નસવાડીમાં યુવતી પર અત્યાચાર: ગેંગરેપના આક્ષેપો
મંદબુદ્ધિની યુવતીને જંગલમાં પીંખી નાખી; પોલીસની એકપક્ષીય તપાસ સામે પરિવારમાં ભારે રોષ.

નસવાડી દુષ્કર્મ ઘટના

નસવાડી દુષ્કર્મ ઘટના
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ગામની ૩૦ વર્ષીય મંદબુદ્ધિની યુવતી સાથે નરાધમોએ તમામ હદો વટાવી દીધી છે. યુવતીને બળજબરીથી જંગલ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને મરણતોલ હાલતમાં છોડી દેવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
શું છે આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, નસવાડીના એક ગામમાં રહેતી આ અસહાય યુવતીને એક શખ્સ લલચાવી-ફોસલાવી અથવા અપહરણ કરીને જંગલની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં તેની પર પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હેવાનિયતની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે યુવતીના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. પીડિતા લોહીલુહાણ હાલતમાં જંગલમાં પડી રહી હતી ત્યારે તેના પરિવારજનોને આ અંગે જાણ થઈ હતી.
જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી પીડિતા :
પરિવારજનો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે યુવતીની હાલત અત્યંત નાજુક હતી. તેને તાત્કાલિક નસવાડીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ઇજાઓ ગંભીર હોવાથી ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે રિફર કરી છે. હાલમાં યુવતી ત્યાં જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે.
પોલીસ કાર્યવાહી અને પરિવારના ગંભીર આક્ષેપો :
આ મામલે નસવાડી પોલીસે મુખ્ય આરોપી વિકેશ નારણભાઈ ભીલની ધરપકડ કરી લીધી છે. જોકે, પીડિતાના પરિવારજનોમાં પોલીસની કાર્યશૈલી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિતાના ભાઈનો દાવો છે કે તેની બહેને બે વ્યક્તિઓના નામ આપ્યા હતા, તેમ છતાં પોલીસ માત્ર એક જ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી રહી છે. પરિવારનો આક્ષેપ છે કે આ એક સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) ની ઘટના છે અને પોલીસ અન્ય સંડોવાયેલા શખ્સોને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવું જણાય છે.
પોલીસ સ્ટેશન ખાતે ગ્રામજનોનો હલ્લાબોલ :
ન્યાયની માંગ સાથે આજે પીડિતાના પરિવારજનો અને ગામના ૫૦ થી વધુ લોકોએ નસવાડી પોલીસ મથકે ધસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સૂત્રોચ્ચાર કરીને લોકોએ માંગ કરી હતી કે આ કેસમાં ગેંગરેપની કલમોનો ઉમેરો કરવામાં આવે અને તપાસ નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવે. સ્થાનિકોની માંગ છે કે જો અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
હાલમાં પોલીસે તપાસ તેજ કરી છે અને એફએસએલ (FSL) ની મદદ પણ લેવામાં આવી રહી છે. જોકે, પોલીસ બીજા આરોપી અંગે હજુ પણ મૌન સેવી રહી હોવાથી ગામમાં તંગદિલીનો માહોલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.