Surat News: દિવાળી અને લોકઆસ્થાના મહાપર્વ છઠપૂજાને લઈને સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો હવે મોટી સંખ્યામાં પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર હજારો લોકોની ભીડ ઉમટી પડતાં સ્ટેશન પરિસરમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે. મુસાફરોની સંખ્યા એટલી વધી છે કે રેલવે દ્વારા 15 હજારથી વધુ લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ હોલ્ડિંગ એરિયા પણ ખીચોખીચ ભરાઈ ગયો છે.
15 હજારની ક્ષમતાવાળો હોલ્ડિંગ એરિયા પણ પડ્યો ટૂંકો
મુસાફરોને તડકાથી બચાવવા અને ટ્રેનમાં ચઢતી વખતે ભીડનું યોગ્ય સંચાલન કરવા રેલવે તંત્ર દ્વારા ઉધના સ્ટેશન પર વિશાળ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં એકસાથે 15 હજારથી વધુ મુસાફરોને સમાવી શકાય તેવી વ્યવસ્થા છે. જોકે, દિવાળી અને છઠપૂજા માટે વતન જવા નીકળેલા શ્રમિકોની ભારે ભીડને કારણે આ જગ્યા પણ ઓછી પડી રહી છે. આંકડા મુજબ, ગત રાતથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં જ 15 હજારથી વધુ મુસાફરો સુરતથી પોતાના વતન તરફ રવાના થઈ ચૂક્યા છે. સ્ટેશન પર સામાન સાથે પહોંચેલા મુસાફરોની લાંબી કતારો અને ભીડને કારણે સમગ્ર પરિસરમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ટ્રેનના સમયથી 5થી 10 કલાક વહેલા સ્ટેશને પહોંચી રહ્યા છે મુસાફરો
ભારે ભીડને ધ્યાનમાં રાખીને ઘણા મુસાફરો ટ્રેનના નિર્ધારિત સમય કરતાં 5થી 10 કલાક વહેલા ઉધના રેલવે સ્ટેશન પહોંચી રહ્યા છે. હોલ્ડિંગ એરિયાની છતને કારણે મુસાફરોને આકરા તડકાથી રાહત મળી રહી છે, પરંતુ મુસાફરોની સંખ્યા વધતાં બેસવાની જગ્યા ઓછી પડી રહી છે. પરિણામે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત અનેક મુસાફરો સામાન સાથે કલાકો સુધી ઊભા રહીને ટ્રેનની રાહ જોવા મજબૂર બન્યા છે.
આજે 10 ટ્રેનોનું આયોજન, 5 ટ્રેનો રવાના
દિવાળી અને છઠપૂજા દરમિયાન વધતી મુસાફરોની ભીડને પહોંચી વળવા રેલવે પ્રશાસને વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. ગત રાતથી આજના દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ કુલ 10 ટ્રેનો દોડાવવાનું આયોજન છે. તેમાં 3 નિયમિત ટ્રેનો અને 7 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. આમાંથી 5 ટ્રેનો મુસાફરોને લઈને રવાના થઈ ચૂકી છે. સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે RPF તથા સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અત્યાર સુધી 4 લાખથી વધુ મુસાફરો વતન રવાના
સુરતમાંથી પરપ્રાંતિય શ્રમિકોની વતન વાપસીનો ધસારો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. મળેલા સત્તાવાર અંદાજ મુજબ, 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પરથી 4 લાખથી વધુ મુસાફરો પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં છઠપૂજા સુધી વધુ 2.5 થી 3 લાખ શ્રમિકો સુરત છોડીને પોતાના વતન પહોંચે તેવી શક્યતા છે. આ કારણે આગામી એક સપ્તાહ દરમિયાન સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિસ્તારોમાં કામદારોની સંખ્યા ઘટી શકે છે. દિવાળી અને છઠપૂજાના તહેવારોને કારણે ધમધમતું સુરત શહેર ધીમે-ધીમે ખાલી થતું હોય તેવો માહોલ સર્જાયો છે.