જૂનાગઢ ભવનાથના સંતોના આમને-સામને આક્ષેપ
ઈન્દ્રભારથી બાપુ સામે અમરગીરીના સનસનાટીભર્યા આક્ષેપ; આશ્રમમાં નશા અને સેક્સ સ્કેન્ડલ ચાલે

ધર્મની આડમાં અધર્મનો આક્ષેપ

ધર્મની આડમાં અધર્મનો આક્ષેપ
જૂનાગઢના પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં ભવનાથ તળેટી ખાતે સાધુ-સંતો વચ્ચેનો આંતરિક વિખવાદ હવે કાયદાકીય અને નૈતિક લડાઈમાં પરિવર્તિત થયો છે. કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી શરૂ થયેલો વિવાદ હવે આશ્રમોના બંધ દરવાજા પાછળ ચાલતા કથિત કુકર્મોના પર્દાફાશ સુધી પહોંચ્યો છે, જેના કારણે સનાતન ધર્મના શ્રદ્ધાળુઓમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે.
છેલ્લા થોડા દિવસોથી જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં સાધુઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અને વર્ષોથી મહંત પદના દાવેદાર એવા અમરગીરી બાપુએ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ અને રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઈન્દ્રભારથી બાપુ સામે જે આક્ષેપો કર્યા છે, તેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. અમરગીરી બાપુએ ઈન્દ્રભારથી પર માત્ર સત્તાના દુરુપયોગનો જ નહીં, પરંતુ નશાકારક પદાર્થો અને અનૈતિક પ્રવૃત્તિઓના ગંભીર આરોપો લગાવ્યા છે.
એપસ્ટીન ફાઈલ કરતા પણ મોટું કૌભાંડ હોવાનો દાવોઅમરગીરી બાપુએ આક્રમક વલણ અપનાવતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ ઈન્દ્રભારથીના પ્રભાવથી ડરતા નથી. તેમણે રુદ્રેશ્વર જાગીર આશ્રમના સંચાલન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "આશ્રમના દરવાજા અંદરથી બંધ રાખીને જે પ્રવૃત્તિઓ ચાલે છે, તે અમેરિકાના કુખ્યાત જેફરી એપસ્ટીનના સેક્સ સ્કેન્ડલ કરતા પણ વધુ ભયાનક છે."
અમરગીરી બાપુના મુખ્ય આક્ષેપો:
નશાનો કારોબાર: આશ્રમમાં ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન અને કોકેઈન જેવા ઘાતક નશાકારક પદાર્થોનો ઉપયોગ અને કારોબાર થાય છે.
અનૈતિક પ્રવૃત્તિઓ: આશ્રમમાં યુવતીઓને લાવવામાં આવે છે અને ધર્મના નામે આવતી મહિલા ભક્તો સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવે છે.
રજવાડી ઠાઠ અને બે નંબરની કમાણી: આ સાધુઓ પાસે કરોડો રૂપિયાના આશ્રમ છે અને તેઓ રાજાઓની જેમ રજવાડી ઠાઠ ભોગવે છે, જેની પાછળ કથિત રીતે બે નંબરના ધંધા જવાબદાર છે.
અમરગીરી બાપુએ માત્ર અનૈતિકતા જ નહીં પણ ગુનાહિત ષડયંત્રના પણ આક્ષેપ કર્યા છે. તેમણે દાવો કર્યો કે તેમના ગુરુભાઈ રમેશગીરી બાપુની હત્યા શંકાસ્પદ છે અને તેની ઊંડી તપાસ થવી જોઈએ. તેમના મતે, ભવનાથ મંદિરની મિલકતો અને સત્તા પચાવી પાડવા માટે કેટલાક તત્વો મેદાને પડ્યા છે. તેમણે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને વિનંતી કરી છે કે જેઓ સાધુના વેશમાં રહી કુકર્મ કરે છે, તેમના કપડાં ઉતારી નાખવા જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
મહંતની નિમણૂક અંગે કલેક્ટરને રજૂઆતઆ વિવાદ વચ્ચે અમરગીરી બાપુએ જૂનાગઢ કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત વિનંતી કરી છે કે ભવનાથ મંદિર અને અંબાજી મંદિરના મહંતની નિમણૂકના ઓર્ડર વહેલી તકે જારી કરવામાં આવે. તેમના મતે, નિમણૂક પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે જ આવા વિવાદો વકર્યા છે અને જો યોગ્ય વહીવટ સ્થાપિત થશે તો ભવનાથનું હિત જળવાશે.
પુરાવાઓ હોવાનો મોટો દાવોઅમરગીરી બાપુએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો છે કે તેમની પાસે એવા વીડિયો અને પુરાવાઓ છે જે આ કથિત 'ઢોંગી' સાધુઓના અસલી ચહેરા દુનિયા સામે ઉજાગર કરી શકે છે. તેમણે મૃગીકુંડમાં ગૃહસ્થોના સ્નાન બાબતે પણ ટિપ્પણી કરી કે, સાધુ સમાજે પોતાની મર્યાદા જાળવવી જોઈએ અને આવા વિવાદોમાં કોઈ સાધુની સંડોવણી શોભે નહીં.
ભવનાથ જેવી પવિત્ર ભૂમિ પર જ્યારે સંતો એકબીજા પર આવા સંગીન આક્ષેપો કરે છે, ત્યારે સામાન્ય જનતાની આસ્થા ડગમગે તે સ્વાભાવિક છે. હવે દડો સરકાર અને પોલીસના હાથમાં છે. શું અમરગીરી બાપુ પાસે ખરેખર પુરાવા છે? શું ઈન્દ્રભારથી બાપુ આ આક્ષેપોનો વળતો જવાબ આપશે? આ લડાઈ આવનારા દિવસોમાં ગિરનારના રાજકારણમાં નવો વળાંક લાવશે તે નક્કી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.