હોળીમાં વતન જનારાઓ માટે 1300 વધારાની બસોનું આયોજન
27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ GSRTCની સેવા: દાહોદ-ગોધરા તરફ જનારાને મોટી રાહત

હોળીમાં 1300 વધારાની બસોનું આયોજન

હોળીમાં 1300 વધારાની બસોનું આયોજન
હોળી અને ધૂળેટીના રંગોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યભરમાં વસતા પરપ્રાંતીય અને શ્રમિક વર્ગ તેમજ નોકરીયાત લોકો પોતાના વતન પરત ફરતા હોય છે. મુસાફરોના આ ભારે ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ કમર કસી છે.
નિગમ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન 1300 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુર માટે વિશેષ વ્યવસ્થા
ST નિગમના PRO શ્રદ્ધાબેને આપેલી માહિતી મુજબ, ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને ભુજ જેવા શહેરોમાંથી દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ અને છોટા ઉદેપુર તરફ મુસાફરોનો સૌથી વધુ પ્રવાહ રહે છે. આ રૂટ પર મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે 7500 જેટલી વધારાની ટ્રિપ્સનું આયોજન કરાયું છે. મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને જરૂર પડશે તો વધુ બસો પણ ફાળવવામાં આવશે.
ધાર્મિક સ્થળો માટે 450 વિશેષ બસો
હોળીના અવસરે ડાકોરમાં 'માણેકઠારી પુનમ' અને દ્વારકામાં દર્શનનું વિશેષ મહત્વ હોય છે. આ શ્રદ્ધાળુઓ માટે નિગમે 450 જેટલી વિશેષ બસો ફાળવી છે, જે આશરે 3500 ટ્રિપ્સ મારફતે ભક્તોને ધાર્મિક સ્થળો સુધી પહોંચાડશે. આ આયોજનથી ખાનગી વાહનોના ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
ઓનલાઇન બુકિંગ અને મોબાઈલ એપની સુવિધા
ભીડથી બચવા માટે નિગમ દ્વારા મુસાફરોને એડવાન્સ બુકિંગ કરવાની અપીલ કરવામાં આવી છે. મુસાફરો નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા પોતાની ટિકિટ બુક કરાવી શકશે.
આ ઉપરાંત સ્થાનિક ડેપો પરથી પણ કરંટ બુકિંગની સુવિધા ચાલુ રહેશે. 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ વિશેષ સંચાલનનું રાજ્યના વિવિધ નિયંત્રણ કક્ષાઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
તહેવારો દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો ઘણીવાર ઉંચા ભાડા વસૂલતા હોય છે, તેવા સમયે GSRTCની આ સસ્તી અને સુરક્ષિત સેવા હજારો મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.