સુરતમાંથી ચાલતા આંતરરાષ્ટ્રીય સાયબર હવાલા કૌભાંડનો પર્દાફાશ
99 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન,એક જ વર્ષમાં 16 લાખ રૂપિયાના સીમ કાર્ડ

આંતરરાષ્ટ્રીય સાયબર હવાલા કૌભાંડ

આંતરરાષ્ટ્રીય સાયબર હવાલા કૌભાંડ
સુરતમાં સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં કન્વર્ટ વિવિધ દેશમાં મોકલવાના હવાલા નેટવર્કનો SOGએ પર્દાફાશ કર્યો હતો. આરોપી પિતા-પુત્ર અને તેની ટોળકીએ માત્ર એક જ વર્ષમાં 16 લાખ રૂપિયાના સીમ કાર્ડ દુબઈ, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં મોકલ્યા છે, જેમાં મોટાભાગના એરટેલ કંપનીના સિમકાર્ડ છે. જેના થકી સાયબર ફ્રોડના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. આટલી મોટી સંખ્યામાં સીમ કઈ રીતે આ લોકો પાસે ગયા અને તેની શંકાસ્પદ ગતિવિધિ પર કંપનીએ શું કર્યું? આ માટે એરટેલ કંપનીના મુખ્ય અધિકારીઓની સુરત SOG પૂછપરછ હાથ ધરશે.
આ ગેંગ બેન્ક એકાઉન્ટ પૂરા પાડવાની સાથે સુરતથી ભારતીય સિમકાર્ડ પણ મોકલતી હતી. ઝાંપાબજારના મુર્તુઝા પાસેથી 1500 રૂપિયામાં સિમકાર્ડ ખરીદી તેને 2 હજાર રૂપિયામાં કુરીયર અથવા કેરિયર મારફતે દુબઇ મોકલાતા હતા. દર મહિને આ રીતે તેઓ 2 લાખના સિમકાર્ડ દુબઇ મોકલતા હતા. પોલીસને અહીંથી 497 સિમકાર્ડ મળ્યા હતા, તે તમામ એરટેલ કંપનીના હોવાથી તેનો એજન્ટ પણ શંકાના દાયરામાં છે. જોકે, સિમકાર્ડ પૂરા પાડનાર મુર્તુઝા અને બસ્સીમ મકબુલ પણ દુબઇ ભાગી છૂટ્યાની આશંકા છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હવાલા કૌભાંડમાં સૌપ્રથમ મકબુલ, કાસીફ અને માઝની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા દસ્તાવેજ અને વ્હોટ્સએપ ચેટ પરની તપાસ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ રેકેટમાં રૂપિયા 99 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનનો શોધી કાઢ્યા છે આરોપીઓ પાસેથી 180 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે જેમાંથી 146 બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. હજી 34 એકાઉન્ટની સીઝ કરવાની બાકી છે. આ હવાલા કૌભાંડમાં ત્રણેય આરોપીઓ બાદ ગુજસીટોકના આરોપી આરીફ મીંડીના પુત્ર ઉહેદ શેખની પણ ધરપકડ કરાઈ હતી.
આરોપીઓએ દુબઇ, નવસારી, સુરતમાં પ્રોપર્ટી વસાવી છે. મકબુલ અને તેની ટોળકીને મહેશ દેસાઇ દરેક હવાલા માટે 10 ટકા કમિશન આપતો હતો. મકબુલ અને તેના બે પુત્રો આ રીતે કરોડોની કમાણી કરી ચૂક્યા છે. મકબુલની કરોડોની સંપતિ મળી આવી હતી. જેમાં સિંધીવાડના ઘર ઉપરાંત ચોકબજારમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનો ઇન્ડસ્ટ્રિયલ શેડ, નવસારીના ડાભેલમાં વૈભવી ફાર્મહાઉસ ઉપરાંત દુબઇનાં પોશ વિસ્તાર બરસામાં 3 BHK ફલેટ પણ વસાવ્યો હતો. દુબઇ આવવા જવામાં સરળતા રહે તે માટે ત્યાં ડોક્ટર અબ્દુલ જનરલ ટ્રેડિંગ કું. એલ.એલ.સી. નામે કંપની પણ ખોલી હતી. વિદેશની સંપત્તિ તથા હવાલા નેટવર્ક માટે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે SOGએ સુરત જિલ્લા કલેકટર અને નવસારી કલેકટર પાસેથી આરોપીઓના પ્રોપર્ટી અંગેની પણ માહિતી મંગાવી છે.
આરોપીઓ જે બેન્ક એકાઉન્ટ જરૂરિયાતમંદ, શ્રમિક અને દારૂડીયાઓના નામે ખોલાવતા હતા. આ જ બેન્ક એકાઉન્ટથી સાયબર ફ્રોડની ઘટનામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું. આવા ત્રણ કેસો હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ધ્યાને આવ્યા છે, જેમાં તેલંગાણા, મુંબઈ સેન્ટ્રલ અને વડોદરામાં આ જ બેન્ક એકાઉન્ટ મામલે FIR પણ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!

અમદાવાદના ચાંદખેડામાં 30 વર્ષીય પરિણીતાનો આપઘાત! બહેનને ફોન કરીને સાસરિયાઓના ત્રાસની વાત કરી, અને માત્ર 15 મિનિટમાં જ બની એવી ઘટના કે પરિવાર પર તૂટી પડ્યો આઘાત!