₹128 કરોડના GST કૌભાંડમાં પિતા-પુત્ર ઝડપાયા!
જામનગરમાં બોગસ બિલિંગ દ્વારા 23 કરોડથી વધુની ITC કરચોરીનો પર્દાફાશ, વધુ ખુલાસાની સંભાવના

આરોપી પિતા-પુત્રની ધરપકડના વિઝ્યુઅલ્સ

આરોપી પિતા-પુત્રની ધરપકડના વિઝ્યુઅલ્સ
રાજ્યના GST વિભાગની મોટી કાર્યવાહી
ગુજરાત રાજ્ય GST વિભાગે મોટી કરચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી 128 કરોડ રૂપિયાથી વધુના બોગસ વ્યવહારો સામે આવ્યા છે. આ કેસમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. તપાસ બાદ જામનગરના પિતા-પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અનેક શહેરોમાં એકસાથે દરોડા
અગાઉથી મળેલી ગુપ્ત માહિતીના આધારે રાજ્ય GST વિભાગે વ્યાપક વિશ્લેષણ કર્યા બાદ 16 જૂન, 2026ના રોજ જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર સહિતના શહેરોમાં આવેલી 22 પેઢીઓ પર સર્ચ અને સીઝરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળી આવી હતી.
23 કરોડથી વધુની બોગસ ITCનો ખુલાસો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કેટલીક પેઢીઓ દ્વારા ખોટા વ્યવહારો દર્શાવી 23.08 કરોડ રૂપિયાથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવામાં આવ્યો હતો. આ ગેરરીતિના આધારે વિભાગે માંડોવરા ટ્રેડિંગ કંપનીના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હતી.
50 કલાકથી વધુ મેરેથોન તપાસ
જામનગરની દરેડ GIDC વિસ્તારમાં સ્ટેટ જીએસટી વિભાગે 50 કલાકથી વધુ ચાલેલી મેરેથોન તપાસ બાદ કરોડો રૂપિયાની ખોટી વેરાશાખ મેળવવાના કૌભાંડનો ખુલાસો કર્યો છે. બ્રાસના દેશી ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની બાતમી અને ઇનપુટ્સના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો 30 વાહનોના કાફલા સાથે જામનગરમાં ત્રાટકી હતી. જીએસટીની ટીમોએ દરેડ ફેઝ-3 માં આવેલા પ્લોટ નંબર-3128 તેમજ શેડ નંબર-555 માં આવેલા જાનકી કોમ્પલેક્સ સહિતના શંકાસ્પદ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જામનગરના પિતા-પુત્રની ધરપકડ
આ કેસમાં સંડોવણી સામે આવતા માંડોવરા ટ્રેડિંગ કંપનીના માલિક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની જામનગરથી ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બંનેની ભૂમિકા પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ રીતે સામે આવી છે.
બોગસ પેઢીઓ મારફતે કરચોરી
તપાસમાં ખુલ્યું છે કે બ્રાસ અને કોપર સ્ક્રેપની ખરીદી દર્શાવી અનેક બોગસ પેઢીઓ મારફતે ખોટા વ્યવહારો ઉભા કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં માલની કોઈ હેરફેર થઈ ન હોવા છતાં કાગળ પર મોટા પાયે લેવડદેવડ દર્શાવી ITC મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
128 કરોડના બનાવટી વ્યવહારો
પ્રાથમિક તારણો મુજબ આરોપીઓએ સરકારની આવકને નુકસાન પહોંચાડવાના હેતુથી 128 કરોડ રૂપિયાથી વધુના નકલી નાણાકીય વ્યવહારો દર્શાવ્યા હતા. તપાસ દરમિયાન કોઈ વાસ્તવિક વેપાર કે માલ પરિવહનના પુરાવા મળ્યા ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
વધુ ખુલાસાની શક્યતા
GST વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ કરચોરી, બાકી રહેલી GST જવાબદારી અને અન્ય સંકળાયેલા લોકો અંગેના નવા ખુલાસા થઈ શકે છે. તપાસનો વ્યાપ હજુ પણ ચાલુ છે. આ કેસ બાદ GST વિભાગે નાગરિકોને આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને GST નોંધણી સંબંધિત દસ્તાવેજો અજાણ્યા લોકો સાથે શેર ન કરવા ચેતવણી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!