચા દરમિયાન AAPનો વિરોધ અને ગૃહમાં હંગામો બિલની ચર્ચા દરમિયાન વિધાનસભામાં ભારે હંગામો જોવા મળ્યો. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ગૃહની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરવાની માગ સાથે પોસ્ટરો પ્રદર્શિત કર્યા અને વિરોધ નોંધાવ્યો. તેઓનો આરોપ હતો કે, સરકાર પારદર્શિતા નથી અપનાવી રહી અને લોકોને વિધાનસભાની કાર્યવાહી જોવા દેવી જોઈએ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેઓને કડક ટકોર કરી અને કહ્યું, "વિધાનસભાના નિયમો વાંચીને આવો." તેઓને પોસ્ટરો નીચે મૂકવા સૂચના આપી અને ગૃહની શિસ્ત જાળવવા હાકલ કરી. આમ છતાં, બિલ સર્વાનુમતે પસાર થયું.
દરિયાઈ કિનારાની લંબાઈ ૭૨૦ કિમી વધી, હવે કુલ ૨૩૨૦ કિમી ગૃહમાં આજે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. દરિયાઈ સંરક્ષણ દીવાલ મુદ્દે ભાજપના ધારાસભ્ય ભગા બારડે જણાવ્યું કે, નવા સર્વે મુજબ ગુજરાતનો દરિયાઈ કિનારો ૭૨૦ કિમી વધ્યો છે, જેના કારણે હવે કુલ લંબાઈ ૨૩૨૦ કિમી થઈ છે. અગાઉ તે ૧૬૦૦ કિમી ગણાતો હતો. તેમણે કહ્યું કે, વધેલા કિનારાને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ દીવાલના આયોજન પર સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોને કુદરતી આફતોથી સુરક્ષિત રાખી શકાય.
બજેટ સત્રના પ્રથમ દિવસે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત બજેટ સત્રના પ્રથમ દિવસે (૧૬ ફેબ્રુઆરી) ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી. બંને નેતા એકબીજા વચ્ચે ગુફ્તેગો કરતા અને છૂટા પડતા સમયે એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જયેશ રાદડિયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા અને તેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી.
રાજ્યપાલનું સંબોધન અને કોંગ્રેસનો વિરોધ સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આશરે ૨૧ મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું. તેમણે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો જવાબ આપ્યો હતો. ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં તેમણે ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
આ બિલના અસર અને વિરોધીઓના આરોપ આ બિલના અમલીકરણથી રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે નવા ફેરફારો આવશે. વેપારીઓ અને માલિકો માટે આ સુધારા ફાયદાકારક છે, કારણ કે તેમને વધુ સમય કામ કરવાની સ્વતંત્રતા મળશે અને વર્ષમાં ૩૬૫ દિવસ સંસ્થા ચલાવવાની અનુમતિ મળશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વ્યવસ્થાઓથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો આવશે. જોકે, વિરોધીઓના આરોપ મુજબ, આ સુધારા કર્મચારીઓનું શોષણ વધારશે અને કામના કલાકો વધવાથી તેમના આરોગ્ય અને પરિવારી જીવન પર અસર પડશે. કેટલાક વેપારી સંગઠનોએ આનું સ્વાગત કર્યું છે, જ્યારે શ્રમિક સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.