Ahmedabad Diwali Air Pollution: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાની આતશબાજી અને ધુમાડાની અસર હવે અમદાવાદની હવામાં સ્પષ્ટ જોવા મળી રહી છે. શહેરમાં દિવાળી બાદ વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ને પાર પહોંચી ગયો છે. થલતેજ શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર નોંધાયો છે, જ્યાં AQI 276 સુધી પહોંચ્યો છે. હવાની બગડતી ગુણવત્તાને કારણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.
થલતેજમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તા, અનેક વિસ્તારોમાં AQI 200ને પાર
તાજેતરના આંકડા મુજબ અમદાવાદના આશરે 17 વિસ્તારોમાં AQI 200થી વધુ નોંધાયો છે. થલતેજમાં સૌથી વધુ 276 AQI નોંધાયો છે. જ્યારે હેબતપુરમાં 264 અને સોલા સ્ટેશન-2માં 262 AQI નોંધાતાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી છે. શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ પણ ચિંતાજનક છે. બોપલમાં 220, ઘુમામાં 217, શિવલિક લેક વ્યુમાં 234, વસંતનગરમાં 228, સરખેજમાં 201 અને ચાંદખેડામાં 203 AQI નોંધાયો છે. નિગમનગરમાં 203 અને રામનગરમાં 202 AQI નોંધાયો છે. સાઉથ બોપલના અલગ-અલગ મોનિટરિંગ સ્ટેશનો પર AQI 202થી 240 વચ્ચે રહ્યો છે.
દિવાળીની રાત્રે ગુજરાતનાં શહેરોમાં પણ વધ્યું પ્રદૂષણ
દિવાળીની રાત્રે ગુજરાતનાં અનેક શહેરોમાં ફટાકડાના ધુમાડાને કારણે હવાની ગુણવત્તા બગડી હતી. રાત્રિના 12 વાગ્યાની આસપાસ રાજકોટમાં AQI 1078, સુરતમાં 759 અને અમદાવાદમાં 608 સુધી પહોંચ્યો છે. રાજકોટમાં ધુમાડા અને ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટી જવાની પણ માહિતી સામે આવી હતી. અમદાવાદમાં રાત્રે 10 વાગ્યે AQI 200ને પાર ગયો હતો. રખિયાલમાં 284 અને રાયખડમાં 264 નોંધાયો હતો. આ ઉપરાંત સુરતમાં 125, રાજકોટમાં 113 અને વડોદરામાં 104 AQI નોંધાયો હતો.
બાળકો અને વૃદ્ધોએ રાખવી ખાસ સાવચેતી
વાયુ પ્રદૂષણ વધતાં બાળકો, વૃદ્ધો, અસ્થમાના દર્દીઓ અને શ્વાસ સંબંધિત તકલીફ ધરાવતા લોકો માટે જોખમ વધી શકે છે. નિષ્ણાતોની સલાહ મુજબ હવાની ગુણવત્તા ખરાબ હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું, ભારે કસરત અને મોર્નિંગ વોકથી દૂર રહેવું તથા બહાર જવું જરૂરી હોય તો યોગ્ય માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આંખોમાં બળતરા, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તબીબી સલાહ લેવી જોઈએ.
શું છે AQI અને કયા આંકડા પર હવા જોખમી બને છે?
એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI હવામાં રહેલા પ્રદૂષકોના પ્રમાણના આધારે હવાની ગુણવત્તા દર્શાવે છે. ભારતમાં સામાન્ય રીતે AQIના છ સ્તર છે: 0થી 50 સારી, 51થી 100 સંતોષકારક, 101થી 200 મધ્યમ, 201થી 300 ખરાબ, 301થી 400 અત્યંત ખરાબ અને 401થી 500 ગંભીર શ્રેણી ગણાય છે. દિવાળી ખુશીઓ અને રોશનીનો તહેવાર છે, પરંતુ ફટાકડાનો ધુમાડો, વાહનોનું પ્રદૂષણ, રસ્તાની ધૂળ અને બાંધકામની પ્રવૃત્તિઓ મળીને શહેરની હવાની ગુણવત્તા પર અસર કરે છે. અમદાવાદમાં દિવાળી બાદ વધેલો AQI ફરી એકવાર શહેરના વાયુ પ્રદૂષણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.