બાપુનગરમાં શિક્ષણ સમિતિની જીવલેણ બેદરકારી
ક્રિકેટ મેચ જોઈ પરત ફરતા માસૂમ બાળકોને રિક્ષામાં ખીચોખીચ ભર્યા; ટ્રાફિકના નિયમો નેવે મૂકી

શિક્ષણના નામે જોખમી મનોરંજન

શિક્ષણના નામે જોખમી મનોરંજન
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી સામે આવી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરવાનો દાવો કરતું તંત્ર માસૂમ જીવોને જોખમમાં મૂકતા અચકાયું નથી. ક્રિકેટ મેચ બતાવવાના બહાને સરકારી શાળાના બાળકોને રિક્ષામાં ઘેટા-બકરાની જેમ ભરીને મુસાફરી કરાવવાના દ્રશ્યોએ સમગ્ર શહેરમાં રોષ ફેલાવ્યો છે.
ગઈકાલે બુધવારે ૧૮ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાપુનગર વિસ્તારની સરકારી શાળાઓના બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને મનોરંજનના ભાગરૂપે મેચ બતાવવા માટે સ્ટેડિયમ લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહિત બાળકો મેચ જોઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે શાળાના સંચાલકો અને શિક્ષકોની માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
મેચ પૂર્ણ થયા બાદ બાળકોને પરત લાવવા માટે પૂરતી બસો કે વાહનોની વ્યવસ્થા કરવાને બદલે, ખાનગી પેસેન્જર રિક્ષાઓમાં બાળકોને ખીચોખીચ ભરી દેવામાં આવ્યા હતા. રિક્ષાની ક્ષમતા માત્ર ૩ થી ૪ પેસેન્જરની હોય છે, તેની સામે એક-એક રિક્ષામાં ૧૦ થી ૧૨ બાળકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા.
વીડિયો વાયરલ: રસ્તા પર ભયાનક દ્રશ્યોસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, માસૂમ બાળકો રિક્ષાની બહાર જોખમી રીતે લટકી રહ્યા હતા. કેટલાક બાળકો રિક્ષાના પાછળના ભાગે અને ડ્રાઈવરની સીટની આસપાસ દબાયેલી હાલતમાં હતા. રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો આ દ્રશ્યો જોઈને હેબતાઈ ગયા હતા. અનેક જાગૃત નાગરિકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી શિક્ષણ સમિતિની બેદરકારી પર ફિટકાર વરસાવ્યો છે.
નિયમોના ધજાગરા: કોણ લેશે જવાબદારી?ગુજરાત સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા શાળાના વાહનોમાં સુરક્ષાને લઈને 'સ્કૂલ વર્દી' ના કડક નિયમો બનાવવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશ મુજબ સ્કૂલ ઓટો કે બસમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા એ ગંભીર ગુનો છે. તેમ છતાં, સરકારી તંત્ર પોતે જ આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે.
શિક્ષકોની હાજરી છતાં બેદરકારી: બાળકોની સાથે શાળાના શિક્ષકો પણ હાજર હતા, તેમ છતાં તેમની નજર સામે બાળકોને જોખમી રીતે રિક્ષામાં રવાના કરવામાં આવ્યા.
સુરક્ષા પર સવાલ: જો રસ્તામાં રિક્ષા પલટી હોત અથવા કોઈ વાહને ટક્કર મારી હોત, તો આ માસૂમ બાળકોની જિંદગીની જવાબદારી કોની હોત? શું શિક્ષણ સમિતિના અધિકારીઓ માત્ર સસ્પેન્શનની કાર્યવાહી કરીને સંતોષ માની લેત?
બાપુનગરની આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે, અમે વિશ્વાસ રાખીને અમારા બાળકોને શાળામાં મોકલીએ છીએ, પણ જો આ પ્રકારે પિકનિક કે મેચના નામે બાળકોના જીવ જોખમમાં મુકાતા હોય તો તે અસહ્ય છે. શિક્ષણ સમિતિના ચેરમેન અને સભ્યો દ્વારા આ મામલે કડક તપાસ કરવામાં આવે અને જવાબદાર રિક્ષાચાલકો સહિત શાળાના આચાર્ય સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે સરકારી શાળાના બાળકોની આવી દુર્દશા તંત્રની પોલ ખોલે છે. સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા માટે બાળકોનો ઉપયોગ તો કરવામાં આવે છે, પણ તેમની સલામત મુસાફરીની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. આ ઘટના એ સાબિત કરે છે કે નિયમો માત્ર કાગળ પર છે અને વાસ્તવિકતામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના જીવ સસ્તા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.