Vadodara Car Fire Blast: વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે એક પાર્ક કરેલી કારમાં લાગેલી આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કારમાં રહેલી CNG બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે હોન્ડા સિટી કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને તેના પતરાના ટુકડા લગભગ 200 મીટર દૂર સુધી ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એક મહિલાના હાથમાં કારનું પતરું ઘૂસી ગયું હોવાનું સામે આવ્યું છે.
નવાયાર્ડના રામવાડીમાં મોડી રાત્રે કારમાં આગ
મળતી માહિતી મુજબ, 4 નવેમ્બરની મોડી રાત્રે વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રામવાડીમાં પાર્ક કરેલી હોન્ડા સિટી કારમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ CNG બોટલમાં બ્લાસ્ટ
કારમાં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જોકે, ટીપી-13 ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કારમાં રહેલી CNG બોટલમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટના કારણે કારના પતરાના ટુકડા હવામાં ફંગોળાઈને લગભગ 200 મીટર દૂર સુધી જઈ પડ્યા હતા. આસપાસના મકાનો અને રસ્તા પર પણ પતરાના ટુકડા ફંગોળાતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
મહિલાના હાથમાં પતરું ઘૂસ્યું, પાંચ લોકોને ઈજા
આ ભયાનક બ્લાસ્ટમાં દીપિકાબેન મકવાણા, ઉષાબેન મકવાણા, નગીનભાઈ પરમાર, સવિતાબેન વાઘેલા અને વીણાબેન પરમારને ઈજા પહોંચી હતી. એક મહિલાના હાથમાં કારના પતરાનો ટુકડો ઘૂસી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિના પગમાં પણ પતરું વાગ્યું હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને પોલીસ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિકોનો આક્ષેપ: 15 દિવસ પહેલાં જ ગેસ કિટ લગાવી હતી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગ લાગેલી હોન્ડા સિટી કાર પ્રિતેશ મકવાણાની હોવાનું કહેવાય છે. સ્થાનિકોએ એવો દાવો કર્યો હતો કે કારમાં આશરે 15 દિવસ પહેલાં જ ગેસ કિટ લગાવવામાં આવી હતી. આ ફિટિંગ કંપનીમાં કરાવવામાં આવ્યું હતું કે બહારથી કરાવવામાં આવ્યું હતું તેની તેમને જાણ નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, બાળકો રસ્તા પર રમતાં હોવાથી તેમણે કાર ત્યાં પાર્ક ન કરવા માટે અગાઉ પણ કહ્યું હતું. જોકે, કાર માલિકે તેમના પિતાને એરપોર્ટ લઈ જવાના હોવાથી થોડા સમય માટે કાર પાર્ક કરી હોવાનું જણાવ્યું હતું. એક સ્થાનિકે માંગ કરી હતી કે આ ઘટનામાં ઈજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ કાર માલિકે ચૂકવવો જોઈએ.
બ્લાસ્ટથી ગલ્લો પણ સળગી ગયો
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કારના પતરાના ટુકડા ત્રણ લાઇન દૂર સુધી ફંગોળાયા હતા. નજીક આવેલા મંદિરમાં પણ એક વ્યક્તિને પગમાં પતરું વાગ્યું હતું. બ્લાસ્ટ અને આગને કારણે એક નાનો ગલ્લો પણ સળગી ગયો હતો. ગલ્લામાં રાખેલી ત્રણ સાયકલ, ખુરશીઓ અને બાળકો માટેની પડીકી-ચોકલેટ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ગલ્લો એક દિવ્યાંગ વ્યક્તિનો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
પ્રત્યક્ષદર્શી ઉષાબેને જણાવી ઘટનાની ભયાનક ક્ષણ
ઈજાગ્રસ્ત ઉષાબેને જણાવ્યું હતું કે રાત્રે કારમાં આગ લાગતાં તેઓ બહાર જોવા માટે નીકળ્યાં હતાં. તે સમયે એક યુવક કાર હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોતાના બાળકને કંઈ થઈ જશે તેવી બીક લાગતાં તેઓ દરવાજા પાસે ઊભાં રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક જોરદાર ભડકો થયો હતો. ત્યારબાદ તેઓ સહિત આસપાસના લોકો ત્યાંથી દૂર ખસી ગયા હતા. અન્ય પ્રત્યક્ષદર્શી પરેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ, રાત્રે આશરે બે વાગ્યાથી સવા બે વાગ્યાની વચ્ચે કારમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. તેમના પિતાએ તેમને નીચે જઈને સળગતી કારની આસપાસની ગાડીઓ હટાવવાનું કહ્યું હતું. તેમણે અન્ય કાર માલિકને ફોન કરીને ગાડી હટાવવા જણાવ્યું હતું. જોકે, ગેસની બોટલ ફાટતાં જોરદાર ધડાકો થયો હતો અને પતરાના ટુકડા આસપાસ ફંગોળાયા હતા. તેમના જણાવ્યા મુજબ, આ ઘટનામાં આસપાસના પાંચથી છ લોકોને ઈજા પહોંચી હતી.
ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ બુઝાવવામાં આવતાં આસપાસના વિસ્તારમાં વધુ મોટું નુકસાન થતું અટક્યું હતું. હાલ કારમાં આગ કયા કારણોસર લાગી અને CNG બોટલમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કારમાં ગેસ કિટનું ફિટિંગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યું હતું તે સહિતના મુદ્દાઓ પણ તપાસનો વિષય બની શકે છે.