સાવધાન! દૂધના નામે પિરસાઈ રહ્યું છે ‘સફેદ ઝેર’
સલાલ ગામે દરોડો પાડી ડિટર્જન્ટ અને યુરિયામાંથી બનતા નકલી દૂધના કારખાનાનો પર્દાફાશ

ફેક દૂધ

ફેક દૂધ
ગુજરાતમાં દૂધના કાળા કારોબારનો વધુ એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અઢળક કમાણી કરવાની લાલચમાં માનવતાને નેવે મૂકી દેવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક સંયુક્ત અને ગુપ્ત ઓપરેશન પાર પાડીને ‘સત્યા ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં ચાલતા નકલી દૂધના મસમોટા નેટવર્કનો ભાંડો ફોડ્યો છે.
પોલીસે 71.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા કેમિકલયુક્ત નકલી દૂધ અને છાશનું બેરોકટોક ઉત્પાદન કરવામાં આવતું હતું. બાતમીના આધારે જ્યારે એલસીબીએ FSLની ટીમને સાથે રાખી સલાલ રેલ્વે ક્રોસિંગ પાસે આવેલી આ ખાનગી ફેક્ટરી પર દરોડો પાડ્યો, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને ભલભલા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. દૂધના નામે ત્યાં મોતનો સામાન પીરસવામાં આવી રહ્યો હતો અને સ્થળ પરથી પોલીસે અંદાજે 71.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શરીરમાં ઘૂસીને કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી
આ ફેક્ટરીમાં નકલી દૂધ બનાવવાની પદ્ધતિ એટલી ભયાનક હતી કે તે જાણીને તમારી આત્મા કાંપી ઉઠશે. આરોપીઓ દૂધમાં કુદરતી જેવું ફીણ લાવવા માટે કપડાં ધોવાનો ‘ડિટર્જન્ટ પાવડર’ વાપરતા હતા. એટલું જ નહિ, દૂધની ઘનતા વધારવા અને ફેટનું પ્રમાણ જાળવી રાખવા માટે ખેતીમાં વપરાતું ઝેરી ‘યુરિયા ખાતર’ અને ‘કોસ્ટિક સોડા’ ઉમેરવામાં આવતા હતા. આ સિવાય પામોલિન અને સોયાબીન તેલ તેમજ SMP પાવડરનો ઉપયોગ કરી કૃત્રિમ રીતે નકલી દૂધ જેવું જીવલેણ મિશ્રણ તૈયાર કરાતું હતું. આ ઝેરી પ્રવાહીને આકર્ષક પેકિંગમાં ‘તાજા’ અને ‘ગોલ્ડ’ મિલ્કના લેબલ લગાવીને શહેરના પાર્લરો અને ગામડાઓમાં વેચવામાં આવતું હતું. આ એવું નકલી દૂધ હતું જે ધીમા ઝેરની જેમ લોકોના શરીરમાં ઘૂસીને કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે.
પોલીસ રિમાન્ડની તજવીજ હાથ ધરી
પોલીસે આ ઘૃણાસ્પદ ગુનામાં 4 શખ્સોની ધરપકડ કરી છે અને એક સગીરની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં અમદાવાદનો જીતેન્દ્ર પટેલ અને સલાલના સચિન મકવાણા, કરણ પરમાર તથા અજય પરમાર સામેલ છે. જોકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરીનો માલિક રાકેશ ઉર્ફે ધર્મો નારાયણભાઈ પટેલ પોલીસના દરોડા સમયે ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આ નકલી દૂધ ક્યાં-ક્યાં સપ્લાય થતું હતું તેની કડીઓ મેળવવા પોલીસ રિમાન્ડની તજવીજ હાથ ધરી રહી છે.
છાશના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યું
તંત્ર દ્વારા હાલમાં આ ‘સફેદ ઝેર’ બનાવતી ફેક્ટરીને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. જપ્ત કરાયેલા નકલી દૂધ અને છાશના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.