અમદાવાદમાં EDનો સપાટો: 6 કોલ સેન્ટર પર દરોડા
Amazon ગિફ્ટ કાર્ડથી થતો 'તોડ' અને બિટકોઈનમાં રૂપાંતર; EDનો મોટો પર્દાફાશ

અમદાવાદમાં EDનો સપાટો

અમદાવાદમાં EDનો સપાટો
અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગેરકાયદેસર કોલ સેન્ટરોનો કાળો કારોબાર સામે આવ્યો છે. હૈદરાબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 4 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદના 6 વિવિધ સ્થળોએ દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે.
આ તપાસમાં મુખ્યત્વે અમેરિકન નાગરિકો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
ડરાવી ધમકાવીને વસૂલાત
તપાસમાં ખુલાસો થયો છે કે આ કોલ સેન્ટરો દ્વારા અમેરિકન સરકારી એજન્સીઓના અધિકારીઓનો ઢોંગ કરવામાં આવતો હતો. લોન બાકી હોવાના કે ટેક્સ ચોરીના ખોટા આરોપો લગાવીને પીડિતોને જેલની ધમકી આપી ડરાવવામાં આવતા હતા.
ત્યારબાદ તેમની પાસેથી વસૂલાત કરવા માટે એમેઝોન ગિફ્ટ કાર્ડ ખરીદાવવામાં આવતા હતા. આ રકમને પકડાઈ જવાની બીકે ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી દેવામાં આવતી હતી.
આ કૌભાંડમાં મોહમ્મદ ઇરફાન અંસારી, અકીબ ઘાંચી અને વિકાસ નિમાર જેવા મુખ્ય સૂત્રધારો સામેલ છે. દરોડા દરમિયાન અકીબ ઘાંચીના કબજામાંથી અંદાજે 12,000 યુએસ ડોલરની ક્રિપ્ટોકરન્સી અને ₹13.5 લાખની બિનહિસાબી રોકડ મળી આવી છે. EDએ કાર્યવાહી કરતા આરોપીઓ અને તેમની સંસ્થાઓના 31 બેંક ખાતા અને એક બેંક લોકરને ફ્રીઝ કરી દીધા છે.
હવાલા અને મની લોન્ડરિંગ
ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવા માટે પેક્સફુલ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ અને વિદેશી નાગરિકોની મદદ લેવામાં આવતી હતી.
આ નેટવર્ક એટલું મોટું હતું કે લિક્વિડેશન માટે હવાલા ઓપરેટરો અને સ્થાનિક કાળા બજારોનો સહારો લેવામાં આવતો હતો. આરોપીઓએ આ કાળી કમાણીથી પોતાના અને પરિવારના નામે કરોડોની મિલકતો વસાવી હોવાનું પણ EDની તપાસમાં બહાર આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.