દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પંડ્યા દુબઈથી ઝડપાયો
કરોડોનો દારૂ ઘુસાડનાર અને 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો બુટલેગર અનિલ પાંડ્યાની દુબઈથી ધરપકડ

દારૂ

દારૂ
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાડી વર્ષે દહાડે અબજોનો ગેરકાયદે દારૂ ઠાલવતા નેટવર્કનો આખરે પર્દાફાશ થયો છે. રાજસ્થાનના વતની અને દુબઈમાં બેઠા-બેઠા આખું સામ્રાજ્ય ચલાવતા કુખ્યાત બુટલેગર અનિલ પાંડ્યાને દુબઈ પોલીસે ઝડપી લીધો છે. અનિલ પાંડ્યા છેલ્લા ઘણા સમયથી નકલી પાસપોર્ટ અને ખોટી ઓળખના આધારે દુબઈમાં આશરો લઈ રહ્યો હતો. ગુજરાત પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મહિનાઓની કવાયત બાદ આ સફળતા મળી છે. અનિલ પંડ્યા સામે ગુજરાતમાં દારૂના 2 ડઝનથી વધુ કેસ છે, જ્યારે તેના વતન રાજસ્થાનમાં હત્યા, ખંડણી અને હથિયારોની હેરાફેરી સહિતના 50થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાત સરકારે તેની ધરપકડ માટે 1 લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
દુબઈમાં નવો બિઝનેસ પણ શરૂ કર્યો
અનિલ પાંડ્યા ઉર્ફે જગદીશ પ્રસાદ જાટની ધરપકડ પાછળ એક લાંબી તપાસ જોડાયેલી છે. આશરે 10 મહિના પહેલાં તેના ખાસ સાગરિત તૌફિક નાઝીરખાનને દુબઈથી ડિપોર્ટ કરી કેરળથી ઝડપી લેવામાં આવ્યો હતો, જેનાથી પોલીસને મહત્વની કડીઓ મળી હતી. રાજસ્થાનના સિકરના રૂપનગરનો વતની અનિલ છેલ્લા 5 વર્ષથી દુબઈમાં બેસીને ફોન દ્વારા ગુજરાતના બુટલેગરો સાથે સંપર્ક રાખતો હતો. તેણે ગુજરાતમાં દારૂ વેચીને જે કરોડો રૂપિયા કમાયા હતા, તે પૈસાનો ઉપયોગ કરીને દુબઈમાં નવો બિઝનેસ પણ શરૂ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. હવે ગુજરાત પોલીસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેનો કબજો મેળવી ભારત લાવવા માટે સક્રિય બની છે.
ડિસ્ટિલરીઓમાંથી એક જ બેચ નંબરના દારૂનો જથ્થો તૈયાર કરાવતો
આ બુટલેગરની કામ કરવાની પદ્ધતિ પણ પોલીસને ચોંકાવી દે તેવી હતી. અનિલ પાંડ્યા હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની ડિસ્ટિલરીઓમાંથી એક જ બેચ નંબરના દારૂનો જથ્થો તૈયાર કરાવતો હતો. પોલીસને છેતરવા માટે તે એક જ રજિસ્ટ્રેશન નંબર ધરાવતા 3 અલગ-અલગ ટેન્કર કે ટ્રકોને એકસાથે ગુજરાતની અલગ-અલગ બોર્ડર પરથી રવાના કરતો હતો. જો પોલીસ કોઈ એક વાહન પકડી પણ લે, તો પણ બાકીના 2 વાહનો સફળતાપૂર્વક રાજ્યમાં પ્રવેશી જતા હતા. આ રીતે તે અત્યંત ચાલાકીથી વર્ષો સુધી પોતાનું નેટવર્ક ચલાવતો રહ્યો હતો.
કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી જેલમાં મોકલવામાં આવ્યો
માત્ર ગુનાખોરી જ નહિ, પણ પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચારના મૂળ સુધી પણ આ બુટલેગર પહોંચ્યો હતો. જુલાઈ 2025માં એક મોટો ધડાકો થયો હતો જ્યારે ખબર પડી કે ડીજી સ્કવોડના હેડ કોન્સ્ટેબલ સાજણ આહિર સાથે અનિલ પાંડ્યા સીધો સંપર્ક ધરાવતો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસે જ્યારે દારૂ ભરેલી ટ્રક પકડી ત્યારે આ મિલીભગત સામે આવી હતી. અનિલ પાંડ્યાએ પોતે જ કેટલીક ઓડિયો ક્લિપ્સ વાયરલ કરી હતી જેમાં ખુલાસો થયો હતો કે, સાજણ આહિરે દારૂની ટ્રક પસાર કરાવવા માટે આંગડિયા મારફતે 15 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. આ કેસમાં કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે અનિલ પાંડ્યાની સઘન પૂછપરછમાં ગુજરાતના અન્ય કયા મોટા માથાઓ સામેલ છે, તેના રહસ્યો ખુલવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.